રિપોર્ટ@ગુજરાત: રાજ્યમાં 3 વર્ષમાં ચેઇન સ્નેચિંગના 1108 બનાવ બન્યા અને મંદિરોમાં ચોરીના 408

ચોરીના બનાવોમાં પણ સતત વધારો 
 
રિપોર્ટ@ગુજરાત: રાજ્યમાં 3 વર્ષમાં ચેઇન સ્નેચિંગના 1108 બનાવ બન્યા અને મંદિરોમાં ચોરીના 408 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં ગુનાના કેસ ખુબજ વધી ગયા છે. રોજ કોને કોઈ જગ્યાએથી ચોરી,લુંટફાટના બનાવો સામે આવતા હોય છે.  રાજ્યમાં ઘરફોડ ચોરી અને વાહન ચોરીના બનાવો મોટી સંખ્યામાં બનતા હોય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી ચેઇન સ્નેચિંગ અને મંદિરોમાં ચોરીના બનાવોમાં પણ બેફામ વધારો થઇ રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યમાં ચેઇન સ્નેચિંગના 1108 બનાવ બન્યા છે. તો મંદિરોમાં ચોરીના 408 બનાવો બન્યા છે.

ગૃહ વિભાગ દ્વારા અવારનવાર ખાસ કરીને શહેરી વિસ્તારોમાં પોલીસને રોડ પર રહેવા એટલે કે સતત પેટ્રોલિંગ કરતા રહેવા માટે સૂચના અપાય છે પરંતુ અન્ય વહીવટમાં વ્યસ્ત પોલીસ આ સૂચનાને ઘોળીને પી જતું હોય તેમ ચેઇન સ્નેચરો બેરોકટોક ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ કરતા હોય છે.

કવચિત્ ચેઇન સ્નેચર પકડાય ત્યારે એકસાથે કેટલી બધી ચોરીના ભેદ ખુલ્યાનું જાહેર કરાય છે પરંતુ ત્યાં સુધી પોલીસ પકડી શકતી નથી તે વાસ્તવિકતા છે. ચેઇન સ્નેચર પકડાય ત્યાં સુધીમાં મોટાભાગનો મુદ્દામાલ વેચી નાખ્યો હોય છે એટલે પરત પણ મળી શકતો નથી. 2020-21માં 269, 2021-22માં 365 અને 2022-23ના નાણાકીય વર્ષમાં 474 ચેઇન સ્નેચિંગના બનાવો બન્યા હતા જે સતત વધારો દર્શાવે છે.

રાજ્યના મંદિરોમાં પણ આ સમયગાળામાં ઘરફોડ ચોરીના બનાવો અનુક્રમે 126, 127 અને 155 બનાવો બન્યા હતા. જેમાં કુલ મળીને 55 લાખ રૂપિયાનો ચોરી થઇ હતી જ્યારે 2.59 કરોડના મુદ્દામાલની ચોરી થવા પામી હતી. મંદિરોમાં ચોરીના બનાવોમાં પણ સતત વધારો થવા પામ્યો છે.