રિપોર્ટ@ગુજરાત: અંબાજીને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે નવી પહેલ શરૂ કરાઈ

વેન્ડિંગ મશીનને પૂજાવિધિ કરી ખુલ્લું મુકાયું
 
રિપોર્ટ@ગુજરાત: અંબાજીને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે 2 નવી પહેલ શરૂ કરાઈ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

પ્લાસ્ટિકના કારણે પર્યાવરણમાં પ્રદુષણ ફેલાતું હોય છે.  પ્લાસ્ટિકથી ફેલાતા પ્રદુષણથી વન પર્યાવરણને ભારે નુકશાની થતી હોય છે. જેથી અનેકો મૂંગા પશુઓ પણ પ્લાસ્ટિક ખાઈને મોતને ભેટ ચઢતા હોય છે. તેવી બાબતોને ધ્યાને લઇ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર પૂરજોશથી પ્લાસ્ટિક મુક્ત અભિયાન ચલાવી રહી છે. તેને લઈને અનેકો કાર્યક્રમો અને યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. ત્યારે શક્તિપીઠ અંબાજી ધામ પણ પ્લાસ્ટિક મુક્ત બને તે માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ અભિયાન હાથ ધરાયું છે. જેમાં અંબાજી મંદિરમાં પ્રસાદ માટે અપાતી પ્લાસ્ટિકની થેલીઓ સામે હવે કપડાંની થેલીઓનું વિતરણ કરવામાં આવશે. જેના માટે ખાસ ઓટોમેટિક વેન્ડિંગ મશીન મુકવામાં આવ્યા છે. અંબાજી મંદિર વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીએ આ વેન્ડિંગ મશીનને પૂજાવિધિ કરી ખુલ્લું મુક્યું હતું.


આ મશીનથી યાત્રિકે માત્ર 5 રૂપિયાનો એક સિક્કો વેન્ડિંગ મશીનમાં નાખવાથી ઓટોમેટિક કપડાંની થેલી બહાર આવે છે. જેનો ઉપયોગ શ્રદ્ધાળુઓ પ્રસાદ રાખવા માટે કરી શકે છે. જો મોટી થેલી જોઈતી હોય તો રૂપિયા 10નો સિક્કો નાખવાથી મોટી થેલી પણ મેળવી શકે છે. આમ હાલ ટ્રાયલ બેઝ ઉપર બે મશીન મુકવામાં આવ્યા છે. આગામી સમયમાં વધુ મશીનો પણ મુકવાની વ્યવસ્થા કરવામાં આવશે.


વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીએ જણાવ્યું હતું કે, યાત્રાધામ અંબાજી પ્લાસ્ટિક મુક્ત કરવા માટે અંબાજીમાં પીવાના પાણીની બોટલો સહિત અન્ય ઠંડા પીણાંની બોટલો પણ લોકો જ્યાં ત્યાં નાખી દેતા હોય છે. જેથી પ્રદૂષણ ફેવાતું હોય છે. આથી તેને દૂર કરવા દેવસ્થાન ટ્રસ્ટ, પ્રાઇવેટ કંપની અને SBI બેન્કના સહયોગથી બે નવી વસ્તુઓ અમલમાં મૂકવામાં આવી છે. પહેલી કાપડનું વેન્ડિંગ મશીન, જેમાં પાંચ રૂપિયાનો સિક્કો નાખવાથી નાની થેલી અને 10 રૂપિયાનો સિક્કો નાખવાથી મોટી થેલી મશીનમાંથી બહાર આવશે. જેથી યાત્રિકો સરસ ગુણવત્તાવાળી થેલીઓનો ઉપયોગ કરી શકશે એનાથી પ્રદૂષણ પર રોક લાગશે અને અંબાજી પ્લાસ્ટિક મુક્ત તરફ આગળ વધશે.


તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બીજું SBI બેન્કના સહયોગથી પ્લાસ્ટિક ક્રશર મશીન મૂકવામાં આવ્યું છે. યાત્રિક પ્લાઝા અને VIP પ્લાઝા ખાતે બે મશીન મુકવામાં આવ્યા છે. જેમાં ખાલી બોટલો નાખવાથી તે ક્રશ થઈ જશે. તેનો કોઈપણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી. આ પહેલથી બોટલો કચરામાં જતી અટકશે અને પર્યાવરણ પ્રદૂષિત થતું અટકશે. અમારું લક્ષ્ય આવા મશીનો ઠેર ઠેર જગ્યાએ મૂકવાનું છે. જેથી આ ક્રશ થયેલા પ્લાસ્ટિકથી અન્ય સામગ્રીઓ તૈયાર થઈ શકે. જે અંગે અમારી વિચારણા પ્રાઇવેટ કંપનીઓ સાથે ચાલી રહી છે. આગામી સમયમાં આ પ્લાન પણ મૂકવામાં આવશે. હાલમાં આ બે પ્રકારની યોજનાઓ ચાલુ કરવામાં આવી છે.