રિપોર્ટ@ગુજરાત: પાવાગઢમાં 500 વર્ષ જૂની મૂર્તિઓ તૂટતાં વિરોધ જોવા મળ્યો

મૂર્તિઓ તૂટતાં વિરોધ જોવા મળ્યો
 
રિપોર્ટ@ગુજરાત: પાવાગઢમાં 500 વર્ષ જૂની મૂર્તિઓ તૂટતાં વિરોધ જોવા મળ્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે.  પાવાગઢ મહાકાળી મંદિરનાં જૂનાં પગથિયાંની બાજુમાં સ્થાપિત કરાયેલી 500 વર્ષ જૂની જૈનોના તીર્થંકર નેમિનાથની પ્રતિમાઓને પાવાગઢ મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા કાઢી લેવામાં આવતા સમગ્ર જૈન સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ગઈકાલે (16 જૂન, 2024) બપોરે આ સમગ્ર ઘટનાની જાણ જૈન સમાજને થતાં સુરતમાં મોટી સંખ્યામાં એકઠા થયેલા જૈન સમુદાયને સંબોધતા જૈનાચાર્યએ પાવાગઢ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અશોક પંડ્યા સામે નારાજગી જાહેર કરી હતી.

આ સાથે જૈન મુનિએ આરોપ લગાવ્યો છે કે, દ્વેષબુદ્ધિથી કોઈએ મૂર્તિ તોડી પાડી છે. તો મોડીરાત્રે હાલોલમાં જૈન સમાજ પાવાગઢ પોલીસ મથકે એકઠો થતાં જિલ્લા પોલીસ વડા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જૈન સમાજના આગેવાનોએ આવેદન આપી જિલ્લા SP તેમજ કલેક્ટર સાથે વાત કરતા તેમને પ્રતિમાઓને યથાસ્થાને મૂકી દેવાની ખાતરી આપતા મધ્યરાત્રે મામલો શાંત પડ્યો હતો.

માંગણીઓ
1. મૂર્તિ ખંડિત કરનારાઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને આકરાં પગલાં ભરવામાં આવે.
2. દેરીઓ માટે સરકાર તાત્કાલિક વૈકલ્પિક જગ્યાની વ્યવસ્થા ઊભી કરી સમાજને સુપરત કરે.
3. આજથી જ જીર્ણોદ્ધારની પ્રક્રિયા શરૂ કરવામાં આવે અને યુદ્ધના ધોરણે કામ કરવામાં આવે.