ધાર્મિક@ગુજરાત: આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ, જાણો પૂજાવિધિ અને ઘટસ્થાપનનું મુહૂર્ત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થવા જઇ રહ્યો છે.આ વર્ષે ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ 19 માર્ચ, ગુરુવારથી થઈ રહ્યો છે. આ પર્વ માત્ર ઉપવાસ પૂરતું મર્યાદિત નથી, પરંતુ આત્મશુદ્ધિ અને આદ્યશક્તિના આશીર્વાદ મેળવવાનો શ્રેષ્ઠ અવસર છે. વર્ષની ચાર નવરાત્રિમાં આ નવરાત્રિનું વિશેષ મહત્ત્વ સાધના સિદ્ધિ કરવા માટે ગણાય છે. આધ્યાત્મિક ઊર્જા વધારવા, નવદુર્ગા ઉપાસના કરવા, સહસ્ત્ર અર્ચન, રાજોપચાર તથા ગાયત્રી અનુષ્ઠાન તેમજ મંત્ર-તંત્રના પ્રયોગ, બગલામુખી સાધના સિદ્ધ કરવા માટે અતિમહત્ત્વની ગણાય છે.
ઘટસ્થાપન પૂર્વ દિશામાં ઘઉં, મગ, અક્ષત, કળશ, શ્રીફળ, આસોપાલવના પાન કે આંબાના પાન, સવા રૂપિયો, માતાજીની તસવીર સફેદ કે લાલ કલરના કપડાં ઉપર મૂકીને સ્થાપન કરવું. ઘણા બધા સાધકો મીઠા વગરની ચીજવસ્તુ ખાઈને ઉપાસના કરતા હોય છે તેમજ કડવા લીમડાના મોરનો રસ પીવાનું આરોગ્ય માટે આયુર્વેદિક આચાર્યો ઉત્તમ માને છે.
કુળદેવી, ગાયત્રી, મહાકાળી, બગલામુખી ઉપાસના કરવાનું શીઘ્ર ફળદાયી માનવામાં આવે છે. ઘણા બધા ભક્તો દેવીકવચ, ગાયત્રી ચાલીસા કે શતકના પાઠ નિયમિત કરતા હોય છે. જો કોઈ વ્યક્તિ માતાજીની વિશેષ ઉપાસના અનુષ્ઠાન કે ઉપવાસ ન કરી શકતી હોય તો તે પણ માતાજીની તસવીર ઉપર ગુલાબ, કમળ કે જાસૂદનાં પુષ્પ અર્પણ કરે તો તેને પણ માતાજી પ્રસન્ન થતાં હોય છે.

