રિપોર્ટ@ગુજરાત: વડોદરામાં ડોક્ટરોએ હડતાળ સમેટી, ઓપીડીમાં 50% દર્દી ઘટ્યા
6 દિવસમાં માત્ર 54 સર્જરી જ થઈ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલના સમયમાં બળત્કારનાં ગુનાઓ ખુબજ વધી ગયા છે. કોલકાતામાં ટ્રેઇની મહિલા તબીબ સાથેની દુષ્કર્મ- હત્યાની ઘટના બાદ સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ગુજરાતભરમાં છેલ્લા છ દિવસથી રેસિડન્ટ તબીબો સહિતના ડોક્ટરો હડતાલ પર હતા, પરંતુ ગતરોજ તેમની સુરક્ષાની માગણી સ્વીકારી લેતાં હડતાલ સમેટાઈ ગઈ છે. પણ વડોદરાની સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા યુજી, ઇન્ટર્ન અને રેસિડન્ટ તબીબો છેલ્લા છ દિવસથી વિરોધ નોંધાવી રહ્યા છે અને આજે 22 એગસ્ટને ગુરુવારના પણ તેમની હડતાલ યથાવત્ જોવા મળી હતી. જે બાદ સુરક્ષાની ખાતરી મળતા વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ સહિત ગોત્રી મેડિકલ કોલેજ અને અન્ય બે ખાનગી યુનિવર્સિટીના તબીબોએ હડતાળ સમેટી ફરી કામે લાગ્યા હતાં. હડતાળને પગલે સયાજી હોસ્પિટલના ઓપીડી વિભાગમાં દર્દીઓની સંખ્યામાં 50 ટકાનો ઘટાડો થયો છે. ઉપરાંત રોજની 30 સર્જરી થતી, જેની સાથે 6 દિવસમાં માત્ર 54 સર્જરી જ થઈ શકી છે.
આજરોજ મહારાણી રાધિકારાજે પેલેસથી SSG સુધી મૌન રેલી કાઢવાનું આહવાન કર્યું છે. ન્યાયની માગ કરવા અને મહિલાઓ સુરક્ષિત હોય એવી દુનિયા માટે લડવા માટે એક મૌન કૂચમાં તેમની સાથે જોડાવવા શહેરીજનોને અપીલ કરી હતી. રાત્રે 9 વાગ્યે નીકળનારી રેલીમાં કાળા રંગનો ડ્રેસ કોડ પણ રખાયો છે. આ ઉપરાંત રેસિડન્ટ ડોક્ટરની હડતાલ બાદ લાયબ્રેરીમાં સિકયુરિટીના અભાવે સૂચના લાગી છે. જેમાં મેડિકલ કોલેજમાં યુજી-પીજી લાઇબ્રેરી 24 કલાક કાર્યરત રહેતી હતી, જે હવે સવારે 9 વાગ્યાથી 5 વાગ્યા સુધી કાર્યરત રહેશે. ડીનના આ નિર્ણયથી તબીબોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
વડોદરાની સયાજી હોસ્પિટલમાં છેલ્લા છ દિવસમાં રેસિડન્ટ ડોક્ટરના અભાવે પ્રથમ દિવસે 49 સર્જરી થઈ શકી ન હતી. ત્યાર બાદ રોજની 30થી વધુ સર્જરી સામે છેલ્લા 6 દિવસમાં માત્ર 54 સર્જરી થઈ શકી છે. આ સાથે જ દિવસભર ધમધમતા સયાજી હોસ્પિટલના ઓપીડી વિભાગમાં 50 ટકાથી વધુ દર્દીઓ હોસ્પિટલમાં આવવાનું ટાળી રહ્યા છે.
શહેરની સયાજી હોસ્પિટલમાં રોજની 2,000થી વધુની ઓપીડી સામે હાલમાં માત્રા 300થી 500 દર્દીઓ આવી રહ્યા છે. ત્યારે યુજી ઇન્ટર્ન અને રેસિડન્ટ ડોક્ટરો સાથે સાથે દર્દીઓ પણ હવે હોસ્પિટલમાં આવવાનું જોખમ નથી લેતા, કારણ કે સયાજી હોસ્પિટલમાં શહેર જ નહીં, પરંતુ અન્ય રાજ્યમાંથી પણ દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. ત્યારે તેમને પરત ન જવું પડે એ માટે હાલમાં તેઓ આવવાનું ટાળી રહે છે.
આ અંગે હોસ્પિટલના આર. એમ. ઓ. ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં ઓપીડી પર હડતાલની અસર જરૂર જણાઈ છે, જેમાં 50 ટકા જેટલા દર્દીઓ આવી રહ્યા છે, પરંતુ અમારી સેવાઓ ચાલુ જ છે. પ્રથમ દિવસે 49 સર્જરી કેન્સલ કરવામાં આવી હતી. ત્યાર બાદ ઇમર્જન્સી સર્જરી હાલમાં ચાલુ છે. રેસિડન્ટ ડોક્ટરોનો વિરોધ વાજબી છે, પરંતુ એના માટે જે કોઈ રસ્તો અપનાવે એ કાયદાકીય રીતે અનુકૂળ હોય એવું અમે ઇચ્છીએ છીએ. ઇમર્જન્સી સેવા માટે પણ અમે તૈયાર છીએ, પરંતુ જો એમાં પણ હડતાલ કરવામાં આવશે તો ચોક્કસથી મુશ્કેલી સર્જાઈ શકે છે.
રાધિકા રાજે ગાયકવાડે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વીડિયો મૂકી લોકોને મૌન કૂચમાં જોડાવવા આહવાન કર્યું છે. અકલ્પનીય હિંસામાં ડોક્ટરના જીવનના સન્માન માટે કૂચનો આરંભ કરાશે. તેમણે આ સાથે જ ન્યાયની માગ કરવા અને મહિલાઓ સુરક્ષિત હોય એવી દુનિયા માટે લડવા માટે એક મૌન કૂચમાં તેમની સાથે જોડાવવા શહેરીજનોને અપીલ કરી હતી. આજે કૂચ એલવીપી બેન્કવેટ્સ ખાતે કાર પાર્કિંગ ગેટ નંબર-2થી રાત્રે 9 વાગે શરૂ કરાશે. જે એલવીપી ગેટ-1થી સયાજી હોસ્પિટલ સુધી પહોંચશે. કાળા રંગનો ડ્રેસ કોડ પણ રખાયો છે.
મહિલા તબીબે ડોક્ટર બની સફળતા પ્રાપ્ત કરી તેમજ આ ઘટનામાં તબીબના પરિવાર-સમાજની સ્થિતિ સહિતનું નાટક દર્શાવ્યું હતું. તબીબોએ જણાવ્યું હતું કે આપણું આત્મસન્માન હોય તો ગાંધીનગરથી આપણને બોલાવવા પડે એવું કરીએ. હડતાળને લઈ સયાજી હોસ્પિટલમાં દર્દીઓ પરેશાની ભોગવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, SSGના તબીબો ગાંધીનગરમાં આરોગ્યમંત્રીને રજૂઆત કરશે. તેમણે કહ્યું હતું કે સુપરિન્ટેન્ડન્ટે બધા પ્રયાસ કર્યા છે, પરંતુ સરકાર તરફથી હકારાત્મક પ્રતિભાવ નથી. હોસ્પિટલમાં 1513 બેડ છે, વર્ષે 9 લાખ ઓપીડી, 80 હજારથી વધુ દર્દી આવે છે. 1 હજાર અંડરગ્રેજ્યુએટ, 700 પોસ્ટ ગ્રેજ્યુએટ, 100 સિ.રેસિડન્ટ ડોક્ટર, 250 ઈન્ટર્ન છે. તેની સામે ફક્ત 112 સિક્યોરિટી ગાર્ડ છે. તેઓ ત્રણ શિફ્ટમાં કામ કરે છે, એટલે એક શિફ્ટમાં ફક્ત 32થી 35 જ સિક્યોરિટી ગાર્ડ હોય છે.
હાલમાં સયાજી હોસ્પિટલમાં સુરક્ષા મુદ્દે સીસીટીવી અને સિક્યોરિટી ગાર્ડ મહત્ત્વની ભૂમિકા ભજવતા હોય છે. સયાજી હોસ્પિટલનો કેમ્પસ 37 એકરમાં ફેલાયેલો છે, જેમાં 600થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, પરંતું 150થી વઘુ સીસીટીવી બંધ હાલતમાં છે, સાથે આટલા મોટા કેમ્પસમાં 500 ઉપરાંત સિક્યોરિટી ગાર્ડની જરૂરિયાત મુજબ માત્ર 112 ગાર્ડ છે, જેમાં પણ ત્રણ શિફ્ટમાં વહેંચાઈ જાય તો માત્ર 37 ગાર્ડ રહે, એમાં પણ કેટલાકની રજા હોય ત્યારે સિક્યોરિટી અંગે અનેક સવાલો ઊભા થઇ રહ્યા છે.
આ અંગે સયાજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો રંજન ઐયરે જણાવ્યું હતું કે સીસીટીવી બધી જ જગ્યાએ પર્યાપ્ત માત્રામાં નથી એવું હું માનું છું, કારણ કે સમગ્ર કેમ્પસમાં સીસીટીવી એક નાણાકીય મંજૂરી માગે એવો વિષય છે. હાલમાં અમારી પાસે જે સીસીટીવી ફૂટેજ છે એમાંથી કેટલા નુકસાનીનો ભોગ બન્યા છે, એ આપ સૌ જાણો છો કે એને નુકસાન કોણ પહોંચાડી રહ્યું છે. આ સીસીટીવીના રિપેરિંગ માટે એજન્સીને કામ આપવામાં આવેલું છે, તેને નોટિસ આપીને સમય આપવામાં આવે છે. ચાર-પાંચ દિવસમાં જેટલા પણ સીસીટીવી લાગેલા છે એ તમામ કાર્યરત થઈ જશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે કેટલીક વાર ટેક્નિકલ ખામીઓને કારણે ડીવીઆરમાં એની ક્ષમતા કરતાં વધુ સ્ટોરેજ સાથે જ કનેક્ટિવિટી માટે બનાવેલા સર્વર રૂમ માટે અન્ય કોઈ એજન્સી કામ કરતી હોય ત્યારે ક્યારેક ક્ષતિગ્રસ્ત થતા હોય છે. આ તમામ ક્ષતિગ્રસ્ત સીસીટીવીને કાર્યરત કરવા માટે એન્યુઅલ મેઇન્ટેનન્સ કોન્ટ્રેક્ટ આપેલો છે અને એ 48 કલાકમાં તમામ કાર્યરત કરશે. આ મેન કેમ્પસ 37 એકમનું કેમ્પસ છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે એસએસસી કાળક્રમે વિકાસ પામેલી સંસ્થા છે. સૌથી પહેલા બિલ્ડિંગ સયાજી હોસ્પિટલમાં 1886માં બનાવવામાં આવ્યું હતું અને ત્યાર બાદ હાલમાં આરાધના સિનેમાની બાજુમાં નવીન નિર્માણ થઈ રહ્યું છે, સાથે જ લેપ્રસી અનસોયા ગ્રાઉન્ડ ખાતે પણ હોસ્પિટલ બની રહી છે. ત્યારે આ કેમ્પસનો વિકાસ થતો હોવાના કારણે મારી સિક્યોરિટી જવાનોની જરૂરિયાત વધુ છે. આમાં 112નો મેકમ મંજૂર થયો હતો, જેમાં આખા 37 એકરના કેમ્પસમાં માત્ર 30 થી 31ગાર્ડ પોઇન્ટ મળે છે. વધારે સિક્યોરિટી માટે સરકારમાં રજૂઆત કરી છે, સાથે એજન્સી સક્ષમ હોય તેને કામ સોંપી શકાય એ માટે અમે રજૂઆત કરી છે.
આ અંગે ટેલિફોનિક વાતચીતમાં ગોત્રી હોસ્પિટલમાં આગેવાન ડોક્ટર હર્ષ વ્યાસે જણાવ્યું હતું કે અમારું આંદોલન હજુ પણ યથાવત્ છે. ગોત્રી હોસ્પિટલમાં સિક્યોરિટીને લઈ અમે લેખિત બાંયધરી માંગી છે, જ્યાં સુધી લેખિત નહીં મળે ત્યાં સુધી આંદોલન યથાવત્ રહેશે. હાલમાં કેમ્પસમાં 150 જેટલા સીસીટીવી છે અને એમાંથી અડધા બંધ હાલતમાં છે, સાથે જ 125 જેટલા સિક્યોરિટી ગાર્ડ છે, જે અમારી કોલેજ પૂરતા સિક્યોરિટી ગાર્ડ છે, સુરક્ષા અંગે અમે લેખિત બાંયધરી માગી છે.
વડોદરાની મેડિકલ કોલેજમાં યુજી/પીજી લાઇબ્રેરી 24 કલાક કાર્યર્ત રહેતી હતી જે હવે સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી કાર્યરત રહશે. લાયબ્રેરીમાં સિક્યુરિટીના અભાવે સૂચના લગાવવામાં આવી છે. એક જ સિક્યુરિટી ગાર્ડના કારણે નિર્ણય લેવામાં આવ્યો છે.