રિપોર્ટ@ગુજરાત: ST વિભાગમાં 20 નવી વોલ્વો બસનો ઉમેરો કરાયો, કઈ કઈ સુવિધાઓ હશે ?

20 બસમાંથી 8 બસ નહેરૂનગરથી સુરત રૂટ પર, 8 બસ નહેરૂનગરથી વડોદરા રૂટ પર તેમજ 4 બસ અમદાવાદથી રાજકોટ રૂટ દોડશે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ST વિભાગમાં 20 નવી વોલ્વો બસનો ઉમેરો કરાયો છે. ST નિગમે વધુ પેસેન્જર સુરક્ષા સિસ્ટમ ધરાવતી 20 હાઈએન્ડ વોલ્વો સીટર બસોનું લોકાર્પણ કર્યું છે. એક બસની કિંમત લગભગ 1.60 કરોડ છે. 20 બસમાંથી 8 બસ નહેરૂનગરથી સુરત રૂટ પર, 8 બસ નહેરૂનગરથી વડોદરા રૂટ પર તેમજ 4 બસ અમદાવાદથી રાજકોટ રૂટ દોડશે.

નહેરૂનગરથી સુરતનું ભાડું રૂ.648, નહેરૂનગરથી વડોદરાનું ભાડું રૂ.294 તેમજ અમદાવાદથી રાજકોટનું ભાડું રૂ.519 રહેશે. નવી વોલ્વો બસ આગ બુઝાવવાની સિસ્ટમથી સજજ હશે તેમજ આરામદાયક સીટોની સાથે ફાયર સેફ્ટી સહિતની આર્મીના વાહનો જેવી સુરક્ષા હશે. દિવાળી સુધીમાં અદ્યતન સુવિધા ધરાવતી વધુ 80 બસો સંચાલનમાં મૂકાશે. જૂની બસોને રિપ્લેસ કરવામાં આવશે. તમામ એસી બસમાં 47 પેસેન્જરોને બેસવાની ક્ષમતા સાથે 2x2 લેધર અને આરામદાયક પુશબેક સીટ આપવામાં આવી છે. દરેક સીટ પર એસીની વેન્ટ અને લાઈટ લગાવાઈ છે.

ઈમરજન્સી એક્ઝિટ... આકસ્મિક સંજોગોમાં બસમાંથી બહાર નીકળવા માટે સીડી સાથેનો ઈમરજન્સી ગેટ છે.

પેનિક બટન... પ્રવાસ દરમિયાન પેસેન્જર અસુરક્ષા અનુભવે તો સીટની નજીક પેનિક બટન હશે. જે દબાવતા તરત જ પોલીસને જાણ થઈ જશે અને મદદ મળશે.

સ્પ્રીંકલર... બસમાં નાઈટ્રોજન-પાણીની ટાંકી છે. આગ તેમજ ધુમાડો નીકળે તો સ્પ્રીંકલર ચાલુ થઈ જશે.