ધાર્મિક@ગુજરાત: આજે દુર્ગાષ્ટમી-શક્તિપૂજાનો ખાસ દિવસ, નૈવેદ્ય-હવનની તિથિ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે નવરાત્રિનો આઠમો દિવસ છે. શક્તિપૂજાનો ખાસ દિવસ- દુર્ગાષ્ટમી છે. આજે દેવીની વિશેષ પૂજા, હવન, કન્યા પૂજન અને જાગરણ કરવામાં આવે છે. આઠમના દિવસે મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે દેવી ચામુંડાના રૂપમાં પ્રગટ થયાં હતાં. આ તિથિએ શક્તિપીઠોમાં દેવીની મહાન પૂજા અને શણગાર થાય છે.
નવરાત્રિની આઠમ તિથિએ દેવીની ખાસ પૂજા કરવાની પરંપરા છે. જે ત્રેતાયુગથી ચાલી રહી છે, જ્યારે શ્રીરામજીએ રાવણ ઉપર વિજયની કામના સાથે શક્તિ આરાધના કરી હતી. તે પછી દ્વાપર યુગમાં પણ શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને શરદ ઋતુની આઠમ તિથિએ દેવીપૂજનની વિધિ જણાવી હતી. દેવી મહાપુરાણ પ્રમાણે આઠમ તિથિએ દેવી પ્રગટ થયાં હતાં.
આ તિથિએ ભૈરવ પણ પ્રગટ થયા હતા. માર્કંડેય પુરાણમાં પણ દુર્ગાષ્ટમી અંગે ઉલ્લેખવામાં આવ્યું છે કે આ તિથિએ દેવીપૂજા કરવાથી દરેક પરેશાનીઓ દૂર થાય છે અને ક્યારેય દરિદ્રતા આવતી નથી.
જ્યોતિષાચાર્ય સચિન જોષીના જણાવ્યા અનુસાર, આ વખતે શારદીય નવરાત્રિમાં ત્રીજની તિથિમાં વધારો જોવા મળ્યો હતો એટલા માટે પંચાંગ અનુસાર, 30 સપ્ટેમ્બરના રોજ મહાષ્ટમી એટલે કે દુર્ગાષ્ટમી હવન અને નૈવૈદ્ય થશે. જ્યારે 1 ઓક્ટોબરના રોજ મહાનવમીના નૈવૈદ્ય મુહૂર્ત રહેશે. આ બંને તિથિએ 2થી 10 વર્ષ સુધીની કન્યાઓની પૂજા કરવી જોઈએ. આ કન્યાઓ સાથે એક બાળકને ભૈરવ સ્વરૂપ માનીને ભોજન કરાવવું જોઈએ.
કન્યાઓને બોલાવ્યાં પછી તેમની પૂજા કરવી જોઈએ. પછી બધાને ખીર કે શીરો-પુરી સાથે અન્ય વસ્તુઓ ખવડાવવી જોઈએ. ભોજન પછી કન્યાઓના પગ ધોવડાવવા અને તેમના પગના અંગૂઠાની પૂજા કરો. આ પૂજામાં કંકુ, ચંદન, ફૂલ અને ચોખાનો ઉપયોગ કરો. પછી કન્યાઓની આરતી કરો અને શ્રદ્ધા પ્રમાણે તેમને દક્ષિણા, ફળ અને વસ્ત્ર દાન કરો. તે પછી કન્યાઓને પ્રણામ કરીને વિદાય આપો. કન્યાપૂજનથી દરિદ્રતા દૂર થાય છે અને દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થાય છે. ધન અને ઉંમર વધે છે. ત્યાં જ, વિદ્યા અને સુખ-સમૃદ્ધિ પણ મળે છે.