દુર્ઘટના@રાજકોટ: મૃતકોની ઓળખ માત્ર ને માત્ર DNAથી થશે, જાણો વધુ વિગતે

 સ્વજનોની લાશ માટે ય લોકોને લાચાર

 
દુર્ઘટના@રાજકોટ: મૃતકોની ઓળખ માત્ર ને માત્ર DNAથી થશે, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં અવાર-નવાર ભયાનક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં જ રાજકોટથી હૃદય કંપાવી ઉઠે એવી દુર્ઘટના સામે આવી છે.  ગુજરાતનો વિકાસ એવો થયો કે મૃતદેહની તપાસ માત્ર ને માત્ર ડીએનએથી કરવી પડશે. શું કહેવું એ સમજાતું નથી.

મેં તમને હરણી બોટકાંડ વખતે કહ્યું હતું. તક્ષશિલાનો અગ્નિકાંડ થયો તે વખતે પણ કહ્યું હતું. કાંકરિયાની રાઈડ્સ જ્યારે પડી ત્યારે પણ કહ્યું હતું કે, આમના પર ભરોસો ન કરતા. આખું પોલું તંત્ર છે. એવી રીતે મંજૂરીઓ મળી જાય છે કે કોઈ જોનાર નથી. માત્ર ને માત્ર ડીએનએથી મૃતદેહોની ઓળખ કરવી પડે. પોસ્ટમોર્ટમ રૂમમાં, મોર્ચુરી રૂમમાં મૃતદેહોની સંખ્યા વધારીને વિકાસ કરી દીધો છે. કોને વિકાસ કહેવાય, વિકાસની વ્યાખ્યા શું એ નાગરિક તરીકે મારે ને તમારે નક્કી કરવું પડશે કે આ વિકાસ કહેવાય?

તમામ ઘટનામાં બે કારણ સ્પષ્ટ છે. એક, સ્વચ્છ વહીવટ કરવો એની દાનત આપણામાં નથી. સ્વચ્છ વહીવટની પોલિટિકલ વીલનો સદંતર અભાવ છે. જો એક દાખલો બેસાડ્યો હોત, જેમ કે વડોદરામાં, મોરબીમાં... એક દાખલો બેસાડ્યો હોત કે ઉપરથી નીચે સુધીના તમામને ઘરભેગા કરી દો. તમામને એટલે જેટલા બિઝનેસ કરે છે, જેટલા અધિકારીઓ છે, જેટલા કર્મચારીઓ છે. કર્મચારીની વાત એટલે કરું છું કે, એમણે વ્હીસલ બ્લોઅર તરીકે કામ કરવાનું છે. એમનું કહેવાનું છે કે ખોટું ચાલે છે. પણ કોઈ બોલતું નથી કે ખોટું ચાલે છે. કારણ કે દરેકને પૈસા મળે છે. દરેકના ચોક્કસ ભાવ છે.

ઉચ્ચ અધિકારીઓ છે તેમના વિશે તો શું કહેવું. કમિશનરો, કલેક્ટરો, સેક્રેટરીઓ માત્ર ને માત્ર નિવેદનો કરે છે. સરકાર માત્ર ને માત્ર તપાસ કમિટીની રચના કરે છે. અગાઉની તપાસ કમિટી જોઈ લો. કોઈને કશું થવાનું નથી. તમારે સમજવાનું છે નાગરિક તરીકે, કે તમે કેટલા જાગૃત છો. આપણે નાગરિક તરીકે જાગૃત નથી, આપણને મોજમજા કરવામાં રસ છે. હું મોજમજા કરીશ, મને તો કાંઈ થવાનું છે નહીં. જો આવું કરશો તો તમારા, મારા ઘરનાં સ્વજનો ને બાળકો આમ હોમાતાં રહેશે. આપણે પોસ્ટ મોર્ટમ રૂમની બહાર લાઈનમાં ઊભા રહેવું પડશે.

આ એ રાજકોટ છે જે રંગીલું રાજકોટ કહેવાય છે. આ તંત્રની ભૂલના કારણે રડતું રાજકોટ થયું છે. ગુજરાતના ઈતિહાસમાં આટલાબધા લોકો એક આગમાં મરી જાય અને ઓળખ પણ ન થઈ શકે, તેનાથી વધારે કરુણ ઘટના શું હોઈ શકે? જેટલા લોકો આ ફન ઝોન, ગેમ ઝોન કે મોલ કે રાઈડ્ઝ જેટલી એક્ટિવિટી કરે છે તેની કોઈ તપાસ કરે છે ખરા? દુનિયામાં આવું ક્યાંય નથી. એ એટલા માટે કહું છું કે માત્ર ને માત્ર આપણે ત્યાં લાલિયાવાડી ચાલે છે. આખી દુનિયામાં ફન ઝોન છે. આખી દુનિયામાં ગેમ ઝોન છે, રાઈડ્ઝ છે પણ એ ચલાવવા માટેની એલર્ટનેસ, સજ્જતા, એનું ચેકિંગ, એનું મોનિટરિંગ, એની પરમિશન, એનું મેઈન્ટેનન્સ એ બધું બહુ વ્યવસ્થિત થાય છે. એ આપણા સ્વભાવમાં કે આપણા બ્લડમાં નથી. કારણ કે આપણું વહીવટી તંત્ર ખોખલું છે. પૈસા સિવાય કોઈ કામ કરતા નથી.

લાઇસન્સ લીધા વગર ગેમ ઝોન ચાલતો હોય તો પૈસા લઈને જ ચાલતો હોય ને? નહીંતર કેવી રીતે ચાલી શકે? આ તમામ જવાબદારોની સંપત્તિ જપ્ત કરવી જોઈએ. આ એટલો મોટો ગુનો છે. એક વખત આ બિઝનેસ કરનારાની સંપત્તિ જપ્ત કરો ને તેની નિલામી કરીને ઘટનાના ભોગ બનનારાને પૈસા આપો. બીજી વખત ગેરકાયદે બિઝનેસ કરવા માટે એક લાખ વાર વિચાર કરશે. એ લોકો ઓછા પૈસાનું ઈન્વેસ્ટમેન્ટ કરી, ભાગીદારો બનાવી પછી મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ, તમારા-મારા જેવા લોકોના 'શોખ'ને પોષવા માટે લૂંટે છે ને પછી એમાં આપણાં જ બાળકો, આપણાં જ સ્વજનો હોમાઇ જાય ને એ લોકો છુટા ફરે.

એકના એક અધિકારીઓ જ તપાસ કરે છે. એવો જ સરકારી રિપોર્ટ આપશે ને બધા છુટા ફરશે. આપણે જ વિચારવાનું છે કે આપણે શું કરવાનું છે. આપણે નહીં જાગીએ તો આ વસ્તુ ફરી બનવાની છે. માટે જાગો...