રિપોર્ટ@ગુજરાત: રાજ્યના ખેડૂતો માટે 1419 કરોડનું સહાય પેકેજ જાહેર
અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક
આખરે સરકાર દ્વારા ખેડૂતો માટે પાક નુકસાનીની સહાય જાહેર. રાજ્યના ખેડૂતો માટે 1419 કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું. 20 જિલ્લાના સાત લાખથી વધુ લાભાર્થીને સહાય મળશે. 8.5 લાખ હેક્ટર જમીનના ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં ખેડૂત હિતલક્ષી મહત્વનો નિર્ણય કરાયો છે. રાજ્યમાં તાજેતરમાં ભારે વરસાદથી થયેલા નુકસાનને પગલે રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જે અંગે પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના કેટલાક જિલ્લામાં ઓગસ્ટ 2024માં વરસેલા વરસાદના કારણે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક નુકસાન થયું છે.
આવી વિકટ પરિસ્થિતિમાં જગતના તાતને આર્થિક નુકસાનીમાં સહાયરૂપ થવા મુખ્યમંત્રીની મંજૂરીથી રાજ્ય સરકાર દ્વારા ઉદાર હૃદયે 1419.62 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 1097.31 કરોડ SDRF હેઠળ અને રાજ્ય બજેટમાંથી 322.33 કરોડ ચૂકવાશે.