રિપોર્ટ@ભરૂચ: ધાર્મિક ઝંડા લગાવવા બાબતે 2 કોમના ટોળા આમને-સામને

ત્રીજી વાર શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો છે.
 
રિપોર્ટ@ભરૂચ: ધાર્મિક ઝંડા લગાવવા બાબતે 2 કોમના ટોળા આમને-સામને

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ઝગડાની અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. ગુજરાતમાં ત્રીજી વાર શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો છે. સુરતમાં ગણેશ પંડાલમાં પથ્થરમારો, વડોદરામાં ગણેશોત્સવની વચ્ચે ધાર્મિક ઝંડા લગાવવાના વિવાદ બાદ હવે ભરૂચમાં ધાર્મિક ઝંડા લગાવવા બાબતે બે કોમના ટોળા આમને સામને આવી જતા મામલો તંગ બન્યો હતો. ભરૂચ શહેરના ગોકુળનગર વિસ્તારમાં તંગદિલી સર્જાતા રાત્રિના સમયે પોલીસના ધાડેધાડા ઉતરી પડ્યા હતા અને ટોળાને વિખેરી સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરાયો હતો. સ્થિતિ ફરી વણસે નહીં તે માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે ભરૂચ એસપી દ્વારા લોકોને અફવાથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.

ભરૂચ પશ્ચિમમાં આવેલા ગોકુલનગર વિસ્તારમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો વસવાટ કરે છે. હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં ઈદ એ મિલાદનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે આ વિસ્તારમાં લોકો ધાર્મિક ઝંડા અને તોરણ લગાવી રહ્યા હતા. ત્યારે એકબીજાના ઘર પાસે તોરણો નહીં લગાવવા અપીલ કર્યા બાદ પણ લગાવાતા મામલો બિચક્યો હતો અને જોતજોતામાં ટોળા એકઠા થઈ ગયા હતા. ઉગ્ર બોલાચાલી બાદ ટોળા વચ્ચે મારામારીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.

આ બનાવની જાણ થતાં જ ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ સ્થળ પર પહોંચી હેડક્વાર્ટર ડીવાયએસપી, LCB,એસઓજી,બી ડીવીઝન,તાલુકા પોલીસના પીઆઈ,પીઆઈ,પીએસઆઈ સહિતના પોલીસ કાફલો ખડકી ત્યાં ટોળે થયેલા તમામ લોકોને વિખેરી પરિસ્થિતિ પર તાત્કાલિક કાબુ મેળવ્યો હતો.જોકે ત્યાર બાદ આ બનાવમાં જે લોકો સામે આક્ષેપ થતા હતા તે તમામ લોકોને અટકાયત કરીને તમામ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ ઘટનામાં બે કે ત્રણ લોકોને ઇજાઓ.પહોચતા હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે.જોકે સુરત બાદ ભરૂચમાં થયેલી તકરારમાં માહોલ ગરમાયો છે.

આ મામલે ભરૂચ જિલ્લા એસપીએ મયુર ચાવડાએ લોકોને અપીલ કરતાં જણાવ્યું હતું.કે,હાલમાં તે સ્થળ પર શાંતિ છે.જેથી આ મામલે કોઇ પણ ઉશ્કેરણી જનક ભડકાવે તો ભડકાવું ન જોઈએ અને કોઈ પણ વિષય ધ્યાન પર આવે તો પોલીસનું ધ્યાન દોરવું જોઈએ. આ બનાવમાં હાલ તો પોલીસ ગુનો નોંધવાની કામગીરી હાથ ધરી છે.જોકે બનાવમાં કોઈ પણ પ્રકારની અફવાઓથી દુર રહેવા અપીલ કરી હતી.