રિપોર્ટ@ગુજરાત: રાજકોટમાં 6 મહિનામાં 4 અને સુરતમાં 31 બોગસ તબીબ ઝડપાયા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં કેટલાક બોગસ તબીબો ઝડપાઈ રહ્યા છે. ગુજરાતમાં ડિગ્રી વગરના ડોક્ટરો ક્લિનિક ખોલીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવતા જ રહે છે. જેમાં ઘણા કિસ્સામાં તો આ બોગસ તબીબો માત્ર 8થી 10 ધોરણ ભણેલા હોય તેવું પણ સામે આવી ચૂક્યું છે. રાજ્યનાં બે મહાનગરની વાત કરવામાં આવે તો સુરતમાં સવા મહિનામાં જ પોલીસે એક-બે નહીં, પરંતુ 31 જેટલા બોગસ તબીબોની ધરપકડ કરી છે. જ્યારે રાજકોટમાં 6 મહિનામાં 4 બોગસ ડોક્ટર મળ્યા છે. તેમાં પણ સુરતમાં એક ડોક્ટર તો LIC એજન્ટ નીકળ્યો હતો.
સૌથી અગત્યની વાત એ પણ છે કે, ધરપકડ બાદ ગણતરીના કલાકોમાં આરોપીઓને જામીન મળી જાય છે અને તેઓ પોતાની દુકાન ફરી શરૂ કરી દે છે. સુરતમાં નવ મહિનામાં આ બોગસ ડોક્ટરના કારણે બે માસૂમનો ભોગ લેવાયો છે. તેમજ અમદાવાદમાં એક બોગસ ડોક્ટરને લીધે બાળકીએ જીવ ગુમાવવો પડ્યો હતો.
રાજકોટની વાત કરવામાં આવે તો માત્ર ધોરણ 8 અને 12 પાસ કરી પોતાનું ક્લિનિક ખોલી લોકોની સારવાર કરતા બોગસ ડોક્ટરો ઝડપાયા હતા. આ અંગે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન પોતે જણાવે છે કે, આ બોગસ ડોક્ટરોને ઓળખવા ખૂબ જ મુશ્કેલ છે. આ માટે સરકારે જ નિયમો સખત કરવાની જરૂર છે.