રિપોર્ટ@ગુજરાત: સરદાર સરોવર ડેમના 15 દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ
સરદાર સરોવર ડેમની સપાટી 135.30 મીટર પહોંચી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભારે વરસાદના કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો જોવા મળ્યો છે. સીઝનમાં પહેલીવા સરદાર સરોવર બંધના 15 દરવાજા 1.65 મીટર ખોલવામાં આવ્યા છે. જેને કારણે બંધના નીચલા વિસ્તારમાં 1 લાખ 75 હજાર ક્યૂસેક પાણી નદીમાં વહી રહ્યું છે. હાલ ડેમની સપાટી 135.30 છે. જેની મહત્તમ સપાટી 138.68 છે. જેથી સુરક્ષાને પગલે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
નદી તળ વિદ્યુત મથકના 6 મશીનો અને સરદાર સરોવર બંધના દરવાજાના સંચાલનને કારણે નર્મદા નદીમાં કુલ 2 લાખ 20 હજાર (45,000 + 1,75,000) ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. સરદાર સરોવર બંધના નીચાણવાળા વિસ્તારમાં કોઈ દુર્ઘટના કે જાનહાનિ ના થાય તે માટે જરૂરી સુરક્ષા પગલાં લેવા અને નાગરિકોને સચેત રહેવા જણાવાયું છે.
અસરગ્રસ્ત કરતા નાંદોદ તાલુકાના સિસોદરા, ભદામ, માંગરોલ, ગુવાર, રામપુરા, રાજપીપળા, ઓરી, નવાપુરા, ધમણાચા, ધાનપોર, ભચરવાડા, હજરપુરા, શહેરાવ, વરાછા, પોઈચા, રૂંઢ ગામો અને ગરૂડેશ્વર તાલુકાના સાંજરોલી, અંકતેશ્વર, સુરજવડ, ગોરા, ગરૂડેશ્વર, ગંભીરપુરા, વાંસલા તેમજ તિલકવાડા તાલુકાના વાસણ, તિલકવાડા, વડીયા, વિરપુર, રેંગણ ગામોના નાગરિકોને સચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
રાજ્યમાં સીઝનનો સરેરાશ 29 ઇંચ એટલે કે 81 ટકા વરસાદ થઈ ચૂક્યો છે. જેને પગલે 58 ડેમ 100 છલકાઈ ચૂક્યા છે. તેમજ 72 ડેમ હાઇ એલર્ટ પર અને 15 ડેમ એલર્ટ પર છે. જો કે ચિંતાજનક વાત તો એ છે કે, હજુ 50 ડેમ 25 ટકા પણ ભરાયા નથી. જ્યારે 38 ડેમમાં 25થી 50 ટકા જ પાણી છે.