ધાર્મિક@ગુજરાત: નવરાત્રિની આઠમ તિથિએ દેવીની ખાસ પૂજા કરવાની પરંપરા, જાણો કેવી રીતે કરવી ?

આઠમ-નોમે 'આદ્યશક્તિ'ના નૈવેદ્ય તિથિને લઈને પંચાંગભેદ, જાણો પૂજાના શુભ મુહૂર્તો

 
ધાર્મિક@ગુજરાત: નવરાત્રિની આઠમ તિથિએ દેવીની ખાસ પૂજા કરવાની પરંપરા, જાણો કેવી રીતે પૂજા કરવી ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આ નવ દિવસમાં શક્તિ પર્વની મહાષ્ટમી તિથિએ કન્યા અને દેવી મહાપૂજા શુક્રવારે કરવામાં આવશે. ત્યાં જ, મહાનોમ તિથિની પૂજા શનિવારે કરવામાં આવશે. નવરાત્રિની આ બે તિથિ દેવી પૂજા માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ દિવસોમાં કન્યા પૂજા, હવન અને ચોક્કસ કાળ એટલે મધ્યરાત્રિએ કરવામાં આવતી પૂજા ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.આ વર્ષે આઠમ અને નોમ તિથિમાં પંચાંગભેદ જોવા મળ્યા છે અને સૌથી મોટી મૂંઝવણ તે છે કે આઠમ અને નોમના દિવસે માતાજીનું નિવેદ કયારે કરવું અને આ મૂંઝવણને દૂર કરવા જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી સાથે આ પ્રશ્નો પર ચર્ચા કરી હતી.

નવરાત્રિની આઠમ તિથિએ દેવીની ખાસ પૂજા કરવાની પરંપરા છે. જે ત્રેતાયુગથી ચાલી રહી છે, જ્યારે શ્રીરામજીએ રાવણ ઉપર વિજયની કામના સાથે શક્તિ આરાધના કરી હતી. તે પછી દ્વાપર યુગમાં પણ શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને શરદ ઋતુની આઠમ તિથિએ દેવી પૂજનની વિધિ જણાવી હતી. દેવી મહાપુરાણ પ્રમાણે આઠમ તિથિએ દેવી પ્રગટ થયા હતાં અને આ તિથિએ ભૈરવ પણ પ્રગટ થયાં હતાં. માર્કંડેય પુરાણમાં પણ દુર્ગાષ્ટમી અંગે ઉલ્લેખવામાં આવ્યું છે કે આ તિથિએ દેવી પૂજા કરવાથી દરેક પરેશાનીઓ દૂર થાય છે અને ક્યારેય દરિદ્રતા આવતી નથી.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણીના જણાવ્યા અનુસાર, આ વખતે શારદીય નવરાત્રિમાં ચતુર્થી તિથિમાં વધારો જોવા મળ્યો હતો જ્યારે નવમી તિથિમાં ઘટાડો થઈ રહ્યો છે. પંચાંગ અનુસાર 10 ઓક્ટોબરના બપોરે 12.32 થી આઠમ શરુ થાય છે જે 11 ઓક્ટોબર શુક્રવારે બપોરે 12.07 સુધી છે માટે ઉદિત તિથિના નિયમ મુજબ 11 ઓક્ટોબર શુક્રવારે બપોરે 12.07 સુધી મહાષ્ટમી એટલે કે દુર્ગાષ્ટમી હવન અને નિવેદ થઇ શકે જયારે 11 ઓક્ટોબર 12.07 થી નોમ શરુ થાય છે માટે મહાનવમી જે ઉદિત તિથિ નિયમ મુજબ 12 ઓક્ટોબર શનિવારે સવારે 10.59 સુધીમાં કરવાની રહેશે.

નવરાત્રિ દરમિયાન સંધિપૂજાનું ખાસ મહત્ત્વ છે. આ તે સમય હોય છે જ્યારે આઠમ તિથિ પૂર્ણ થઈ રહી હોય અને નોમ તિથિ શરૂ થઈ રહી હોય. તેમાં આઠમ તિથિની છેલ્લી 24 મિનિટ અને નોમ તિથિની શરૂઆતની 24 મિનિટ એટલે કુલ 48 મિનિટ હોય છે. આ સંધિકાળને દેવી પૂજા માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ વર્ષે સંધિકાળ સમય સાંજે 05:55 થી 06:20 સુધી છે. માન્યતા છે કે આ સંધિકાળમાં દેવી ચામુંડા પ્રગટ થયા હતાં અને ચંડ-મુંડ નામના રાક્ષસોને માર્યા હતાં. આ ખાસ કાળમાં દેવીના ચામુંડા સ્વરૂપની પૂજા કરવાથી દુશ્મનો ઉપર વિજય અને બીમારીઓથી છુટકારો મળે છે.

દેવી ભાગવત પુરાણ પ્રમાણે આઠમ તિથિએ કન્યા પૂજન અને તેમને ભોજન કરાવવાથી આખી નવરાત્રિનું ફળ મળે છે. આવું કરવાથી દેવી પ્રસન્ન થાય છે. રૂદ્રમાલય તંત્રમાં કહેવામાં આવ્યું છે કે કન્યા પૂજનથી લક્ષ્મી પ્રાપ્ત થાય છે. કન્યાઓની પૂજા કરવાથી વિદ્યા પ્રાપ્ત થાય છે અને તેનાથી દસ મહાવિદ્યાઓ પ્રસન્ન થાય છે. આઠમ તિથિએ 2 થી 10 વર્ષ સુધીની કન્યાઓની પૂજા કરવી જોઈએ. આ કન્યાઓ સાથે એક બાળકને ભૈરવ સ્વરૂપ માનીને ભોજન કરાવવું જોઈએ.

ભવિષ્ય પુરાણના ઉત્તરપર્વમાં શ્રીકૃષ્ણ અને યુધિષ્ઠિરનો સંવાદ છે. જેમાં દુર્ગાષ્ટમી પૂજનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું જ્યારે સૂર્ય કન્યા રાશિમાં હોય ત્યારે આસો મહિનાના સુદ પક્ષની આઠમ તિથિએ દેવીની મહાપૂજા કરવી જોઈએ. તે દિવસે કાળી, સર્વમંગલા, માયા, કાત્યાયની, દુર્ગા, ચામુંડા અને શંકરપ્રિયા વગેરે અનેક નામોથી પૂજા કરવી જોઈએ અને આ સ્વરૂપોથી દેવી દુર્ગાનું ધ્યાન કરવું જોઈએ. શ્રીકૃષ્ણ કહે છે કે આ પૂજા સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપર યુગમાં થાય છે અને કળિયુગમાં પણ થશે. દેવ, દાનવ, રાક્ષસ, ગંધર્વ, નાગ, યક્ષ, કિન્નર અને મનુષ્ય આઠમ-નોમના દિવસે માતા દુર્ગાની પૂજા કરે છે.

જ્યોતિષમાં આઠમ તિથિને બળવતી અને વ્યાધિ નાશક તિથિ કહેવામાં આવે છે. તેના દેવતા શિવજી છે. તેને જયા તિથિ પણ કહેવામાં આવે છે. નામ પ્રમાણે આ તિથિએ કરવામાં આવતા કાર્યોમાં વિજય પ્રાપ્ત થાય છે. આ તિથિમાં કરવામાં આવતા કામ હંમેશાં પૂર્ણ થાય છે. આઠમ તિથિએ તે કામ કરવા જોઈએ જેમાં વિજય પ્રાપ્ત કરવી હોય. ત્યાં જ શ્રીકૃષ્ણનો જન્મ પણ આઠમ તિથિએ થયો હતો.

મહાષ્ટમી અને નોમના દિવસે કન્યા પૂજનના થોડા નિયમ શ્રીમદ્ દેવીભાગવતમાં જણાવવામાં આવ્યાં છે. જેના પ્રમાણે એક વર્ષની કન્યાને બોલાવવામાં આવતી નથી, કેમ કે તે કન્યા ગંધ ભોગ વગેરેના સ્વાદથી બિલકુલ અજાણ રહે છે એટલે 2 થી 10 વર્ષ સુધીની કન્યાઓની પૂજા કરવામાં આવે છે.

કન્યાઓને બોલાવ્યાં પછી તેમની પૂજા કરવી જોઈએ. પછી બધાને ખીર કે હલવો-પુરી સાથે અન્ય વસ્તુઓ ખવડાવવી જોઈએ. ભોજન પછી કન્યાઓના પગ ધોવડાવવા અને તેમના પગના અંગૂઠાની પૂજા કરો. આ પૂજામાં કંકુ, ચંદન, ફૂલ અને ચોખાનો ઉપયોગ કરો. પછી કન્યાઓની આરતી કરો અને શ્રદ્ધા પ્રમાણે તેમને દક્ષિણા, ફળ અને વસ્ત્ર દાન કરો. તે પછી કન્યાઓને પ્રણામ કરીને વિદાય આપો. કન્યા પૂજનથી દરિદ્રતા દૂર થાય છે અને દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થાય છે. ધન અને ઉંમર વધે છે. ત્યાં જ, વિદ્યા અને સુખ-સમૃદ્ધિ પણ મળે છે.