ધાર્મિક@ગુજરાત: અક્ષયતૃતીયાએ શુક્રના ગોચરથી રચાયો 'માલવ્ય રાજયોગ', જાણો પૂજા વિધિ વિશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
જ્યોતિષશાસ્ત્રમાં અક્ષયતૃતીયાના પર્વનું વિશેષ મહત્વ છે.આ વર્ષે 19 એપ્રિલના રોજ આવતી અક્ષયતૃતીયા અત્યંત ખાસ બની રહેશે. આ દિવસે શુક્રએ પોતાની જ રાશિમાં ગોચર કરીને ‘માલવ્ય રાજયોગ’નું નિર્માણ કર્યું છે. પંચ મહાપુરુષ યોગોમાંનો એક એવો આ યોગ વ્યક્તિના જીવનમાં ભૌતિક સુખ-સુવિધાઓ, સંપત્તિ અને પ્રેમમાં વૃદ્ધિ લાવે છે. જ્યારે કોઈ ગ્રહ પોતાની સ્વરાશિમાં આવે છે, ત્યારે તેની શક્તિ બમણી થઈ જાય છે. શુક્રના આ પ્રભાવથી કરિયર, આર્થિક સ્થિતિ અને પારિવારિક જીવનમાં સકારાત્મક ફેરફારો જોવા મળશે.
અક્ષયતૃતીયાની પૂજા વિધિઃ
અક્ષયતૃતીયાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઊઠીને સ્નાન કરીને પીળાં વસ્ત્રો ધારણ કરો, કારણ કે પીળો રંગ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે. ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુની મૂર્તિને ગંગાજળથી સ્નાન કરાવો. ત્યાર બાદ પીળાં ફૂલ અને તુલસીદળ અર્પિત કરો.
ભગવાનની સામે દીવો અને ધૂપ પ્રગટાવવો અને આસન પર બેસીને વિષ્ણુ ચાલીસાનો પાઠ કરો. વિષ્ણુ આરતી અને ભજન કરવાથી ભગવાન વિષ્ણુ અને તેમના અવતાર પરશુરામ પ્રસન્ન થાય છે.
આ દિવસે દાન-પુણ્ય જરૂર કરો. આ સમયે પોતાના સમર્થ પ્રમાણે સોના-ચાંદીની ખરીદી જરૂર કરો. તેનાથી ઘરમાં માતા લક્ષ્મીની કૃપા બની રહે છે. લક્ષ્મીજીને પ્રસન્ન રાખવા માટે ભગવાન વિષ્ણુ સહિત માતા લક્ષ્મીની પૂજા કરો. આ દિવસે 14 પ્રકારનાં દાન કાર્યોમાંથી કોઈ એક કામ જરૂર કરો.

