રિપોર્ટ@અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રીનો વીડિયો વાઇરલ કરનાર 2 આરોપીની ધરપકડ

ભાજપે આ વીડિયોને ફેક ગણાવ્યો
 
રિપોર્ટ@અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રીનો  વીડિયો વાઇરલ કરનાર 2 શખસની ધરપકડ કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવાર-નવાર કેટલી ઘટનાઓ સામે આવતી હોય છે. કેન્દ્રીય ગૃહમંત્રીની પાલનપુર અને લીમખેડાની જાહેરસભાનો વીડિયો ખોટી રીતે એડિટ કરવામાં આવ્યો હતો. આ વીડિયો એડિટ કરીને સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવ્યો હતો. આ અંગે સાયબર ક્રાઈમે તપાસ શરૂ કરી હતી. ત્યારે વીડિયો વાઇરલ કરનાર બે શખસની ધરપકડ કરી છે. પોલીસે સતીષ વનસોલા અને આર.બી. બારિયા નામના બે આરોપીની ધરપકડ કરી છે. સતીષ વનસોલા કોંગ્રેસના MLA મેવાણીનો પીએ છે, જ્યારે આર.બી. બારિયા આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છે. બંને આરોપીની ધરપકડ કરી સાયબર ક્રાઈમે વધુ તપાસ હાથ ધરી છે.


સાયબર ક્રાઈમના ડીસીપી લવિના સિન્હાએ જણાવ્યું કે, અમદાવાદ સિટી પોલીસ અને સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં એક સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલ્સ છે. જેમાં સોશિયલ મીડિયાની મોનિટરિંગ કરતા જણાઈ આવ્યું કે, ગૃહમંત્રીની જે સ્પીચ હતી તેને એડિટ કરીને ખોટી રીતે સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવી હતી. એમાં બે પ્રોફાઈલ હોલ્ડર સતીષ વનસોલા અને રાકેશ બારિયા એમણે પોતાના ફેસબુક સોશિયલ મીડિયા હેન્ડલથી આ એડિટેડ વીડિયો વાઇરલ કર્યો હતો. એમણે જાહેર જનતામાં આ ફેક ન્યૂઝ ફેલાવ્યા હતા. જેના અનુસંઘાને અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે કાલે (29 એપ્રિલ) એક ગુનો નોંધ્યો છે. જે સેક્શન 153 A, 171 G 469, 505 (2) હેઠળ આ ગુનો નોંધાયો છે. બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.


એડિટેડ વીડિયો પોતાના સોશિયલ મીડિયાના હેન્ડલથી પોસ્ટ કર્યો છે, જે વીડિયો એડિટ કરનારની હજી તપાસ ચાલુ છે, તેમને આ વીડિયો વોટ્સએપ ગ્રૂપના માધ્યમથી મળ્યો હતો અને એમાં હજી આગળ તપાસ કરી રહ્યા છે. સતીષ વનસોલા એ મૂળ પાલનપુરના છે અને રાકેશ બારિયા એ દાહોદ લીમખેડાના છે. આ બંને પ્રથમ દૃષ્ટિએ પ્રાથમિક તારણમાં રાજકીય સાથે જોડાયેલા છે. બંનેના ફોન કબજે કરીને FSLમાં મોકલવાના છે. જેમાં વીડિયોની હકીકત અને વીડિયો ક્યાંથી મેળવેલ છે એ તમામ તપાસ અમે કરવાના છીએ.


રવિવારે (28 એપ્રિલ) દિલ્હી પોલીસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એડિટેડ વીડિયો અંગે FIR નોંધી હતી. આ વીડિયોમાં શાહ SC-ST અને ઓબીસીની અનામતને ખતમ કરવાની વાત કરતા જોવા મળ્યા. જોકે ન્યૂઝ એજન્સી પીટીઆઇના ફેક્ટ ચેકમાં આ વીડિયો નકલી સાબિત થયો હતો. આ એડિટેડ વીડિયોને ફેલાવવા અંગેની એક ફરિયાદ ભાજપ દ્વારા કરવામાં આવી હતી, જ્યારે બીજી ફરિયાદ ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી. ભાજપે આ વીડિયોને લઈને દેશભરમાં FIR નોંધવાનો નિર્ણય લીધો હતો.


ભાજપે ફરિયાદમાં કહ્યું હતું કે અમિત શાહે અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત સમાપ્ત કરવા વિશે કશું કહ્યું નથી. જે વીડિયો વાઇરલ થઈ રહ્યો છે એ નકલી છે. ભાજપે આરોપ લગાવ્યો કે મૂળ વીડિયોમાં અમિત શાહે તેલંગાણામાં મુસ્લિમો માટે ગેરબંધારણીય આરક્ષણ હટાવવાની વાત કરી હતી.

દિલ્હી પોલીસે ફેસબુક અને એક્સ પાસેથી માહિતી માગી
દિલ્હી પોલીસે ગૃહમંત્રીના એડિટેડ વીડિયોને લઈને એક્સ અને ફેસબુકને પત્ર લખ્યો હતો તેમજ આ એડિટેડ વીડિયો કયા એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે એની માહિતી બંને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી માગવામાં આવી હતી.


બીજેપીના આઈટી સેલના વડા અમિત માલવિયાએ 27 એપ્રિલે ફેસબુક પર તેલંગાણા કોંગ્રેસ દ્વારા શેર કરાયેલા આ નકલી વીડિયો પોસ્ટ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેલંગાણા કોંગ્રેસ સંપાદિત વીડિયો ફેલાવી રહી છે, જે સંપૂર્ણપણે નકલી છે. એના કારણે મોટે પાયે હિંસા થવાની આશંકા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે આ ફેક વીડિયો ઘણા કોંગ્રેસના નેતાઓએ શેર કર્યો છે, હવે તેઓ કાયદાકીય કાર્યવાહી માટે તૈયાર રહે.