રિપોર્ટ@પાટણ: સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન સમયે એક જ પરિવારના 7 લોકો ડૂબ્યા, 4નાં મોત

સ્થાનિક લોકોએ સાડી અને કપડા નાંખતા 3 જણા તે પકડી બહાર નીકળી જતા બચી ગયા છે.
 
રિપોર્ટ@પાટણ: સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન સમયે એક જ પરિવારના 7 લોકો ડૂબ્યા, 4નાં મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલાક બનાવો સામે આવતા હોય છે. પાટણની સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન કરવા માટે આવેલા 7 લોકો પાણીમાં ડૂબી ગયા હતા. જેમાં પ્રજાપતિ સમાજના 2 દીકરા અને તેની માતા તેમજ તેમના મામા મળી એક જ પરિવાર 4 લોકો પાણીમાં ડૂબી જતાં મોત થયા છે. જ્યારે હારિજના પંડિત પરિવારના બે ભાઈ અને બહેનને બચાવી લેવાયા હતા. ઘટનાને પગલે ભારે દોડધામ મચી હતી. નદીમાં તાત્કાલિક પાણીનો પ્રવાહ બંધ કરી દેવામાં આવ્યો હતો. પાટણમાં બુધવારેે સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન કરવા માટે આવેલા લોકોમાંથી સાત લોકો મોડી સાંજે નદીમાં પાણીથી ભરેલા ખાડામાં ડૂબી ગયા હતા. જેમાં વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ સમાજના એક જ પરિવારના 4 લોકો શીતલબેન નીતિશભાઈ પ્રજાપતિ, તેમના બે દીકરા દક્ષ નીતિશભાઈ પ્રજાપતિ, જીમિત નિતિશ ભાઈ પ્રજાપતિ અને તેમનો ભાઈ નયન રમેશભાઈ પ્રજાપતિ પાણીમાં ડૂબી જતા મોત થયા છે.

જ્યારે સ્થાનિક લોકોએ હારિજના પંડિત પરિવારના નિશાબેન પંડિત તેમના 2 ભાઈ વિશાલભાઈ પંડિત મેહુલભાઈ પંડિતને બચાવી લીધા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે જનતા હોસ્પિટલ ખાતે આઈસીયુમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે કલેક્ટર અરવિંદ વિજયન, એસ.પી ડો રવિન્દ્ર પટેલ પ્રાંત અધિકારી મિતુલ પટેલ સહિત તંત્રના અધિકારીઓ અને પોલીસ તેમજ પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને ભાજપ કોંગ્રેસના આગેવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. ડૂબેલા બાળકને બચાવવા જતાં સાત ડૂબ્યા પાટણ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ભરતભાઈ ભાટીયાએ જણાવ્યું હતું કે વિસર્જન કરવા આવેલા લોકોમાંથી સૌથી પહેલા એક બાળક ડૂબ્યો હતો. તેને બચાવવા જતાં ક્રમશઃ 7 લોકો ડૂબ્યા હતા. સ્થાનિક લોકોએ સાડી અને કપડા નાંખતા ત્રણ જણા તે પકડી બહાર નીકળી જતા બચી ગયા છે.

હારિજના પ્રેમચંદભાઈ પંડિતે જણાવ્યું હતું કે તેમના દીકરા વિશાલભાઈ પંડિત પાટણ શાકુંતલ ગ્રીનમાં રહે છે. તેમના ઘરે ગણપતિ ની સ્થાપના કરી હોવાથી સાંજે વિસર્જન કરવા માટે નદીમાં ગયા હતા. ત્યારે ચાર લોકો નદીમાં ખાડામાં ડૂબ્યા હતા તેમને બચાવવા માટે તેમના મોટા દીકરા વિશાલ પંડિત ને તરતા આવડતું ન હોવા છતાં તેમણે પાણીમાં પડતું મુકતા ડૂબી ગયા હતા તેને જોઈ તેનો ભાઈ મેહુલ પંડિત પણ તેને બચાવવા કુદી ગયો હતો તે પણ ડૂબી જતા તેને બચાવવા તેની બેન નિશા પંડિતે પણ પડતું મુકતા તે પણ પાણીમાં ડૂબવા લાગી હતી સ્થાનિકોએ સાડી જેવા વસ્ત્રો નાંખતા વિશાલ અને નિશા બહાર નીકળી ગયા હતા. પરંતુ મેહુલ અંદર હતો કોઈ વ્યક્તિએ તેને બહાર કાઢ્યો હતો પરંતુ તે પાણી વધાર પી ગયેલો હતો ત્યાં આગળ તેને ઊંધો સુવાડી પાણી કાઢી ત્રણેને 108 એમ્બ્યુલન્સમા જનતામાંં રવાના કર્યા હતા.

તરવૈયા શોધખોળ માટે કામે લાગ્યા નદીમાં ડૂબેલા લોકોની શોધખોળ કરવા માટે પાલિકાના ફાયર બ્રિગેડ ના છ, સિધ્ધપુરના ત્રણ અને મહેસાણાના છ તરવૈયા મળી કુલ 15 તરવૈયાઓની ટીમ કામે લાગી હતી. 15 જેટલા ટ્રેક્ટર અને જી.સી.બીની લાઈટો કરી રાત્રે શોધખોળ કરવામાં આવી હતી. જેમાં સૌપ્રથમ જીમિત પ્રજાપતિનો મૃતદેહ મળ્યો હતો. ત્યારબાદ તેનો ભાઈ દક્ષ પ્રજાપતિ, માતા શીતલબેન પ્રજાપતિ અને શીતલબેનના ભાઈ નયનભાઈ પ્રજાપતિ નો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પાટણ સિવિલ લવાયા હતા. વાંસને દાતરડું લગાવી પાણીમાં ફેરવતા ડૂબી ગયેલા લોકોને શોધવામાં તરવૈયાઓને મદદ મળી હતી. તેવું તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું.