રિપોર્ટ@ગુજરાત: આજથી રાજ્યના 26 અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લા મુકાશે
કચ્છના નાના રણમાં ભારે વરસાદના પગલે ઘુડખર અભ્યારણ્ય દિવાળી પછી પ્રવાસીઓ માટે ખુલશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યના કેટલાક અભ્યારણો પ્રવાસીઓ માટે ખુલ્લા મુકવામાં આવશે. ગુજરાતના 27માંથી 26 અભ્યારણ ચાર મહિના સદંતર બંધ રહ્યા બાદ આજથી પ્રવાસીઓ માટે ખુલ્લા મુકવામાં આવશે. જયારે કચ્છના નાના રણમાં ભારે વરસાદના પગલે ઘુડખર અભ્યારણ દિવાળી પછી પ્રવાસીઓ માટે ખુલશે. હાલ અભ્યારણ વિભાગ દ્વારા રણ 31 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે બંધ હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. હાલમાં રણમાં ભારે વરસાદના પગલે પ્રવાસીઓ કે વાહનો જઈ શકે એમ નથી, ત્યારે દિવાળી વેકેશનમા પ્રવાસીઓ વધારે આવતા હોવાથી આવકમાં પણ મોટો ફટકો પડશે.
કચ્છના નાના રણમાં 4954 ચો. કિમીમાં ફેલાયેલા ઘુડખર અભ્યારણ સહિતના ગુજરાતના તમામ 27 અભ્યારણો દર વર્ષે 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી સસ્તન પ્રાણીઓનો સંવનનનો સમયગાળો હોવાથી એમને ખલેલ ન પડે એ માટે પ્રવાસીઓ માટે સદંતર બંધ રાખવામાં આવે છે. અને 16 ઓક્ટોબર એટલે કે આજથી ગુજરાતના તમામ અભ્યારણો પ્રવાસીઓ માટે ખુલ્લા મુકવામાં આવે છે. પરંતુ ત્રણ ચાર દિવસ અગાઉ કચ્છના નાના રણમાં ખાબકેલા મુશળધાર ત્રણ ઇંચ વરસાદના પગલે અને બીજીબાજુ બનાસ, રૂપેણ અને સરસ્વતી નદી સહીત ઉત્તર ગુજરાત અને રાજસ્થાનની 110 નદીઓના પાણી રણમાં ફરી વળતા હાલમાં કચ્છનું નાનું રણ મીની સમુદ્રમાં ફેરવાઈ ગયું છે.
આથી ગુજરાતના 27માંથી 26 અભ્યારણ ચાર મહિના સદંતર બંધ રહ્યા બાદ 16 ઓક્ટોબર એટલે કે આજથી પ્રવાસીઓ માટે ખુલ્લા મુકવામાં આવશે. જયારે કચ્છના નાના રણમાં ભારે વરસાદના પગલે ઘુડખર અભ્યારણ દિવાળી પછી પ્રવાસીઓ માટે ખુલશે. હાલ અભ્યારણ વિભાગ દ્વારા રણ 31 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે બંધ હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. જયારે તાજેતરમા કરાયેલી વસ્તી ગણતરી અનુસાર આ વર્ષે ઘુડખરની સંખ્યામાં 26 %ના વધારા સાથે ઘુડખરની સંખ્યા 7672 એ પહોંચી છે. એમાંય જો હજી વધુ વરસાદ ખાબકે તો આ રણના પવનવેગી દોડવીર ગણાતા એવા ઘુડખર નિહાળવા પ્રવાસીઓ માટે દુર્લભ બને એમ છે. અને સાથે પ્રવાસન વિભાગને પણ આનાથી દિવાળી વેકેશનના તહેવારોમા મરણતોલ ફટકો પડે એમ છે.
સામાન્ય રીતે રણકાંઠાના હજારો અગરીયા પરિવારો દર વર્ષે નવરાત્રીમા કચ્છના નાના રણમાં મીઠુ પકવવા રણમાં પડાવ નાંખે છે. પણ આ વર્ષે કચ્છના નાના રણમાં ભારે વરસાદના પગલે રણમાં આવન જાવનનો રસ્તો બંધ થતા મીઠુ પકવતા અગરીયા સમુદાય પણ મૂંઝવણમા મુકાયો છે અને હવે જો વરસાદ ન થાય તો પણ અગરિયા પરિવારો આગામી એક મહિના સુધી રણમાં મીઠુ પકવવા જઈ શકે એમ નથી.