રિપોર્ટ@ગુજરાત: યુવતીને ભગાડી જવા બાબતે પરિવાર પર હુમલો થતા 1 મહિલાનું મોત નીપજ્યું

 પરત ઘરે આવતા હુમલો કરાયો
 
રિપોર્ટ@ગુજરાત: યુવતીને ભગાડી જવા બાબતે  પરિવાર પર હુમલો થતા 1 મહિલાનું મોત નીપજ્યું 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે.  માણસાના રીદ્રોલમાં રહેતા એક પરિવારનો યુવક ગામમાં જ રહેતી સગીરાને ભગાડી ગયો હતો. જે બાદ સગીરાને પોલીસ સ્ટેશનને હાજર કરવામાં આવી હતી. ત્યારબાદ યુવકનો પરિવાર ડરના માર્યા તેમના સંબંધીને ત્યાં રહેવા ચાલ્યો ગયો હતો. જેમાં ગઈકાલે રાત્રે તેઓ પરત ગામમાં આવ્યા ત્યારે રાત્રિના સમયે સગીરાના પરિવારજનોએ ધોકા અને તલવાર વડે યુવકના પરિવારજનો પર ઘાતકી હુમલો કર્યો હતો. જેમાં યુવકની માતાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અન્ય એક મહિલાને હાથે ફ્રેક્ચર થયું હતું. જે બાબતે મૃતક મહિલાના પતિએ હુમલાખોર ચાર વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ માણસા તાલુકાના રીદ્રોલ ગામે રહેતા અને ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા મહેશજી મોહનજી ઠાકોરનો પુત્ર થોડા દિવસ અગાઉ ગામમાં જ રહેતી એક સગીરા સાથે ભાગી ગયો હતો. જે બાબતે માણસા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જેના બીજા દિવસે સગીરાને પોલીસ સ્ટેશને હાજર કરવામાં આવી હતી અને ત્યારબાદ યુવકનો પરિવાર ડરના કારણે તેમના સંબંધીના ઘરે રહેવા માટે ચાલ્યો ગયો હતો અને જ્યારે ગઈકાલે રીદ્રોલ ગામે પરત આવ્યા હતા.

જમવાની તૈયારી કરી રહ્યા હતા. તે વખતે સગીરાના પિતા સહિત ચાર ઈસમો મહેશજીના ઘરે આવી બૂમો પાડવા લાગ્યા હતા કે તમારો પુત્ર અમારી દીકરીને કેમ ભગાડીને લઈ ગયો હતો આજે તમને કોઈને છોડવાના નથી.તેમ કહી મહેશજી તેમના પત્ની શિલ્પાબેન તેમના માતા-પિતા અને બહેન તેમજ સગીર પુત્રને ધોકા અને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. આ વખતે શિલ્પાબેન વચ્ચે છોડાવવા જતા તેમને હુમલાખોરોએ માથામાં ધોકા વડે માર માર્યો હતો. જેમાં તેઓ લોહી લુહાણ થઈ ગયા હતા. મહેશજીના માતા ગજીબેનને પણ હાથ પર ધોકો મારતા તેમને પણ ગંભીર ઇજાઓ થવા પામી હતી.

આ સિવાય મહેશજીના પિતાને પણ બરડાના ભાગે તલવાર મારી હતી. આ વખતે ભારે હોબાળો થતા હુમલાખોરોએ શિલ્પાબેનને ઘરના પાછળના ભાગેથી રોડ પર નીચે ફેંકી ત્યાંથી ભાગી છુટ્યા હતા. આજુબાજુથી દોડી આવેલા લોકોએ આ પરિવારના તમામ ઇજાગ્રસ્તોને પ્રથમ માણસા સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા. જ્યાં શિલ્પાબેન તેમજ ગજીબેનને ગંભીર જાઓ હોવાથી ગાંધીનગર લઈ જવામાં આવ્યા હતા. જ્યાં શિલ્પાબેનને વધુ સારવાર મળે તે પહેલા જ ડોક્ટરે મૃત્યુ પામેલ જાહેર કર્યા હતા. બીજી તરફ ઘટનાની જાણ થતા માણસા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જ્યારે સમગ્ર મામલે મૃતક શિલ્પાબેનના પતિ મહેશજીએ હુમલાખોર ચાર ઈસમો વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.