રિપોર્ટ@સુરત: ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા 11 ગેટ ખોલાયા
તાપી નદી બે કાંઠે વહેવા લાગી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરત શહેરમાં સરેરાશ 2 ઈંચ વરસાદ નોંધાયો હતો.સિઝનમાં પ્રથમ વખત શહેરમાં દિવસભર ઝરમર વરસાદ સાથે માહોલ જામ્યો હતો. આ સાથે જ સિઝનનો કૂલ સરેરાશ વરસાદ 55.15 ઈંચ થયો છે, જે 99 ટકા છે. આજે(25 ઓગસ્ટ,2024) સવારે ઉકાઈ ડેમની સપાટી 335.25 ફૂટ નોંધાઈ છે. ઉકાઈ ડેમમાં પાણીનો ઇન્ફલો 1.90 લાખ ક્યુસેક કરતા વધારે છે. જ્યારે આઉટ ફ્લો 1.70 લાખ ક્યુસેક કરતા વધારે છે. હાલ ડેમના કુલ 11 ગેટ 2.44 મીટર ખોલી દેવાયા છે. વહીવટી તંત્ર દ્વારા 2 લાખ જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને કારણે તાપી નદી બંને કાંઠે વહી રહી છે. સુરત જિલ્લામાં ગઈકાલના અને આજના મળીને કુલ 23 રસ્તા બંધ કરવામાં આવ્યા છે.
ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેને ધ્યાનમાં રાખીને ડેમનું લેવલ 335 ફૂટ જાળવી રાખવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. પરંતુ પાણીની આવક ખૂબ વધી રહી છે તેના કારણે રૂલ લેવલ કરતાં પણ સપાટી વધી ગઈ છે. આજે તાપી નદીને આસપાસના વિસ્તારોમાં પાણી છોડવાની અસર દેખાશે.
24 ઓગસ્ટના રોજ પણ ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતાં સાંજે 4 વાગ્યાથી 1.23 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું હતું. 6 વાગ્યે ડેમની સપાટી 335 ફૂટ હતી, જ્યારે આવક-જાવક સવા લાખ ક્યુસેક હતી. હાલ ડેમના 10 ગેટ 6 ફૂટ ખોલાયા હતા, જેથી શહેરના નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરાયા હતા. મહારાષ્ટ્રના હથનુર ડેમમાંથી 66,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, જ્યારે પ્રકાશા ડેમમાંથી 77,000 કયુસેક પાણી છોડાઈ રહ્યું છે. ઉકાઈની આગળ તાપીના તમામ બેસિનમાં સાર્વત્રિક વરસાદ થતાં ડેમમાં આગામી 4-5 દિવસ પાણીની સારી આવક યથાવત રહેવાની શકયતા છે.
સુરત શહેરના લોકોને પાણી પુરવઠો પૂરો પાડવા માટે વિયર કમ કોઝ-વે મહત્ત્વનો સ્ત્રોત છે. કોઝ-વેમાં પાણીની ગુણવત્તા સારી હોય તો શહેરીજનોને પણ વધુ સ્વચ્છ પાણી મળે છે. કોઝ-વેની સપાટી 4.50 મીટરથી ઓછી થાય તો પાણીની ગુણવત્તા જળવાતી નથી. ઉપરવાસમાં વરસાદ સારો હોય ત્યારે ઉકાઇ ડેમમાંથી પાણી છોડવામાં આવતા કેટલીકવાર કોઝ-વે ઓવરફ્લો થઇ જાય છે. દર વર્ષે ચોમાસામાં આ પરિસ્થિતિ સર્જાય છે. પાલિકા દ્વારા શહેરીજનોને પીવાનું પાણી વ્યવસ્થિત મળી રહે તે રીતે કોઝ-વેની સપાટી મેન્ટેઈન રાખવામાં આવે છે.