રિપોર્ટ@અમદાવાદ: બુલેટ ટ્રેનની કામગીરી સમયે 600 ટનની મહાકાય ક્રેન અચાનક ધરાશાયી થતા 2 લોકો ઈજાગ્રસ્ત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. વટવા હાથીજણ વિસ્તારમાં રોપડા બ્રિજ નજીક બુલેટ ટ્રેનની કામગીરી સમયે 600 ટનની મહાકાય ક્રેન અચાનક ધરાશાયી થતા 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બુલેટ ટ્રેનના પિલ્લર ઉપર મૂકવામાં આવેલી ક્રેન અચાનક જ કોઈ કારણોસર પડી હતી. આ મામલે તાત્કાલિક જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. નેશનલ હાઇસ્પીડ રેલવે ઓથોરિટીના અધિકારીઓને પણ આ મામલે જાણ કરવામાં આવતા તેઓ પણ સ્થળે પહોંચ્યા હતા.
ક્રેન પડતાં અમદાવાદ-મુંબઈ વચ્ચેના રેલવે વ્યવહારને અસર થઈ છે. ઓવરહેડ વાયર તૂટી ગયો હોવાથી મુંબઈ-અમદાવાદ વચ્ચેનો રેલવે વ્યવહાર ખોરવાયો હતો. વડોદરાથી અમદાવાદ તરફ જતી સયાજીનગરી, એકતાનગર- અમદાવાદ સહિતની 10 ટ્રેનોને રાત્રે જ વિવિધ સ્ટેશનો પર અટકાવી દેવાઈ હતી.
હાલ અપલાઈન ચાલુ રાખવામાં આવી છે અને ડાઉન લાઇન બંધ છે, જેથી મુંબઈ તરફ અવરજવર કરતી ટ્રેનોને રદ કરવી પડી છે. અમદાવાદ-વડોદરા-મુંબઈ વચ્ચે દોડતી 25 ટ્રેનોને રદ કરવામાં આવી છે. તો 5 ટ્રેનોના સમય બદલાયા છે, જ્યારે 6 ટ્રેનોને અન્ય રૂટથી દોડાવવામાં આવી રહી છે. યાત્રીઓ માટે વડોદરા સ્ટેશન પર તાત્કાલિક ધોરણે હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું હતું.