રિપોર્ટ@ગુજરાત: પ્રકાશના પર્વ દિવાળીએ રાજ્યમાં આગ લાગવાથી 56 લોકો દાઝ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગઇકાલે દિવાળીનો તહેવાર હતો. દિવાળીના પ્રકાશ પર્વની રાત્રિ સમગ્ર રાજ્ય માટે આકસ્મિક ઘટનાઓથી ભરેલી રહી. ફટાકડાની ભારે આતશબાજીના કારણે આગ લાગવાના, દાઝી જવાના અને શ્વાસની બીમારીના અનેક બનાવો સામે આવ્યા હતા. અમદાવાદ શહેરમાં દિવાળીની સાંજે 5 વાગ્યાથી વહેલી સવારે 6 વાગ્યા સુધીમાં આગ લાગવાના 80 જેટલા બનાવો નોંધાયા હતા, જેમાં પીરાણા પીપળજ રોડ પરની દોરા બનાવતી ફેક્ટરીમાં લાગેલી આગમાં ફાયર બ્રિગેડે એક વ્યક્તિને બેભાન હાલતમાં બચાવી લીધો હતો.
આ ઉપરાંત, સમગ્ર રાજ્યમાં દાઝી જવાના કુલ 56 બનાવ સામે આવ્યા હતા, જેમાં સૌથી વધારે 17 લોકો અમદાવાદમાં દાઝી ગયા હતા. 108 એમ્બ્યુલન્સને સામાન્ય દિવસો કરતાં 565 વધુ, એટલે કે કુલ 5,389 ઇમરજન્સી કોલ મળ્યા હતા. રોડ અકસ્માતના 916 કોલ અને હવાની ગુણવત્તા ખરાબ થવાથી શ્વાસ લેવામાં તકલીફના 380 કોલ પણ મળ્યા હતા.