અતિગંભીર@પાટણ: ખનીજ માફિયા વિરુદ્ધ તુરંત કડક કાર્યવાહી રામ જાણે, પરંતુ ફરીયાદીની જીંદગી બગડી ગઈ

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
જો તમે પાટણ જિલ્લામાં રહો છો અથવા પાટણ જિલ્લા ખનીજ ચોરી અટકાવવા મથી રહ્યા છો તો આ રિપોર્ટ વાંચી લેજો. છેલ્લા કેટલાક સમયથી ખનીજ માફિયાઓ રીતસર જાગૃત નાગરિકો ઉપર આડેધડ હુમલાઓ કરી રહ્યા છે. જો સાંતલપુર તાલુકાના જાગૃત નાગરિકની ફરિયાદ ઉપર પાટણ ભૂસ્તરશાસ્ત્રીએ તુરંત અને કડક કાર્યવાહી કરી હોત તો ખનીજ માફિયાઓ બેફામ ના બન્યા હોત. મુખ્યમંત્રી કાર્યાલયની સુચના છતાં ખનીજ માફિયાઓ બેરોકટોક ખનિજ ચોરી કરતાં રહ્યા અને જાગૃત નાગરિકના શરીરની હાલત બગાડી દેવાઇ. ખનીજ માફિયાઓને કેવી રીતે વિગતો મળી કે, આ જાગૃત નાગરિક છે ? આ વિગતો મળ્યા બાદ મારી નાખવાના ઇરાદે હુમલો કરી જાગૃત નાગરિકની જીંદગી બગાડી દીધી છે. જાણી લો અને વાંચી લો આ સ્પેશિયલ રિપોર્ટમાં......

પાટણ જિલ્લામાં સાંતલપુર પંથકમાં ભરપૂર માત્રામાં વિવિધ ખનીજ છે એટલે પંથકના કેટલાક નાના મોટા ખનીજ માફિયાઓ ધોળાં દિવસે કાયદાના ડર વિના બેરોકટોક ખનિજ ઉઠાવી રહ્યા છે. આ બાબતે જો કોઈ જાગૃત નાગરિક પાટણ ભૂસ્તરશાસ્ત્રીને ફરિયાદ કરે તો થોડાં સમયમાં જાગૃત નાગરિક ઉપર હૂમલો કેમ થાય છે? આ સવાલ એટલા માટે ઉભો થયો કે, કેટલાક મહિના પહેલાં એક ભરવાડ નાગરિક ઉપર ખાણખનીજના માણસોની હાજરીમાં હુમલો થયો અને ગત 11 ઓગસ્ટે પણ ફરી એકવાર વધુ એક જાગૃત નાગરિકના હાથ પગ ભાંગી નાખ્યા. કેમ ખનીજ માફિયાઓ આટલા બધા બેફામ અને બેફાટ બની ગયા કે, જો તમે પાટણ ભૂસ્તરશાસ્ત્રી પ્રેમલાણીને ખનીજ ચોરીની ફરિયાદ કરો તો, થોડા દિવસોમાં હુમલો થઈ જાય. શું ખનીજ માફિયાઓ એવી ધાક બેસાડવા માંગે છે કે, જો ભૂસ્તરશાસ્ત્રી પ્રેમલાણીને ફરિયાદ કરશો તો કાર્યવાહી નહિ થાય પરંતુ હાથ પગ ભાંગી જશે? તમે કલ્પના નહિ કરી શકો, સાંતલપુર તાલુકાના ફાંગલીના કમાભાઇ સેજાભાઇ આયર નામના જાગૃત નાગરિકે 21 જુલાઈએ પાટણ ભૂસ્તરશાસ્ત્રી પ્રેમલાણી થી માંડીને રાજ્ય સરકારને સાંતલપુર પંથકમાં ખનીજ ચોરીની ફરિયાદ કરી. જાગૃત નાગરિકના કહ્યા મુજબ, ખુદ ભૂસ્તરશાસ્ત્રીની ટીમે ખનીજ ચોરીના સ્થળે આવી વિગતો મેળવી પરંતુ કોઈ કાર્યવાહી ના થઈ. પછી માત્ર 20 દિવસ બાદ એટલે કે 11 ઓગસ્ટે અચાનક ખનીજ માફિયાઓ રીતસર હથિયારો વડે જાગૃત નાગરિક કમાભાઇ આયર ઉપર તૂટી પડે છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ગત કેટલાક મહિનામાં પણ આવી જ ઘટના બની હતી કે, સ્થાનિક ભરવાડ નાગરિકે પાટણ ભૂસ્તરશાસ્ત્રી પ્રેમલાણીને ખનીજ ચોરીની ફરિયાદ કરી અને કલાકોમાં જાગૃત નાગરિકના હાથ પગ ભાંગી નાખવામાં આવ્યા. આ બંને ઘટનાથી 2 અતિ ગંભીર સવાલો ઉભા થાય કે, શું પાટણ જિલ્લામાં ખનીજચોરીની ભૂસ્તરશાસ્ત્રી પ્રેમલાણીને ફરિયાદ કરવાની નહિ? શું ભૂસ્તરશાસ્ત્રી કડક કાર્યવાહી કરશે એવો ખનીજચોરોને ડર છે કે પછી જાનલેવા હુમલો કરી કે કરાવીને એક ભય ફેલાવી કાયમી ધોરણે ખનીજ ચોરીની ફરીયાદ બંધ કરાવવી છે? ફરિયાદીના જણાવ્યા મુજબ, જો સાંતલપુર તાલુકામાં ખનીજ ચોરી ઉપર ત્વરિત અને કડક કાર્યવાહી થઈ હોત તો ખનીજ માફિયાઓનું મનોબળ તુટી જાત, પરંતુ કાર્યવાહી કાચબા ગતિએ મૂકાઇ એટલે સમય મળતાં ફરીયાદીને પૂરો કરવા કે કરાવવા સમય આપ્યો અથવા અપાવ્યો, જેના લીધે ખનિજ માફિયાની સરકારને નુકસાન પહોંચાડવાની કામગીરીને અડચણ ના આવે.