ધાર્મિક@ગુજરાત: આજે હોળી-ધૂળેટીના પાવન પર્વ નિમિત્તે ‘ફૂલડોલ ઉત્સવ’ અત્યંત ઉત્સાહ અને ભક્તિમય માહોલમાં ઉજવવામાં આવ્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પવિત્ર યાત્રાધામ દ્વારકામાં આજે હોળી-ધૂળેટીના પાવન પર્વ નિમિત્તે ‘ફૂલડોલ ઉત્સવ’ અત્યંત ઉત્સાહ અને ભક્તિમય માહોલમાં ઉજવવામાં આવ્યો હતો. ‘હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી’ અને ‘દ્વારકાધીશ કી જય’ના ગગનભેદી નાદ સાથે સમગ્ર નગરી કૃષ્ણમય બની હતી.
જગતમંદિરમાં બિરાજતા ભગવાન દ્વારકાધીશ સાથે હોળી રમવા માટે દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આજે શામળાજીના શામળાજી મંદિરમાં પણ હોળી પર્વની ઉજવણી કરાઈ હતી. બંને મંદિરો ખાતે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને અબીલ-ગુલાલની છોળો ઊડી હતી.
ભગવાન કૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં ફૂલડોલ ઉત્સવનું અનેરું મહત્વ છે. વસંત ઋતુના આગમન સાથે પ્રકૃતિ ખીલી ઉઠે છે, ત્યારે પરંપરા મુજબ ભગવાનને પુષ્પોથી શણગારેલા હિંડોળામાં ઝુલાવવામાં આવે છે. ધૂળેટીના દિવસે ભગવાનને વિશેષ શણગાર કરી ભક્તો પર અબિલ-ગુલાલ અને કેસૂડાના રંગોની વર્ષા કરવામાં આવી હતી.
ફાગણ સુદ પૂનમના બીજા દિવસે યાત્રાધામ શામળાજી ખાતે રંગોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર અવસરે ભગવાન શામળિયાને ચાંદીની પિચકારી વડે વિવિધ રંગો છાંટીને રંગોત્સવ મનાવાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો પણ જોડાયા હતા. ચંદ્રગ્રહણના કારણે મંદિર વહેલી સવારે પાંચ વાગ્યે ખોલવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ શામળિયાના દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડ્યા હતા. દેવ ગદાદર શામળિયાને સોનાના આભૂષણોથી શણગારવામાં આવ્યા હતા.
રંગોત્સવ નિમિત્તે મંદિરના પૂજારીઓ દ્વારા ચાંદીની પિચકારી વડે ભગવાન શામળિયાને રંગ છાંટવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ભક્તો પર પણ રંગ છાંટવામાં આવ્યા હતા અને ભક્તોએ પણ એકબીજાને કલર લગાવીને રંગોત્સવની ઉજવણી કરી હતી. વહેલી સવારથી જ ભક્તો મંદિરના ગર્ભગૃહમાં ભગવાનની ઝાંખી કરવા માટે ઊભા હતા. મંદિર પરિસરની બહાર પણ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. આમ, યાત્રાધામ શામળાજીમાં ભારે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક રંગોત્સવ ઉજવાયો હતો.

