રિપોર્ટ@રાજકોટ: ઢોર ડબ્બામાં 3 મહિનામાં 756 પશુના મોતનું કોર્પોરેશન દ્વારા સ્વીકાર

PMના ઘરે આવે તો ગાય માતા અને ઢોર ડબ્બામાં મરેલી ગાય કોણ? માત્ર જ સ્ટેટસ મૂકવું જ ગૌભક્તિ નથી

 
રિપોર્ટ@રાજકોટ: ઢોર ડબ્બામાં 3 મહિનામાંજ 756 પશુના મોતનું કોર્પોરેશન દ્વારા સ્વીકાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં 3 મહિનામાં 756 પશુઓના મોત નીપજ્યા છે.  જેના કારણે કેટલાક સવાલો ઉભા થયા છે. રાજકોટના ઢોર ડબ્બામાં 3 મહિનામાંજ 756 પશુના મોત થયાનું કોર્પોરેશન દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે. ઢોર ડબ્બાના હૃદયદ્રાવક દૃશ્યો પણ સામે આવ્યાં છે. જેમાં વાછરડીઓ ભૂખના કારણે વાયરો ખાય રહી છે. ગૌ માતાના ભૂખ અને ઠંડીથી ઠુઠવાઈને મોત નીપજ્યા હોવાથી તંત્રો અને વ્હોટ્સએપ પરના ગૌ ભક્તો સામે રોષ ઠાલવતા માલધારી આગેવાને જણાવ્યું હતું કે, શું વડાપ્રધાન ઘરે ગાય આવે તો જ માતા છે? મોદીનાં ઘરમાં ગાય માતાનું આગમન થતા વોટ્સએપ ગૌ પ્રેમીઓ દ્વારા તેનું સ્ટેટસ મુકવામાં આવ્યું હતું. પરંતુ હકીકતમાં થતા ગાય માતાના મોત માટે તેઓ ચૂપ કેમ છે?

ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં ગઈકાલે જનરલ બોર્ડની બેઠક મળી હતી. જેમાં કોંગ્રેસના કોર્પોરેટર કોમલબેન ભારાઈ દ્વારા ઢોર ડબ્બાને લઈને સવાલ કરવામાં આવ્યા હતા. જવાબમાં રાજકોટનાં ઢોર ડબ્બામાં 3 મહિનામાં 756 પશુઓનાં મોત થયાનો મહાનગરપાલિકા દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે. તેમજ આ સમયગાળા દરમિયાન જીવદયા ટ્રસ્ટને ઢોરનાં નિભાવ માટે રૂ. 17.86 લાખની ગ્રાન્ટ ચૂકવવામાં આવી હોવાનું જણાવાયું છે. જોકે, ચોમાસાને કારણે વધુ પશુઓ મૃત્યુ પામ્યાનો તંત્ર દ્વારા બચાવ કરવામાં આવ્યો છે.

કોંગ્રેસના કોર્પોરેટર કોમલબેન ભારાઈ દ્વારા જનરલ બોર્ડમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, 15 જૂન-2024 સુધીમાં ઢોર ડબ્બામાં કેટલા ઢોર હતા અને કેટલા ઢોર આજ સુધીમાં મૃત્યુ પામ્યા છે? આ સવાલનો લેખિત જવાબ આપતાં મહાનગરપાલિકાની એ.એન.સી.ડી શાખા દ્વારા જણાવાયું હતું કે, 15 જૂન-2024નાં ઢોર ડબ્બામાં કુલ 1345 ઢોર હતા, જેમાં 166 ગાય, 85 વાછરડી, 210 બળદ-ખૂંટ, 875 વાછરડા, 5 પાડી અને 4 બકરીનો સમાવેશ થાય છે. આ પૈકી 12 સપ્ટેમ્બર, 2024 સુધી 756 ઢોર મૃત્યુ પામ્યા છે.


સાથે સાથે એમ પણ જણાવાયું છે કે, મોટા પશુઓ જેમાં ઘોડા, ગાય, બળદ-ખૂટ સહિતને દરરોજ 20 કિલો અને નાના પશુ જેમાં બકરી, વાછરડી, પાડી સહિતને 10 કિલો દૈનિક ઘાસચારો આપવામાં આવતો હોય છે. પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે, જો નિયમ પ્રમાણે ઘાસચારો તેમજ સારવાર આપવામાં આવી રહી હોય તો પછી માત્ર 3 મહિનામાં આટલા બધા પશુઓ મૃત્યુ કેવી રીતે પામે? મનપા દ્વારા મોટા પશુના નીભાવ માટે જીવદયા ટ્રસ્ટને પ્રતિ ઢોર દીઠ પ્રતિ દિવસ 50 અને નાના ઢોર માટે પ્રતિ ઢોર દીઠ પ્રતિ દિવસ 35 રૂપિયા ગ્રાન્ટ ચૂકવવામાં આવે છે. આ રીતે જોવા જઈએ તો મનપા દ્વારા સંસ્થાને આ સમયગાળા દરમિયાન રૂ. 17.86 લાખની ગ્રાન્ટ પણ ચૂકવવામાં આવી છે.


મહાપાલિકા દ્વારા રસ્તે રખડતાં ઢોર જપ્ત કરીને તેને રામવન પાસે બનાવવામાં આવેલા ઢોર ડબ્બામાં રાખવામાં આવે છે. અહીં ઢોર રખાયા બાદ તેની તમામ પ્રકારની સાર-સંભાળ, સારવાર સહિતની જવાબદારી સામાજિક સંસ્થા જીવદયા ટ્રસ્ટને સોંપવામાં આવી છે. જો કે, સંસ્થા પોતાની જવાબદારી નીભાવવામાં ઉણી ઉતરી રહી હોય તેવું પશુપ્રેમીઓને લાગી રહ્યું છે. કેમ કે, માત્ર 3 મહિનામાં ઢોર ડબ્બામાં રહેલા 756 પશુઓના મોત નિપજ્યા હોવાનો સત્તાવાર એકરાર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે.


.

આ અંગે માલધારી આગેવાન રણજીત મૂંધવાએ જણાવ્યું હતું કે, ત્રણ મહિનામાં 756 પશુઓ એટલે કે, ગાય માતાનાં મોત થયા છે. આ પશુઓની જવાબદારી સંભાળતા ટ્રસ્ટને છેલ્લા ત્રણ મહિનામાં 17 લાખ રૂપિયાથી વધુ રકમની ચૂકવણી કરવામાં આવી છે. છતાં નીરણ એટલે કે, ઘાસચારો અને પાણીની સુવિધાના અભાવે ગાય માતાનાં મોત થઈ રહ્યા છે. ત્યારે મનપાએ વિચારવું જોઈએ કે, જીવદયા ટ્રસ્ટ જીવ હત્યા તો નથી કરતું ને? વડાપ્રધાનનાં ઘરમાં ગાય માતાનું આગમન થતા વોટ્સએપ ગૌપ્રેમીઓ દ્વારા તેનું સ્ટેટસ મુકવામાં આવ્યું હતું. પરંતુ હકીકતમાં થતા ગાય માતાના મોત માટે તેઓ ચૂપ કેમ છે?


વધુમાં તેમણે જણાવ્યું હતું કે, શું દિલ્હીમાં વડાપ્રધાન મોદીનાં ઘરે આવે તો જ ગાય માતા છે? તો વોટ્સએપ ગૌપ્રેમીઓએ ઢોર ડબ્બામાં થતા ગાયોનાં મોત મામલે મનપા સામે સવાલ ઉઠાવવાની જરૂર છે. ઢોર ડબ્બામાં હાલમાં કોઈને જવા દેવામાં આવતા નથી. કારણ ત્યાં હૃદયદ્રાવક દૃશ્યો હોય છે. ગાય માતા અને વાછરડાને પૂરતો ખોરાક મળતો ન હોવાથી તેઓ વાયર ખાતા હોય તેવા વીડિયો સામે આવ્યા છે. થોરાળા પોલીસ સ્ટેશન ખાતે આ મામલે નામજોગ ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. માત્ર મારું નિવેદન લઈ વાત પૂરી કરવામાં આવી છે. ત્યારે ગાય માતાનાં મોત માટે જવાબદાર હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી મારી માંગ છે.


આ અંગે મહાપાલિકાના વેટરનરી ઓફિસર ડૉ. ભાવેશ જાકાસણિયાએ જણાવ્યું હતું કે, 95 દિવસ દરમિયાન જે 756 ઢોર મૃત્યુ પામ્યા છે. તેમાં ગાયની સંખ્યા 108 છે. ઉપરાંત ખૂંટિયા અને મોટા વાછરડાની સંખ્યા વધુ છે. કેમ કે, તેમને પૂરતું પોષણ ન મળ્યું હોવાથી મોતને ભેટ્યા હોઈ શકે છે. હાલ મહાનગરપાલિકાના ઢોર ડબ્બામાં 1120 જેટલા ઢોર રહેલા છે. સામાન્ય રીતે ઢોર ડબ્બામાં વધુ બીમાર અને વૃદ્ધ પશુઓ આવતા હોય છે. ચોમાસામાં આવા પશુઓનાં મોત થતા હોય છે. રાજકોટમાં ઢોર ડબ્બા રહેલા પશુઓનાં નિભાવ માટે જીવદયા ટ્રસ્ટને પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ અપાયો છે. જેને આવતા મહિને બે વર્ષ પૂર્ણ થશે. ખાસ કરીને પશુઓનાં મૃત્યુ થવા પાછળ ચોમાસાની ઋતુ પણ જવાબદાર હોવાની શક્યતા છે.