ધાર્મિક@ગુજરાત: આવતી કાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ, જાણો શુભ મુહૂર્ત અને પૂજાવિધિ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
30 માર્ચ રવિવારે ચૈત્ર સુદ એકમથી ચૈત્રી વાસંતી નવરાત્રિ શરૂ થશે. ઘણા ભકતો શ્રીઝુલેલાલ દરિયાલાલ જયંતીની શાનદાર ઉજવણી ઘરે બેસીને મનાવશે. વિશેષમાં આ દિવસે ગૂડી પડવાની ઊજવણી પણ શ્રદ્ધા ભાવપૂર્વક કરવામાં આવશે. જ્યોતિષાચાર્ય જણાવ્યાનુસાર વર્ષની ચાર નવરાત્રિમાં આ નવરાત્રિનું વિશેષ મહત્વ સાધના સિદ્ધિ કરવા માટે ગણાય છે. આધ્યાત્મિક ઊર્જા વધારવા, નવદુર્ગા ઊપાસના કરવા, સહસ્ત્ર અર્ચન, રાજોપચાર તથા ગાયત્રી અનુષ્ઠાન તેમજ મંત્ર-તંત્રના પ્રયોગ બગલામુખી સાધના સિદ્ધ કરવા માટે અતિ મહત્ત્વની ગણાય છે.
જ્યોતિષાચાર્ય આશિષ રાવલના જણાવ્યાનુસાર, ઘટસ્થાપન પૂર્વ દિશામાં ઘઉં, મગ, અક્ષત, કળશ, શ્રીફળ, આસોપાલવના પાન કે આંબાના પાન, સવા રૂપિયો, માતાજીની તસવીર સફેદ કે લાલ કલરના કપડાં ઉપર મૂકીને સ્થાપન કરવું. ઘણા બધા સાધકો મીઠા વગરની ચીજવસ્તુ ખાઈને ઉપાસના કરતા હોય છે. તેમજ કડવા લીમડાના મોરનો રસ પીવાનું આરોગ્ય માટે આયુર્વેદિક આચાર્યો ઉત્તમ માને છે.
કુળદેવી, ગાયત્રી, મહાકાળી, બગલામુખી ઉપાસના કરવાનું શીઘ્ર ફળદાયી માનવામાં આવે છે. ઘણા બધા ભક્તો દેવી કવચ, ગાયત્રી ચાલીસા કે શતકના પાઠ નિયમિત કરતાં હોય છે. જો કોઈ વ્યક્તિ માતાજીની વિશેષ ઉપાસના અનુષ્ઠાન કે ઉપવાસ ન કરી શકતો હોય તે પણ માતાજીની તસવીર ઉપર ગુલાબ, કમળ કે જાસૂદના પુષ્પ અર્પણ કરે તો તેને પણ માતાજી પ્રસન્ન થતા હોય છે.
જ્યોતિષાચાર્ય આશિષ રાવલના જણાવ્યાનુસાર, તા.30 રવિવારથી શરુ થનાર ચૈત્રી નોરતામાં માતાજી હાથીની સવારી ઉપર નીકળવાથી માવઠા પડવાના એંધાણ સુચવે છે. તા.31 માર્ચે બીજું તથા ત્રીજું નોરતું સાથે રહેશે. તા.5 એપ્રિલ આઠમ તથા તા.6 એપ્રિલના રોજ નોમ સાથે રામ નવમી મનાવાશે. રવિવારથી રવિવારના આઠ દિવસની રાત્રિ રહેવાથી સરકારી નીતિ-રીતિનો ભય ચિંતાઓ સતત વધારશે. આપના પરિવારમાં આર્થિક ઉન્નતિ કરવા માટે ચૈત્ર મહિનામાં બજારમાંથી મીઠું (નમક) ખરીદી કરશો નહીં.
કળિયુગમાં ગણેશજીની વંદના અને માતાજીનું અનુષ્ઠાન શીધ્ર ફળદાયી નીવડશે તેવું શાસ્ત્રમાં વર્ણન કરાયેલું છે. માતાજીને પ્રસન્ન કરવાનો આ શ્રેષ્ઠ અવસર ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ રવિવારથી શરૂ થાય છે. વિશિષ્ઠ સંજોગોમાં આવતી આ ચૈત્રી નવરાત્રિમાં માતાની સાધના આપણને અનેક કષ્ટોમાંથી ઉગારી સુખ શાંતિ સમૃદ્ધિ આપી શકે છે. આ નવરાત્રિમાં ખાસ કરીને પૂર્ણ નવાર્ણ મંત્રની સાધના કરવાથી વિશેષ લાભ થાય. આ ઉપરાંત ગાયત્રી ચાલીશા, સિદ્ધ કુંજિકા સ્તોત્રની સાધના, અર્ગલા સ્તોત્રની સાધના કે દેવી કવચની સાધના અદભુત પરિણામ આપનારી છે. વળી દુર્ગા સપ્તશતીના સંપૂર્ણ પાઠ કરવામાં આવે તો મનોવાંછિત બાબતો પ્રાપ્ત કરી શકાય છે અને જીવનની સમસ્યાઓને હલ કરી શકાય છે.