રિપોર્ટ@સુરત: સિવિલ હોસ્પિટલમાં ચોરી કરતી 2 મહિલાઓને અને 1 બાળકી ઝડપાઈ

ભીડવાળી જગ્યાને મહિલાઓ ટાર્ગેટ કરતી
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં ચોરીના બનાવો ખુબજ વધી ગયા છે.  સુરત સિવિલ હોસ્પિટલની સુરક્ષામાં છિંડા વારંવાર સામે આવતા રહે છે. જ્યારે ભીડનો લાભ લઈને સુરત સિવિલ હોસ્પિટલમાં ચોરી કરતી બે મહિલાઓને એક બાળકી સાથે ઝડપી પાડવામાં આવી હતી. આ મહિલાઓ છ મહિના પહેલા પણ ચોરી કરતી પકડાઈ હતી. ત્યારબાદ આજે ફરી ચોરી કરવા આવતા સુરત હોસ્પિટલના સિક્યોરિટી દ્વારા ઝડપી પાડવામાં આવી હતી. હાલ તો આ બંને મહિલાઓને પોલીસને સોંપી દેવામાં આવી છે.


સુરત સિવિલ હોસ્પિટલના સિક્યોરિટી ઇન્ચાર્જ આર.કે. સિંગે જણાવ્યું હતું કે, આ મહિલાઓને છ મહિના પહેલા ઝડપી પાડવામાં આવી હતી. ત્યારબાદ પોલીસમાં ફરિયાદ કરીને સોંપી દેવાઈ હતી. થોડા સમયથી આ બંને મહિલાઓ એક બાળકી સાથે ફરી સિવિલ હોસ્પિટલમાં આવીને ચોરી કરતી હોવાની જાણ થઈ હતી. જેથી તેમના પર નજર રાખવામાં આવી રહી હતી. આજે બંને મહિલાને પાર્કિંગમાંથી બાળકી સાથે ઝડપી પાડવામાં આવી હતી.


વધુમાં જણાવ્યું હતું કે, આ મહિલા ચોરોની મોડસ ઓપરન્ડી એવી છે કે, સુરત સિવિલ હોસ્પિટલમાં જે ઓપીડી કે અન્ય જગ્યા ઉપર ભીડ થાય છે ત્યાં બાળકી સાથે પહોંચી જાય છે અને ભીડનો લાભ ઉઠાવી ત્યાંથી દર્દી અને તેમના સગાઓના સામાનની ચોરી કરે છે. આ સાથે જ બાળકીની ફાઈલ અને એક્સપાયરી ડેટ વાળી દવા પણ સાથે રાખે છે. સિવિલમાં આવતા જતા લોકો પાસે રૂપિયાની પણ માગણી કરે છે.


વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા દોઢ મહિનામાં 10 જેટલા મોબાઈલની ચોરી કરી હોવાની જાણ થઈ હતી. દરમિયાન આ મહિલાઓ પણ ફરી સિવિલમાં આવવા લાગી હોવાની જાણ થઈ હતી. જેથી તેના પર નજર રાખીને આજે ઝડપી પાડવામાં આવી છે. આ મહિલાઓને સીસીટીવીમાં પણ તપાસ કરવામાં આવી રહી છે. હાલ તો આ મહિલાઓને પોલીસને સોંપી દેવામાં આવી છે.