રિપોર્ટ@ગુજરાત: ખ્યાતિકાંડમાં સંડોવાયેલા 2 ડોક્ટરોના લાયસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ

PMJAY સહિતની આરોગ્ય યોજનાઓમાં ગેરરીતિઓ અંગે હવે સખત પગલાં લેવામાં આવી રહ્યા છે.
 
હડકંપ@માલપુર: શિક્ષિકાની ભરતીમાં કથિત વાયરલ ઓડિયો બાદ આચાર્યને સસ્પેન્ડ કરાયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ગુજરાત સરકારના એડી. ડાયરેક્ટર, મેડિકલ સર્વિસીસ દ્વારા ખ્યાતિ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ વિરુદ્ધ દાખલ થયેલી ફરિયાદના આધારે PMJAYના ડેપ્યુટી ડાયરેક્ટર ડો. યુ.બી. ગાંધીની અધ્યક્ષતામાં એક 7 સભ્યોની તપાસ સમિતિ રચવામાં આવી હતી. આ સમિતિ દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટ અને કાઉન્સિલના સુનાવણીના આધારે, બન્ને ડોક્ટરોની કામગીરી જાહેર આરોગ્ય માટે જોખમી ગણાતા, તેમના લાયસન્સ ગુજરાત મેડિકલ કાઉન્સિલ એક્ટ, 1967ના સેક્શન 22(1)(બી)(આઈ) હેઠળ 3 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ડોક્ટર સંજય પટોળીયાના M.B.B.S. અને M.S. લાયસન્સ અને ડોક્ટર શૈલેષ આનંદના M.B.B.S. અને D.C.M. લાયસન્સ તાત્કાલિક અસરથી રદ કરાયા છે. ગુજરાત મેડિકલ કાઉન્સિલે બન્ને ડોક્ટરોને તેમના લાયસન્સ કાઉન્સિલમાં સરેન્ડર કરવા માટે આદેશ કર્યો છે. આ કાર્યવાહી તબીબી ક્ષેત્રમાં મહત્વપૂર્ણ છે, કારણ કે ખાસ કરીને PMJAY સહિતની આરોગ્ય યોજનાઓમાં ગેરરીતિઓ અંગે હવે સખત પગલાં લેવામાં આવી રહ્યા છે. ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા લેવાયેલા આ નિર્ણયથી આગામી તબીબી કૌભાંડો પર અંકુશ લાવવા માટે ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.

કડી તાલુકાના થોળ રોડ ઉપર આવેલા બોરીસણા ગામે રવિવારે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે વિવિધ રોગોનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હેલ્થ કેમ્પ બાદ દર્દીઓને સોમવારે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં લાવી પરિવાજનોની જાણ બહાર જ 19 લોકોની એન્જિયોગ્રાફી કરી દીધી, જેમાંથી 7ની એન્જિયોપ્લાસ્ટી કરી નાખી.

જોકે, એન્જિયોપ્લાસ્ટી બાદ બે દર્દીની તબિયત લથડતાં રાતના 10 વાગ્યે હોસ્પિટલે દર્દીના પરિવારજનોને જાણ કરી કે તમારા સ્વજનની હાલત ગંભીર છે. તમે અમદાવાદ આવી જાઓ, પરંતુ મંગળવારની સવાર અમંગળ બનીને આવી હોય એમ આ બન્ને દર્દીનાં મોત થઈ ગયાં. ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહેશ ગિરધરભાઈ બારોટ (ઉંમર વર્ષ 45), નાગર સેનમા (ઉંમર વર્ષ 59)નાં મોત થઈ જતાં ગ્રામજનોએ ખ્યાતિ હોસ્પિટલમાં હલ્લાબોલ કર્યો હતો.