રિપોર્ટ@નવસારી: રેલવેટ્રેક પર બેસી વાતો કરતા 2 યુવકોના મોત નીપજ્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અકસ્માતના બનાવો ખુબજ વધી ગયા છે. નવસારીના વિજલપોર નજીક રામનગર વિસ્તારમાંથી પસાર થતા ડેડિકેટેડ રેલ ફ્રેઈટ કોરિડર પર બે યુવકોના મોત નીપજ્યા છે. રાત્રે રામ જન્મ ચૌહાણ અને વિવેક ચૌહાણ નામના બે યુવક પોતાના ઘર નજીકથી પસાર થઈ રહેલા ટ્રેક પર બેસી વાતો કરી રહ્યા હતા ત્યારે જ માલગાડી ત્યાંથી નીકળતા બંને યુવકો કપાયા હતા. આ ઘટનાના પગલે આસપાસથી લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં. પોલીસને જાણ કરાતા પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમ માટે ખસેડ્યા હતા. બંને મૃતકો યુપીના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
ડેડિકેટેડ રેલ ફ્રેઈટ કોરિડોરના ટ્રેક આસપાસ રહેણાક વિસ્તારો હોઇ રેલવે દ્વારા બંને તરફ પાકી દીવાલ બનાવવામાં આવી છે. પરંતુ કેટલાંક સ્થળો પર દીવાલ તોડી નાખવામાં આવી હોવાથી લોકો અવર જવર કરતા રહે છે. છેલ્લા 10 મહિનામાં જ અહીં થયેલા અલગ અલગ અકસ્માતમાં 20થી વધુ લોકોનાં મોત નીપજી ચૂક્યા છે.
આ ઘટનાના પગલે નવસારી પોલીસ અને રેલવે પોલીસની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી. બંને યુવકોના મૃતદેહનો કબજો લઈ પીએમ માટે ખસેડ્યા હતા. પ્રાથમિક તપાસમાં બંને યુવકો મૂળ યૂપીના રહેવાસી હોવાનું અને રોજગારી માટે નવસારીમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. નવસારીમાં છૂટક મજૂરી કરી બંને પોતાનું ગુજરાન ચલાવતા હતા.
નવસારીના વિજલપોર વિસ્તારમાં રેલવે ટ્રેક પાસે ચાર તસ્કરોએ ચાલુ ટ્રેનમાં દરવાજા પર બેસી ફોન પર વાત કરી રહેલા યુવાન શિક્ષકને ઝાપટ મારી મોબાઈલ ઝૂંટવી લીધો હતો. આ ઘટનામાં શિક્ષક નીચે પટકાતા તેના બંને પગમાં ગંભીર ઈજા થઈ હતી. જેથી તેઓને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. યુવાનનો એક પગ માત્ર સ્નાયુના આધારે ટકેલો હતો. હાડકું, નસ સહિતના જરૂરી અંગો તૂટી ગયાં હતાં, જેથી તેનો એક પગ કાપવો પડ્યો હતો. જ્યારે બીજા પગમાં પણ ઓપરેશન કરવામાં આવ્યું છે. ફોનની લાલચમાં તસ્કરોએ શિક્ષકની જિંદગી બરબાર કરી નાખી છે.
રેલવેના પાટા પર બેઠવું જોખમી છે અને જીવ પણ ગુમાવવો પડે છે. માત્ર એટલું જ નહીં, ટ્રેક પર ફોટો કે સેલ્ફી ખેંચવી પણ અપરાધ છે. આ ગુનો કરવા બદલ દંડથી લઈ જેલ થઈ શકે છે. રેલ ટ્રેક પસાર કરવો એ કાયદાકીય રીતે ગુનો છે. રેલવે અધિનિયમની કલમ 147 હેઠળ, રેલવેના ટ્રેકને પસાર કરવાના ગુનામાં વ્યક્તિને પકડવામાં આવે છે. આ કરવાથી વ્યક્તિને 6 મહિના સુધીની સજા થઈ શકે છે અને 1000 રૂપિયા સુધીનો દંડ પણ થઇ શકે છે. દેશભરમાં રેલવેમાં થનારી ઘટનામાં ટ્રેક પસાર કરતા થયેલા લોકોના મૃત્યુ થયા છે.