રિપોર્ટ@અમદાવાદ: સી.આર. પાટીલના બંગલે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા સહિતના જૂના જોગીઓને બોલાવી બેઠક યોજી

મોટું મન રાખી રૂપાલાને માફ કરે

 
રિપોર્ટ@અમદાવાદ: સી.આર. પાટીલના બંગલે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા સહિતના જૂના જોગીઓને બોલાવી બેઠક યોજી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ચૂંટણીના થોડા જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજ્યભરમાં ઉગ્ર વિવાદ જોવા મળી રહ્યો છે.  રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલા વિવાદિત નિવેદનને લઈ વિરોધનો મધપૂડો છંછેડાયો છે. રૂપાલા ક્ષત્રિય સમાજની માફી માગી ચૂક્યા છે પણ આ વિવાદ શમવાનું નામ લેતો નથી. ત્યારે ભાજપને હવે જૂના જોગી યાદ આવ્યા અને ગાંધીનગર સી.આર. પાટીલના બંગલે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા સહિતના જૂના જોગીઓને બોલાવી બેઠક યોજી હતી.

આ બેઠક બાદ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું કે, છેલ્લા કેટલાક દિવસથી રાજકોટની સીટ પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પરની એક ટીપ્પણીને કારણે સમાજમાં રોષ ફેલાયો છે. ત્રણ વખત માફી માગી છતા રોષ ઓછો થતો નથી. ક્ષત્રિય સમાજ મોટું મન રાખી રૂપાલાને માફ કરે. ભૂલ માટે વારંવાર માફી માગી છે, તેને ક્ષત્રિય સમાજ માફ કરી દે. આજે ભાજપના સૌ આગેવાનો ભૂપેન્દ્રસિંહ, કેસરીસિંહ, મહેન્દ્રસિંહ, આઇકે જાડેજા, બલવંતસિંહની આગેવાનીમાં મુખ્યમંત્રી અને સંગઠન મહામંત્રીની ઉપસ્થિતિમાં અમે બેઠક યોજી હતી. હવે તેમણે માફી માગી છે તો ક્ષત્રિય સમાજ મોટું મન રાખીને તેમને માફ કરી દે.


પાટીલે આગળ કહ્યું કે, ક્ષત્રિય સમાજની 92 લોકોની સંકલન સમિતિ છે. આ સંકલન સમિતિની આવતીકાલે 3 વાગ્યે બેઠક મળશે. જેમાં રોષ સાંભળવામાં આવશે અને સમજાવશે. ધીમે ધીમે વાતાવરણ સરળ બને તેના માટે પ્રયત્ન કરશે, આજે અમારી બેઠક અઢી ત્રણ કલાક ચાલી છે અને કોને મળવું તથા કેવી રીતે મળવું તેની જવાબદારીઓ નક્કી થઈ છે. જલ્દીથી નિવેડો આવે તેના માટે ભાજપ તરફથી પણ પ્રયાસો શરૂ થયા છે. ક્ષત્રિય સમાજને મારી પણ હાથ જોડીને વિનંતિ છે. ક્ષત્રિય સમાજ હવે પોતાનો રોષ શાંત કરીને માફ કરી દે અને ક્ષત્રિયો વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા રહ્યા છે અને પાર્ટી સાથે જોડાઈ એવી વિનંતિ કરું છું. જ્યારે ઉમેદવાર બદલવા કોઈ વિચારણા કરી છે? એવા સવાલના જવાબમાં પાટીલે કહ્યું કે, ના એવી કોઈ વિચારણા કરી નથી.


પાટીલના બંગલોએ મળેલી આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, સંગઠન મંત્રી રન્નાકરજી, રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ, બળવંતસિંહ રાજપૂત, આઇ.કે. જાડેજા હાજર રહ્યા હતા. આ બેઠકમાં રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને લઈ પાટીલના બંગલે ખાસ ડેમેજ કંટ્રોલ કરવા માટે બેઠક બોલાવવામાં આવી હતી.


પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન પર નજર કરીએ તો વાલ્મીકિ સમાજના એક જાહેર કાર્યક્રમમાં ગત તા. 23 માર્ચના જાહેર કાર્યક્રમમાં કહ્યું હતું કે ભારત દેશમાં જ્યારે અંગ્રેજો હતા ત્યારે તેમણે દમન ગુજારેલું હતું અને મહારાજાઓએ રોટી-બેટીના વ્યવહારો કર્યા હતા, પરંતુ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો કે ન તો વ્યવહાર કર્યા. 1000 વર્ષ પછી રામ પણ તેના કારણે આવ્યા છે. તેઓ તલવારો આગળ પણ નહોતા ઝૂક્યા. ન તો એ ભયથી તૂટ્યા કે ન તો ભૂખથી તૂટ્યા. અડીખમ રહ્યા એ સનાતન ધર્મના આ વારસદારો છે, જેનું મને ગૌરવ છે.


જે બાદ પુરુષોત્તમ રૂપાલાનો ક્ષત્રિય સમાજની માફી માગતો વીડિયો જાહેર કર્યો હતો તેમાં કહ્યું કે, રાજકોટમાં વાલ્મિકી સમાજના કાર્યક્રમમાં મેં એક ભાષણ કર્યું હતું. જેનો વીડિયો વાઇરલ થયો છે. જે વીડિયો અંગે ક્ષત્રિય સમાજે રોષ વ્યક્ત કર્યો છે. જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનો એવા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી - વાંકાનેર સ્ટેટ, રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજા સહિતના આગેવાનોના મને પ્રતિભાવો મળ્યા છે. ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવાર અંગેના મારા નિવેદન અંગે તેઓએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, મારો આશય વિધર્મીઓ દ્વારા આપણી સંસ્કૃતિ અને દેશ પર થયેલા જુલમોનું નિરૂપણ કરવાનો હતો. છતાં મારા નિવેદનથી ક્ષત્રિય સમાજ કે રાજવી પરિવારને કોઇ નારાજગી હોય તો દિલગીરી વ્યક્ત કરું છું અને દિલથી માફી માંગું છું. જેથી આ વિષયને અહીં જ પૂર્ણ કરવામાં આવે તેવી વિનંતી કરું છું.


શેમળા ગામે મળેલી ક્ષત્રિયોની બેઠકમાં પહોંચેલા રૂપાલાએ ફરીવાર માફી માગતા જણાવ્યું હતું કે, હું મારી વાત શરૂ કરું એ પહેલાં મને જે ફિલિંગ આવી છે એ વ્યક્ત કરી દઉં પછી મારી વાત શરૂ કરું.મારા એક નિવેદનને કારણે જે ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો એની મેં અનુભૂતિ પણ કરી છે. અત્યાર સુધી જે ચાલ્યું અને અત્યારે હું આવું એવી મારે જયરાજસિંહભાઈ સાથે વાત થઈ હતી કે, તમારે 7 વાગ્યે પહોંચવું એવી વાત થઈ હતી. હું ચૂંટણીસભામાં જતો હોઉં અને ઢોલ-નગારા સાથે મારું જે સ્વાગત થાય એ ક્ષત્રિયો સિવાય કોઈ કરી ન શકે, એ શક્ય જ નથી. મિત્રો મને એક વાતનો એવડો મોટો રંજ છે કે, મારી જીભથી આ વાક્ય નીકળ્યું. મારી આખી જિંદગીમાં મેં કોઈ નિવેદન કર્યું હોય અને તેને પાછું ખેંચ્યું હોય એવો કોઈ રેકોર્ડ નથી.


રૂપાલાના વિવાદિત નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો. જે બાદ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગતો વીડિયો જાહેર કર્યો હતો. બાદમાં ગોંડલમાં જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં મળેલા ક્ષત્રિય સમાજના સંમેલનમાં રૂપાલાએ જાહેરમાં બે હાથ જોડી માફી માગી હતી, પરંતુ તે બાદ પણ હજુ વિરોધ યથાવત્ છે.


રૂપાલાના નિવેદનના વિરોધના પગલે કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યા બાદ હવે ભાજપના વધુ એક નેતા રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચાવવા મેદાને પડ્યા છે. ભાવનગર APMCના ડિરેક્ટર અને ક્ષત્રિય એવા સંજયસિંહ ગોહિલ રૂપાલાની જગ્યાએ અન્ય ઉમેદવારને રાજકોટથી ટિકિટ આપવાની માગ સાથે ફેસબુક પોસ્ટ કરી છે.