રિપોર્ટ@છોટાઉદેપુર: એકલવ્ય મોડલ સ્કૂલનાં 100 બાળક એકસાથે બીમાર પડ્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર રોગચાળો ફાટી નિકળતો હોય છે. હાલમાં એકજ સાથે 100 જેટલા વિધાર્થી બીમાર પડ્યા છે. છોટાઉદેપુર જિલ્લાની પુનિયાવાંટ ખાતેની એકલવ્ય મોડલ સ્કૂલનાં 100 બાળક એકસાથે બીમાર પડવાની ઘટના સામે આવી છે, જેમાં હાલ વડોદરા સયાજી હોસ્પિટલમાંથી 9 ડોક્ટરની ટીમ તપાસ માટે છોટાઉદેપુર આવી છે, પરંતુ હજુ સુધી બાળકો બીમાર પડવાનું કારણ સુધી જાણી શકાયું નથી. ઉલ્લેખનીય છે કે ગત સવારથી જ બાળકોએ તાવ અને માથામાં દુખાવાની સાથે ઊલટી થવાની ફરિયાદ કરી હતી. ધારાસભ્યએ બાળકો અને ડોક્ટરો સાથે વાત કર્યા બાદ ફૂડ પોઈઝનિંગ હોવાની આશંકા વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે બાળકોએ રાત્રે સેવ-ટામેટાંનું શાક ખાધું હતું.
ગઈકાલે છોટાઉદેપુર જિલ્લાના પુનિયાવાંટ એકલવ્ય મોડલ સ્કૂલનાં 100 બાળક એકસાથે બીમાર પડવાની ઘટના ઘટી હતી, જેમાં મોટા ભાગના બાળકોને તાવ અને માથાના દુખાવાની ફરિયાદ કરી હતી. એને લઇને તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક પુનિયાવાંટ એકલવ્ય સ્કૂલનાં બાળકોની તપાસ ચાલુ કરી દીધી હતી, જેમાંથી 46 બાળકોને તેજગઢ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે, જ્યારે 44 બાળકને છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ ખાતે અને પાવી જેતપુરના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. એમાં પ્રાથમિક કારણમાં વાઇરલ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.
ગુજરાત સરકાર દ્વારા અને જિલ્લા તંત્ર દ્વારા એકસાથે 100 બાળક કયા કારણથી બીમાર પડ્યા એ જાણવા માટે એકલવ્ય મોડલ સ્કૂલનાં 325 બાળકનું સ્ક્રીનિંગ કર્યું હતું. વધુ તપાસ કરવા માટે વડોદરા સયાજી હોસ્પિટલના 4 એમડી ડોક્ટર તેમજ 5 પીડિયાટ્રિશિયન કુલ 9 ડોક્ટરની ટીમ છોટાઉદેપુર તેમજ તેજગઢ હોસ્પિટલ ખાતે આવી પહોંચી છે, જેઓ હોસ્પિટલમાં દાખલ કરેલાં બાળકો તેમજ હોસ્ટેલમાં રહેલાં બાળકોની તપાસ કરશે.
મહત્ત્વની વાત એ છે કે ગઈકાલ સાંજથી જ તંત્ર દ્વારા તમામ 325 બાળકના ડેન્ગ્યૂ, મલેરિયા જેવા ટેસ્ટ કરતાં નેગેટિવ આવ્યા હોવાનું આરોગ્ય વિભાગના અધિકારી સાથે ઔપચારિક વાતચીત કરતાં સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
ગતરોજ સવારથી જ બાળકોને તકલીફ હતી. જોકે પહેલા એકલવ્ય મોડલ સ્કૂલ ખાતે જ સ્ક્રીનિંગ કરાવવામાં આવ્યું હતું, પરંતુ ફેર ન પડતાં આખો દિવસ રાહ જોયા બાદ તમામ બાળકોને સાંજે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં, જેમાં 46 જેટલાં બાળકોને તેજગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યાં હતાં, જ્યારે 44 જેટલાં બાળકોને છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખેસેડવામાં આવ્યાં હતાં.