રિપોર્ટ@ગુજરાત: વરસાદના કારણે સૌરાષ્ટ્રના 3 જળાશયો છલકાતા હાઈ એલર્ટ આપવામાં આવ્યું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. કેટલીક જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે જળાશયો ભરાઈ ગયા છે. રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ ૫૪ ટકાને પાર કરી ગયો છે.
સરદાર સરોવરમાં હાલમાં 1,81,229 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 54.25 ટકા જેટલો જળસંગ્રહ જ્યારે રાજ્યના કુલ 206 જળાશયોમાં 1,98,227 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 35.38 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ, જળ સંપતિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે. રમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદના પરિણામે ત્રણ જળાશયો સંપૂર્ણ છલકાયા છે.
જેમાં જામનગર જિલ્લાનો વાગડીયા અને સસોઈ-2 ડેમ તથા સુરેન્દ્રનગર જિલ્લાનો વાંસલ ડેમ 100 ટકા ભરાતા હાઈ એલર્ટ અપાયું છે. આ સિવાય રાજ્યના આઠ ડેમ 80 ટકાથી 90 ટકા ભરાતા એલર્ટ પર છે જેમાં જૂનાગઢના ઓઝત-2 અને બાંટવા-ખારો ડેમ, મોરબીના ગોડાધ્રોઈ, રાજકોટના ભાદર-૨ તથા ભરૂચના ધોલી અને બલદેવા, જામનગરના ફુલઝર-1 તથા પોરબંદરના સારણ ડેમને એલર્ટ અપાયું છે.