રિપોર્ટ@કચ્છ: બાઇકો ભરેલા બોડી પેક ટ્રેલરમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ભાગદોડ મચી
ફાયર વિભાગની સમયસરની કામગીરીથી મોટું આર્થિક નુકશાન થતા અટક્યું હતું.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં આગ લાગવાની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. ગાંધીધામ શહેરમાં આજે બુધવાર સાંજે ઈલેક્ટ્રિક બાઇકો ભરેલા બોડી પેક ટ્રેલરમાં અચાનક આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. ટ્રેલરની ચાલક કેબિનમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠતા આસપાસના વિસ્તારમાં ભાગદોડ મચી ગઇ હતી.
ઘટના અંગેની જાણ તંત્રને કરવામાં આવતા સુધારાઈ હસ્તકના ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી ફાયર ફાયટર વડે આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાઈ હતી. ફાયર વિભાગની સમયસરની કામગીરીથી મોટું આર્થિક નુકશાન થતા અટક્યું હતું.
આગની ઘટના અંગે ગાંધીધામ નગરપાલિકાના હેમંત ગાગલાણીનો સંપર્ક કરતા તેમણે વિગતો આપતા જણાવ્યું હતું કે, અમદાવાદથી ગાંધીધામ બજાજ શો રૂમની પાછળ ગોડાઉનમાં ઇલેક્ટ્રિક બાઇકોની ડિલિવરી આપવા આવેલા ટ્રેલર રોટરી સર્કલ નજીક ડો.બાબા સાહેબ આંબેડકર કન્વેનશન સેન્ટર સામેથી પસાર થતું હતું ત્યારે અચાનક તેની ચાલક કેબિનમાં આગ ભભૂકી ઉઠી હતી, આગની જ્વાળાઓ સંપૂર્ણ ટ્રેલરમાં ફેલાય તે પહેલાં ફાયર વિભાગે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઇ આગને કાબુમાં લીધી હતી. આગ બુઝાવની કામગીરીમાં ફાયરના કિરણ ચુડા સહિતના જોડાયા હતા.