રિપોર્ટ@ગુજરાત: પ્રેમ લગ્ન કરતા યુવતીના ભાઈ સહિત 4 વ્યક્તિઓએ યુવકને માર માર્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં મારા-મારીની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. લોકો સામાન્ય બાબતે એકબીજાને જાનથી મારી નાખે છે. ડીસાના ગવાડી વિસ્તારમાં ડ્રાઇવરની નોકરી કરતા યુવકે પાટણની યુવતી સાથે પ્રેમ લગ્ન કરતા યુવતીના ભાઈ સહિત ચાર વ્યક્તિઓએ ગઇકાલે રાત્રે ડીસા આવી યુવકને માર માર્યો. ત્યાર બાદ રિક્ષામાં અપહરણ કરી ઇન્જેક્શન આપી બેભાન હાલતમાં ફેંકી દીધો હોવાની ઘટના બની હતી. જે મામલે યુવકે ભાનમાં આવ્યા બાદ યુવતીના ભાઈ સહિત ચાર વ્યક્તિઓ સામે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
આ અંગેની વિગત એવી છે કે, પાટણના ટાંકવાડા ચાર રસ્તા નજીક રહેતા સાહિલશા શબ્બીરશા ફકીર દિવાન હાલમાં ડીસાના ગવાડી વિસ્તારમાં ભાઈજાન બાવાની દરગાહ પાસે આવેલી મંડીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. તેણે થોડા સમય અગાઉ પાટણના જ ટાંકવાડા વિસ્તારમાં રહેતા ફિરોજખાન પઠાણની દીકરી મીરાબા સાથે ભાગી જઈ દિલ્હી ખાતે કોર્ટ મેરેજ કર્યા હતા. ત્યાર બાદ સાહિલ ડીસા ખાતે તેના શેઠની ઓફિસે બેઠો હતો ત્યારે એક રિક્ષામાં તેની પત્ની મીરાનો ભાઈ અરબાઝ ખાન ઉર્ફે રાજીયો ફિરોજખાન પઠાણ અને આદિલ ફારૂકભાઈ શેખ તેમજ રિક્ષાચાલક મુન્નાભાઈએ આવી "તે કેમ મારી બેન સાથે પ્રેમ લગ્ન કર્યા છે?" તેમ કહી માર મારી રિક્ષામાં જબરજસ્તીથી બેસાડી લઈ ગયા હતા. બાદમાં સાહિલને પાટણ મૌલાના મહેબૂબ સાહેબની દરગાહ પાસે લઈ જઈ માર માર્યો હતો અને પાટણ મોતીસરા હાટકેશ્વર રોડ પર લઈ જવાયો હતો.
ત્યાર બાદ અર્શ મનસુરી નામના શખ્સે આવી તેને કોણીના ભાગે ઇન્જેક્શન આપતા તે બેભાન થઈ ગયો હતો અને બેભાન અવસ્થામાં તેને છોડીને અપહરણકારો નાસી ગયા હતા. સાહિલ ભાનમાં આવતા તેના શેઠ ઈરફાન ભાઈને તેમજ અન્ય મિત્રોને ફોન કરતા તેઓએ આવી તેને તાત્કાલિક સારવાર અર્થે પાટણ ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. આ બાબતે તેણે યુવતીના ભાઈ અરબાઝખાન ઉર્ફે રાજીયા સહિત ચારેય સામે ફરિયાદ નોંધાવતા ડીસા શહેર દક્ષિણ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.