ધાર્મિક@ગુજરાત: અંબાજી-ગબ્બરમાં ભક્તોનો મહાસાગર છલકાયો, લાખો ભક્તોએ મા અંબાના દર્શન કર્યાં
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અંબાજી-ગબ્બરમાં ભક્તોનો મહાસાગર છલકાયો. મા અંબાના ધામ અંબાજીમાં 20થી 26 સપ્ટેમ્બર સુધીના ભાદરવી પૂનમના મહામેળાનો આજે 22 સપ્ટેમ્બરે ત્રીજો દિવસ છે. એટલે કે પ્રથમ દિવસે 4.37 લાખ અને બીજા દિવસે 4 લાખથી વધુ ભક્તોએ મા અંબાના ચરણોમાં શીશ ઝૂકાવ્યું છે. છેલ્લા બે દિવસમાં 8,63,477 ભક્તોએ મા અંબાના દર્શન કર્યાં છે. હજુ ભાદરવી પૂનમ સુધીમાં હજારો પદયાત્રીઓ અને ભક્તો પહોંચવાના છે.
મા અંબાના ધામમાં અત્યારથી જ ભક્તોના મહાસાગરના ડ્રોન વીડિયો પણ સામે આવ્યા છે. રાત્રિના સમયે તો અંબાજી અને ગબ્બર રોશનીથી ઝગમગી ઉઠ્યા છે. અને માર્ગો બોલ માડી અંબે જય જય અંબેના નાદથી ગૂંજી ઉઠ્યા છે.
આ વખતે 45 લાખથી વધુ માઈભક્તો ઉમટવાની શક્યતા વચ્ચે બનાસકાંઠા પ્રશાસન અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભીડ નિયંત્રણથી લઈને પરિવહન, સ્વચ્છતા અને સુરક્ષા માટે અગાઉ ક્યારેય નથી કરાઈ તેવી હાઈટેક અને સુગ્રથિત વ્યવસ્થાઓ કરવામાં આવી છે. યાત્રિકોને દર્શન માટે કલાકો સુધી લાઈનમાં ઊભા ન રહેવું પડે તે માટે પ્રથમ વખત દર્શનપથ પર જ 60x80 મીટરનો વિશાળ ‘હોલ્ડિંગ એરિયા’ પણ તૈયાર કરાયો છે. જ્યારે બે દિવસમાં 25 વધુ જગ્યાએ ભક્તોની ભીડ વધતા AIએ પોલીસ કંટ્રોલ રૂમમાં એલર્ટ કર્યાં હતા. ત્યારે તાત્કાલિક જ સંબંધિત સ્થળે પોલીસને જાણ કરી અવ્યવસ્થા થતા રોકવામાં આવી હતી.
રાજકોટ, અમદાવાદ, મહેસાણા, દાહોદ, સુરત,ઉદયપુર સહિત અનેક વિસ્તારોમાંથી આવેલા સંઘો અંબાજી તરફ આગળ વધી રહ્યા છે. ક્યાંક ઢોલ-નગારાના તાલે પગલાં પડી રહ્યાં છે કેટલાક સંઘો સાથે બાળકો પણ છે તોમહિલાઓ અને વડીલો પણ ઉત્સાહથી પદયાત્રા કરી રહ્યા છે. રસ્તા પર થાકેલા પગ, હાથમાં ધજા, હોઠ પર ‘જય અંબે’ અને આંખોમાં માતાજીના દર્શનની આતુરતા છે.

