રિપોર્ટ@સુરત: દુકાનમાંથી 7.25 લાખની કિંમતના 40 નંગ મોબાઈલ અને રોકડની ચોરી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ચોરીના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી ચોરીના બનાવો સામે આવતા હોય છે. ફરી એકવાર ચોરીનો બનાવ સામે આવ્યો છે. મહિધરપુરા વિસ્તારમાં હેવમોર મોબાઈલની દુકાનમાં ચોરીની ઘટના બની હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે એક રીઢા ચોરને ઝડપી પાડી તેની પાસેથી 27 મોબાઈલ અને બાઈક મળી કુલ 5.50 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. કામધંધો કરતો ના હોય અને નાણાકીય જરૂરીયાત પૂરી કરવા સારું મોબાઈલ ચોરી કરી હતી.
સુરતના મહિધરપુરા લાલ દરવાજા વિસ્તારમાં આવેલી મોટી શેરી પાસે હેવમોર મોબાઈલની દુકાનમાં ચોરીની ઘટના બની હતી. તસ્કરો દુકાનના શટરના તાળા તોડીને દુકાનમાંથી 7,25,282 રૂપિયાની કિમંતના 40 નંગ મોબાઈલ તેમજ ટેબલના ખાનામાં રહેલા રોકડા રૂપિયા 20 હજાર મળી કુલ 7,45,282 રૂપિયાનો મુદામાલ ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ મામલે મહિધરપુરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
દરમિયાન સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે પાંડેસરા વિસ્તારમાંથી આરોપી પ્રેમ લુકમાન મંડલની ધરપકડ કરી હતી તેમજ આરોપી પાસેથી 4.55 લાખની કિમંતના 27 મોબાઈલ ફોન તેમજ 50 હજારની એક બાઈક મળી કુલ 5.50 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. પોલીસની પૂછપરછમાં આરોપી હાલ કોઈ કામધંધો કરતો ના હોય અને નાણાકીય જરૂરીયાત પૂરી કરવા સારું મોબાઈલ ચોરી છૂટક વેચાણ કરી પૈસા કમાવવા હેતુથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.