રિપોર્ટ@પંચમહાલ: કાલોલ વેજલપુર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત

પેસેન્જર વાનનું ટાયર ફાટી જતાં તે ડિવાઈડર કૂદી અને અન્ય કાર સાથે ભટકાઈ હતી.
 
રિપોર્ટ@પંચમહાલ: કાલોલ વેજલપુર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

પંચમહાલમાંથી અકસ્માતની ભયાનક દુર્ઘટના સામે આવી છે. પંચમહાલ જિલ્લાના કાલોલ અને વેજલપુરની વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. જ્યારે ત્રણ ગંભીર રીતે ઘવાયા છે. પેસેન્જર વાનનું ટાયર ફાટી જતાં તે ડિવાઈડર કૂદી અને અન્ય કાર સાથે ભટકાઈ હતી.

બનાવની જાણ વેજલપુર પોલીસને થતાં વેજલપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. હાઇવેનો ટ્રાફિક ખુલ્લો કરાવી અકસ્માતમાં ઘવાયેલા ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડ્યા હતા. અકસ્માતનું કારણ પેસેન્જર માટે ફરતી મારુતિ વાન ગાડીનું ટાયર ફાટવાથી ડિવાઈડર કૂદી અન્ય કાર સાથે ભટકાઈ હોવાનું અનુમાન લગાવવમાં આવી રહ્યું છે. અકસ્માત બાદ બંને વાહનો અને મૃતદેહો વેજલપુરથી કાલોલ તરફ આવતાં ટ્રેક ઉપર પડેલા હોવાથી કાલોલ તરફના માર્ગ ઉપર ટ્રાફીક સર્જાયો હતો.

અકસ્માતમાં વાનચાલક બેઢીયા ગામના નરાવત કેસરીસિંહ ચૌહાણનું અને પેસેન્જર વેજલપુરના દશરથભાઈ રયજીભાઈ ભોઈનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 9 મુસાફર ઇજાગ્રસ્ત થયા હતા, જેઓને ગોધરા સિવિલ હોસ્પિટલ સારવાર આપવામાં આવી હતી. જે પૈકી ત્રણને વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા હતા.