ધાર્મિક@ગુજરાત: બીજા નોરતે માતા દુર્ગાના બીજા સ્વરૂપ બ્રહ્મચારિણીની પૂજા થાય છે.

બ્રહ્મ એટલે તપસ્યા અને ચારિણી એટલે આચરણ કરનારી
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આજે બીજું નોરતું છે. ગઇકાલેથી આસો માસની એટલે કે શારદીય નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે. બીજા નોરતે માતા દુર્ગાના બીજા સ્વરૂપ બ્રહ્મચારિણી ની પૂજા થાય છે.

કથા:

પૂર્વ જન્મમાં દેવી સતી તરીકે તેઓએ પોતાના પિતાના યજ્ઞમાં અપમાન થતા પોતાના દેહનો ત્યાગ કર્યો હતો. હવે પર્વતરાજ હિમાલયને ત્યાં પાર્વતી રૂપે જન્મ લીધો.

નારદ મુનિએ કહ્યું કે તમારા પતિ તરીકે તો ફક્ત ભગવાન શિવ જ થઈ શકે. એ સાંભળી પાર્વતી માએ શિવજીને મેળવવા માટે અતિ કઠોર તપસ્યા કરી.

તેઓ હજારો વર્ષ સુધી ફક્ત કંદમૂળ ખાઈને રહ્યા, પછી સેંકડો વર્ષ માત્ર શાકભાજી ખાઈને રહ્યા, અને છેલ્લે ઘણા વર્ષો સુધી નિર્જળા, નિરાહાર રહીને તપ કર્યું. આ કઠોર તપના કારણે જ તેમનું નામ બ્રહ્મચારિણી પડ્યું.

બ્રહ્મ એટલે તપસ્યા અને ચારિણી એટલે આચરણ કરનારી - તપનું આચરણ કરનારી દેવી.

તેમની આ કઠોર તપસ્યાથી ત્રણે લોક હચમચી ગયા અને અંતે બ્રહ્મા દેવે વરદાન આપ્યું કે તમને શિવજી જ પતિ તરીકે પ્રાપ્ત થશે.

બીજા દિવસનું મહત્વ:

આ દિવસે મા બ્રહ્મચારિણીની પૂજા કરવાથી વ્યક્તિમાં સંયમ, ત્યાગ, વૈરાગ્ય અને આત્મબળ વધે છે. સફેદ વસ્ત્ર ધારણ કરેલી, જમણા હાથમાં જપમાળા અને ડાબા હાથમાં કમંડળ ધારણ કરેલી આ દેવી સાધકને સિદ્ધિ અને વિજય અપાવે છે.

મંત્ર:

દધાના કર પદ્માભ્યામક્ષમાલાકમણ્ડલૂ ।

દેવી પ્રસીદતુ મયિ બ્રહ્મચારિણ્યનુત્તમા ॥