રિપોર્ટ@ગોંડલ: માર્કેટિંગ યાર્ડમાં મરચાની 3500થી 4000 ભારીની આવક નોંધાઈ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે માર્કેટિંગ યાર્ડમાં ગોંડલનું પ્રખ્યાત લાલ ચટાક મરચાની સિઝનની સૌપ્રથમ આવક નોંધાઈ હતી. માર્કેટિંગ યાર્ડમાં મરચાની અંદાજે 3500થી 4000 ભારીની આવક નોંધાઈ છે. જ્યારે મુહૂર્તમાં મરચાની 1 ભારીના રેકોર્ડબ્રેક ભાવ રૂ. 23,113 સુધી બોલાયા હતા. સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી જેવા કે રાજકોટ, જામનગર, જૂનાગઢ જિલ્લામાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે. સમગ્ર ભારતભરમાં ગોંડલ તીખા મરચાને લઈને જાણીતું છે. અહીંનું મરચું તીખાસને લઈને ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યના લોકોને પણ આકર્ષી રહ્યું છે. યાર્ડમાં આજે અંદાજે 3500થી 4000 ભારીની આવક થવા પામી હતી. હરરાજીમાં મરચાના સરેરાશ 20 કિલો મરચાના ભાવ 3000/-થી 6000/- રૂપિયા સુધી ભાવ બોલાયા હતા. જ્યારે મુહૂર્તમાં મરચાની 1 ભારીના રેકોર્ડબ્રેક ભાવ 23,113/- સુધી બોલાયા હતા.
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગત સાંજે મરચાની સિઝનની સૌ પ્રથમવાર આવક શરૂ કરવામાં આવી હતી. અંદાજે 400થી વધુ વાહનોની લાંબી કતાર યાર્ડની બન્ને બાજુ લાગી જવા પામી હતી. આજે સવારે યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયા, દલાલ મંડળના પ્રમુખ યોગેશ ક્યાડા, પરેશ વાડોદરિયા દ્વારા સૌપ્રથમ મરચાની હરાજી મુહૂર્તની પૂજા વિધિ કરવામાં આવી હતી. ઉપસ્થિત ખેડૂત, વેપારી અને ઓકસમેનને કુમકુમ તિલક કરવામાં આવ્યા હતા. પ્રથમ ખેડૂતને શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ મુહૂર્તમાં મરચાની પ્રથમ ભારીની હરરાજી શરૂ કરવામાં આવી હતી. મુહૂર્તમાં 1 ભારીના રેકોર્ડબ્રેક રૂ.23,113/- અનિડા ભાલોડી ગામના ખેડૂત સંદીપ હરિભાઈ ભાલોડીને મુહૂર્તના ભાવ મળ્યા હતા અને બીલનાથ ટ્રેડિંગ કંપની ધરાવતા જગદીશ રૂપારેલીયા નામના વેપારી દ્વારા મુહૂર્તનો ભાવ બોલાયો હતો.
ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયાએ જણાવ્યું હતું કે, ગોંડલનું મરચું આ વખતે અન્ય દેશોમાં વધુ એક્સપોર્ટ થતું હોય છે. તેમજ હાલ ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરવામાં આવે તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની સિઝનની સૌ પ્રથમ આવક થઈ છે. ગોંડલ પંથકમાં અલગ અલગ મરચાનું ઉત્પાદન થાય છે જેમાં રેશમ પટ્ટો, ઘોલર મરચું, સાનિયા મરચું, રેવા 702, સિજેન્ટા, ઓજસ અને દેશી મરચાં સહિતની વિવિધ વેરાયટીના મરચાનું ઉત્પાદન ગોંડલના ખેડૂતો મેળવતા હોય છે અને ખેડૂતો પોતાનો મરચાનો પાક સુકવીને લઈને આવે જેથી કરી ખેડૂતોને પોતાના પાકનો વધુ સારો ભાવ મળે તેવી યાર્ડના ચેરમેન દ્વારા અપીલ કરવામાં આવી હતી.
ગોંડલનું મરચું સમગ્ર ભારત ઉપરાંત વિદેશમાં પણ પ્રખ્યાત છે જેને લઈને અન્ય રાજ્યો માંથી જેવા કે રાજસ્થાન, કર્ણાટક, મધ્યપ્રદેશ, યુ.પી, કેરલ, મહારાષ્ટ્ર, દિલ્હી સહિતના રાજ્યો માંથી વેપારીઓ પણ અહીંયા મરચાની ખરીદી કરવા માટે આવતા હોય છે.