રિપોર્ટ@ગુજરાત: દાંડીના દરિયામાં 7 લોકો ડૂબ્યા, 4 લોકોના મોત નીપજ્યા, 3 બચી ગયા

સલામતીના ભાગરૂપે દરિયાકિનારો ખાલી કરાવાયો
 
રિપોર્ટ@ગુજરાત: દાંડીના દરિયામાં 7 લોકો ડૂબ્યા, 4 લોકોના મોત નીપજ્યા, 3 બચી ગયા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. નવસારીના દાંડીના દરિયાકાંઠે રવિવારની રજામાં ફરવા આવેલા ત્રણ પરિવારના 7 લોકો દરિયાના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પોલીસ જવાનો અને હોમગાર્ડે 3 લોકોને ઉગારી લીધા હતા. જ્યારે માતા અને બે પુત્રો સહિત ચાર લોકો લાપતા હતા. જેઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ત્યારે 14 કલાકની બાદ 4 માંથી બે લોકોના મૃતદેહ વહેલી સવારે હાથ લાગ્યા હતા. જે બાદ અન્ય બે લોકોના પણ મૃતદેહ મળી આવ્યાં છે.

દાંડીના દરિયામાં ડૂબેલા એક જ પરિવારના 4 લોકોના મૃતદેહ મળી આવ્યાં છે. 14 કલાકની ભારે શોધખોળ બાદ પણ તરવૈયાઓને માત્ર મૃતદેહ હાથ લાગ્યા છે. યુવરાજ અને તેની માતા સુશિલાનો મૃતદેહ વહેલી સવારે અલગ અલગ જગ્યાએથી મળી આવ્યો હતો. મરીન કમાન્ડો અને ફાયર વિભાગ દ્વારા આખી રાત શોધખોળ કરાઈ હતી. ત્યારે આજે વહેલી સવારે 4 વાગ્યે ફાર્મ હાઉસ તેમજ આશ્રમની પાછળના કિનારેથી મૃતદેહ મળી આવ્યાં હતા. જ્યારે અન્ય 2 લોકોના પણ મતદેહ મળી આવ્યાં છે.


પરિવારજન મહેન્દ્ર ભાટીએ જણાવ્યું કે, બન્ને બાળકો હતા, તેમાંથી મોટો બાળક યુવરાજ રાજસ્થાનમાં બારમાં મા ભણતો હતો. તેને 12માં ધોરણમાં 70 ટકા આવ્યાં છે. જ્યારે નાનો બાળક દેશરાજ અત્યારે 10માં આવ્યો છે. પરિવાર ખુબ ગરીબ હતો. ગોપાલભાઈ કરિયાણાની નાની દુકાન ચલાવી ગુજરાન ચલાવે છે, બાળકોને પોતાના માતા-પિતા પત્યે ખુબ લાગણી હતી. ગઈકાલે તેઓ દાંડીમાં ફરવા માટે આવ્યાં હતા. ત્યારે પરિવારના ચાર લોકો તણાયા હતા.


ગઈકાલે રવિવારની રજા હોય નવસારી ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકો દાંડીના દરિયાકાંઠે ફરવા માટે આવ્યા હતા. દરિયાકાંઠે લોકો ન્હાવાની મોજ માણી રહ્યા હતા ત્યારે અલગ અલગ ત્રણ પરિવારોના 7 લોકો ડૂબ્યા હતા. જેમાં બે પરિવારના વિપુલભાઈ ઈશ્વરભાઈ હળપતિ, રાકેશ અને અતિશ નામના ત્રણ વ્યકિતને બચાવી લેવાયા હતા.


નવસારીમાં રહેતા સુશિલાબેન નામના મહિલા તેમના પુત્ર યુવરાજ (ઉ.વ.20) , દેશરાજ (ઉ.વ.15) અને રાજસ્થાનથી ફરવા આવેલી બહેનની દીકરી દુર્ગા (ઉ.વ. 17) સાથે દાંડી ફરવા આવ્યા હતા. જે ચારેય લોકો દરિયાના પાણીમાં ગરકાવ થયા છે. તેઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં આજે સવારે યુવરાજ અને સુશિલાનો મૃતદેહ મળી આવ્યાં બાદ અન્ય બે લોકોના પણ મતદેહ મળી આવ્યાં છે.


દાંડીના પૂર્વ સરપંચ પરિમલ પટેલે જણાવ્યું હતું કે, અત્યારે દરિયામાં મોટી ભરતી છે. ભરતીના પાણીમાં પ્રવાસીઓ અંદર જાય છે, એ લોકોને પાણીનો ખ્યાન નથી આવતો. જે ઘટના બની છે એ ઘટના પણ ભરતીનું પાણી વધુ હોવાના કારણે બની છે. સરકાર અહીં એક બોર્ડ લગાવે કે દરિયાના પાણીમાં અંદર સુધી કોઈ જાય નહીં જેથી જાનહાનિ થાય નહીં.

દાંડીના દરિયામાં મોટી ભરતી હોય ચાર લોકો ડૂબી ગયાની જાણ થતા નવસારી-વિજલપોર ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ચૂકી છે. ફાયરની ટીમ ઉપરાંત સ્થાનિક તરવૈયાઓ બોટની મદદથી દરિયામાં શોધખોળ કરી રહ્યા છે. જલાલપોર પોલીસની ટીમે પણ દાંડીના દરિયાકિનારે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.


રવિવારની રજા હોય અને ગરમી હોય નવસારી ઉપરાંત આસપાસના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ દાંડીના દરિયાકિનારે ફરવા માટે પહોંચ્યા હતા. જો કે, બપોરના સમયે સહેલાણીઓના ડૂબી જવાની ઘટના બનતા જલાલપોર પોલીસે સલામતીના ભાગરૂપે અન્ય સહેલાણીઓને દરિયાકિનારેથી દૂર કરી દીધા હતા.