રિપોર્ટ@અમદાવાદ: ફાર્મા ફેક્ટરીમાં બોઇલર બ્લાસ્ટ થતા 6 લોકોને ઈજા પહોચી

6 લોકોને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા
 
રિપોર્ટ@અમદાવાદ: ફાર્મા ફેક્ટરીમાં બોઇલર બ્લાસ્ટ થતા 6 લોકોને ઈજા પહોચી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર બ્લાસ્ટની ઘટનાઓ સામે આવતી હોય છે. અમદાવાદ શહેરના નારોલ શાહવાડી વિસ્તારમાં આવેલા સરદાર એસ્ટેટમાં સ્ટેબિકોન વિટામીન ફાર્મા ફેક્ટરીમાં રાત્રે બોઇલર ફાટવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા પાંચથી વધુ ગાડીઓ અને ત્રણથી ચાર 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. બોઇલર ફાટતા ફેક્ટરીના માલિક સહિત છ લોકોને ઇજા થઈ હતી. તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા હાલ આગને કાબૂમાં લેવામાં આવી છે.


ફાયર બ્રિગેડના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમમાં મેસેજ મળ્યો હતો કે, નારોલ વિસ્તારમાં શાહવાડી નજીક આવેલા સરદાર એસ્ટેટમાં સ્ટેબિકોન વિટામીન ફાર્મા ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની હતી. જેથી ફાયરબ્રિગેડની પાંચ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે ત્યાં પહોંચી જોયું તો બોઈલર ફાટવાની ઘટના બની હતી. જેમાં આગ લાગતા કેટલાક લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા.

જેથી 108 એમ્બ્યુલન્સ પણ બોલાવવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ કાબૂમાં લેવામાં આવી હતી. જ્યારે ફેક્ટરીના માલિક સહિત પાંચ કર્મચારીઓ મળી કુલ છ લોકોને ઈજા થતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે, હાલ ઇજાગ્રસ્તોની હાલત કેવી છે તે અંગે હજુ સુધી જાણવા મળ્યું નથી.