રિપોર્ટ@સુરત: કન્સ્ટ્રક્શન સાઇટ પર ભેખડ ધસી જવાથી 3 કામદારો દટાયા, 1નું મોત

2ને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

 
 રિપોર્ટ@સુરત: કન્સ્ટ્રક્શન સાઇટ પર ભેખડ ધસી જવાથી 3 કામદારો દટાયા, 1નું મોત 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સરથાણા વિસ્તારમાં ગઢપુર ચોકડી પાસે કન્સ્ટ્રક્શન સાઇડ ઉપર દુર્ઘટના બનતા એક કામદારનું મોત નીપજ્યું છે. સરથાણા નજીક આવેલા ગઢપુર ચોકડી પાસે મોટી કન્સ્ટ્રક્શન સાઇટ પર બેઝમેન્ટની કામગીરી દરમિયાન ભેખડ ધસી પડી હતી. કામ કરી રહેલા કામદારો પૈકી કેટલાક કામદારો માટે નીચે દબાઈ ગયા હતા. આ ઘટના બનતા તમામ કામદારો દોડી આવ્યા હતા અને બૂમાબૂમ કરી મૂકી હતી. ફસાયેલા કામદારોને બહાર કાઢવા માટે તેમની સાથેના કામદારો કામે લાગી ગયા હતા. બે કામદારોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા તેમજ ઘટનાની જાણ ફાયર વિભાગને કરી હતી. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળ પર પહોંચીને કામગીરી શરૂ કરી હતી.


અન્ય મજૂરો દ્વારા કહેવામાં આવ્યું છે કે, હજી એક કામદાર માટી નીચે દબાયો છે. ફાયર વિભાગે JCB મશીનની મદદથી માટી દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી. કામદારને બહાર કાઢતા તેનું મોત થયું હોવાનું જણાય આવ્યું હતું. આ પ્રકારની કન્સ્ટ્રક્શન સાઇટ પર બિલ્ડરો દ્વારા યોગ્ય સાવચેતી રાખવામાં આવતી નથી. ત્યાં કામ કરતા કામદારો માટે જ સેફટીની વ્યવસ્થા હોવી જોઈએ તે પણ કરવામાં આવતી નથી. તેને કારણે શ્રમજીવી કામદારોના મોત નીપજતા હોય છે. સમગ્ર ઘટનામાં કોન્ટ્રાક્ટર સામે કયા પ્રકારના પગલાં લેવાય છે, તે જોવું મહત્વનું છે. બિલ્ડર આશિષ પટેલ સાથે ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમનો ફોન રિસીવ કર્યો અને કહ્યું કે, ઘટના વિશે મને કોઈ માહિતી નથી અને ફોન કટ કરી દીધો હતો. કન્સ્ટ્રક્શન સાઇડ પર બેદરકારી રાખનાર બિલ્ડર અને કોન્ટ્રાક્ટર સામે કાયદાકીય પગલાં લેવાશે કે કેમ તે ચર્ચા શરૂ થઈ છે.


ફાયર ઓફિસર સુનિલ ચૌધરીએ જણાવ્યું કે, ખબર મળતાની સાથે જ અમારી ટીમ ગઢપુર ચોકડી ખાતે ચાલતી કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર પહોંચી હતી. ત્યાં જોયું તો સાઈટ ખૂબ જ મોટી હતી અને અંદાજે 50થી 60 જેટલા મજૂરો બેઝમેન્ટનું કામ કરી રહ્યા હતા. કન્સ્ટ્રક્શન સાઈટ પરથી એવું જણાઈ રહ્યું હતું કે, આ રેસિડેન્ટ બિલ્ડીંગ બનતી હશે. ભેખડ ધસી જવાને કારણે ત્રણ કામદારો દટાયા હતા, જેમાંથી બેને હેમખેમ બહાર કાઢી લેવાયા હતા પરંતુ, એક કામદાર માટીની નીચે દબાઈ ગયો હતો. જેને જેસીબી મશીનથી બહાર કાઢ્યો હતો. જોકે, ખૂબ કાટમાળ નીચે દબાવવાને કારણે તેનું મોત નીપજ્યું હતું. મરણ જનાર કામદારનું નામ મહમદ જાફિર છે તેમજ અન્ય કામદાર લાલા છપરી અને અનસૂલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.