રીપોર્ટ@રાજકોટ: યુવકને મરવા મજબુર કરનાર પોલીસ કર્મી સામે ફરિયાદ નોધાઇ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સતાપર ગામના દલિત યુવક રમેશભાઇ સોહેલિયાને તેની પત્નીએ કરેલ આપઘાત કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપી ટોર્ચરિંગ કરતાં પોલીસ કોન્સ્ટેબલ અશોક ડાંગરના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. યુવકે સારવાર દરમિયાન બનાવેલ વિડીયોના આધારે મૃતકના ભાઈની ફરિયાદ પરથી પોલીસ કર્મી અશોક ડાંગર સામે કોટડાસાંગાણી પોલીસ મથકમાં 306 કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.
બનાવ અંગે કોટડાસાંગાણીના સતાપર ગામમાં રહેતાં જીગ્નેશભાઈ અરજણભાઇ સોહેલિયા (ઉ.વ.35) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે કોટડાસાંગાણી પોલીસ મથકના કોન્સ્ટેબલ અશોક ડાંગરનું નામ આપ્યું હતું. વધુમાં ફરિયાદીએ જણાવ્યું કે, તેઓ તેના માતા હંસાબેન, મૃતક મોટાભાઈ રમેશ ઉર્ફે જીતો અરજણભાઇ સોહલીયા તેમજ રમેશભાઈના બે પુત્રી અને એક પુત્ર સાથે રહે છે. રમેશભાઇના પત્ની રતનબેન ગઈ તા.03/08/2023 સતાપર ગામે આવેલ રહેણાંક મકાને પોતાની જાતે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
જેની તપાસ કર્તા કોટડાસાંગાણી પોલીસ મથકના અશોકભાઇ ડાંગરે મારા ભાઈને ચાર-પાંચ વખત બોલાવી બેસાડી રાખી નિવેદન લીધેલ ન હતા. તેમજ ગઇ તા.12/09/2023 ના રોજ રમેશભાઈને કોટડાસંગાણી પોલીસનો ફોન આવેલ કે, તે તારા પત્નીને મારી નાખી છે, તને હવે ગુન્હામા ફિટ કરી દેવો છે ફોન કરનાર પોલીસ કર્મી અશોકભાઇ ડાંગર જેઓ અવાર-નવાર શારીરીક માનસીક ત્રાસ આપતા હતા અને પોલીસ સ્ટેશનમા બેસાડી રાખતા જેના કારણે મારા ભાઇએ ગઈ કાલ તા.12/09/2023 ના બપોરના સાડા ત્રણેક વાગ્યે ઘઉંમા નાખવાના ઝેરી ટીકડા અમારી સતાપરમાં આવેલ દુકાનમાં ખાવા મજબુર થવુ પડ્યુ છે.
જે બાદ મારા ભાઇનું સારવાર દરમ્યાન દોશી હોસ્પીટલમાં તા.12/09/2023 ના સાંજના મોત થયેલ થયેલ હતુ. તેમજ મારા ભાઈએ મરણ પહેલા એક વીડીયો રેકોર્ડીંગ કરેલ હોય જે વિડીયોના આધારે ફરીયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે, રમેશભાઇ સોહલીયાના મોત બાદ તેમના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જ્યાં મોટી સંખ્યામાં એકઠાં થયેલ દલિત સમાજના આગેવાનોએ જ્યાં સુધી યુવકને મરવા મજબુર કરનાર પોલીસ કર્મી સામે ગુનો ન નોંધાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી ધરણા લર બેસી ગયાં હતાં. બાદમાં રાજકોટ ગ્રામ્ય પોલીસના ડીવાયએસપી સહિતનો કાફલો હોસ્પિટલે દોડી આવ્યો હતો અને મૃતકના પરિવારની માંગણી સ્વીકારી પોલીસ કર્મી સામે ગુનો નોંધી કાર્યવાહી કરતા પરિવારજનો અને સમાજના આગેવાનોએ મૃતદેહ સ્વીકારી લીધો હતો.