રિપોર્ટ@ગુજરાત: વિદેશી વિદ્યાર્થીઓ સાથે થયેલી મારામારીની ઘટનામાં ગામ્બિયા દેશનું ડેલિગેશન હોસ્ટેલની મુલાકાત માટે પહોચ્યું

હોસ્ટેલમાં પોતાના દેશના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી
 
રિપોર્ટ@ગુજરાત: વિદેશી વિદ્યાર્થીઓ સાથે થયેલી મારામારીની ઘટનામાં ગામ્બિયા દેશનું ડેલિગેશન હોસ્ટેલની મુલાકાત માટે પહોચ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં મારા-મારીની ઘટનાઓ ખુબજ વધી  ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી મારા-મરીના બનાવ સામે આવતા હોય છે.  ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે થયેલી મારામારીની ઘટનામાં ગામ્બિયા દેશનું ડેલિગેશન હોસ્ટેલની મુલાકાત માટે ગુજરાત યુનિવર્સિટી પહોંચ્યું હતું. આ સાથે અફઘાનિસ્તાનના કોન્સ્યુલ જનરલ ઝાકિયા વરદાક પણ આવી શકે. વિદ્યાર્થીઓનાં સૂત્રોથી દિવ્ય ભાસ્કરને માહિતી મળી હતી કે બનાવના બીજા જ દિવસે એટલે કે રવિવારે બધા દેશના વિદ્યાર્થીઓના પ્રતિનિધિઓએ વીડિયો-કોન્ફરન્સથી યુનાઈટેડ નેશન્સમાં આખા બનાવની જાણ કરી હતી. સૂત્રોના કહેવા પ્રમાણે વિદેશી વિદ્યાર્થીઓ યુનાઈટેડ નેશનને આ બનાવમાં પગલાં લેવા રજૂઆત કરી હતી. હવે વિદેશના ડિપ્લોમેટ્સના ડેલિગેશન્સ, રાજ્યના CM અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ડીજી અને અમદાવાદના કમિશનરને મળીને રજૂઆત કરી શકે.

બેઠક પૂર્ણ થયા બાદ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિનું નિવેદન
કુલપતિ નીરજા ગુપ્તાએ નિવેદન આપતા જણાવ્યું કે, ગામ્બિયા દેશના DCM, ફર્સ્ટ સેક્રેટરી અને વિદ્યાર્થી પ્રતિનિધિ ગુજરાત યુનિવર્સિટી પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓની મુલાકાત લઈ તેમની સાથે ચર્ચા કરીને સલામતીની ખાતરી કરી હતી, ટીમને સંતોષ થયો છે. ટીમે જણાવ્યું કે, અમને તમારી કાર્યવાહીથી સંતોષ છે. એમને ખાતરી મળી છે કે વિદ્યાર્થીઓ સલામત છે. આગામી શુક્રવારે અફઘાનિસ્તાનના કોન્સ્યુલ ગુજરાત યુનિવર્સિટી આવશે. અમે કોઈ વિદેશી વિદ્યાર્થીની ક્યાંય ફરિયાદ કરી નથી.


ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે થયેલી મારામારી અને તોડફોડ મામલે આંતરરાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાઈ છે. બનાવના બે દિવસ બાદ હવે અલગ અલગ દેશોના હાઈ કમિશન ગુજરાત યુનિવર્સિટી આવવાનાં શરૂ થયાં છે. આજે ગામ્બિયા દેશનું હાઈ કમિશન ગુજરાત યુનિવર્સિટી પહોચ્યું હતું. તેમના દેશના વિદ્યાર્થીઓ સાથે બેઠક કર્યા બાદ હાઈ કમિશને કુલપતિ સાથે બેઠક કરી હતી.


હોસ્ટેલમાં અલગ અલગ દેશના 70થી વધુ વિદ્યાર્થીઓ રહે છે. ગામ્બિયા દેશના 26 વિદ્યાર્થી ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. વિદેશી વિદ્યાર્થીઓ સાથે થયેલી મારામારી બાદ હવે અન્ય દેશોએ આ મામલે નોંધ લીધી છે. વિદ્યાર્થીઓની સ્થિતિ જાણવા આજે ગામ્બિયા હાઈ કમિશનની ટીમ અમદાવાદ પહોંચી હતી. કમિશને હોસ્ટેલમાં પોતાના દેશના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી.


વિદ્યાર્થીઓને મળ્યા બાદ હાઈ કમિશન ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને મળવા યુનિવર્સિટી પહોચ્યું હતા. કુલપતિ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ચર્ચા કરવામાં આવી હતી. 4 સભ્યની ટીમ અને કુલપતિ વચ્ચે બેઠક ચાલી હતી. આ ઉપરાંત બુધવારથી શુક્રવારની વચ્ચે અફઘાનિસ્તાનના કોન્સ્યુલ જનરલ પણ અમદાવાદ આવશે અને વિદ્યાર્થીઓને મળશે.

શું હતી સમગ્ર ઘટના...
16 માર્ચના રોજ મોડીરાત્રે ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અફઘાની અને અન્ય વિદ્યાર્થીઓ પર કેસરી ખેસ પહેરીને આવેલા કેટલાક લોકોએ હુમલો કર્યો હતો. એક ટોળું હોસ્ટેલની પ્રિમાઈસીસમાં ઘૂસ્યું હતું અને વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારામારી કરી હતી. આ સાથે જ વિદ્યાર્થીઓ પર પથ્થરમારો કરી હોસ્ટેલમાં તોડફોડ પણ કરી હતી. આ સમગ્ર ઘટનાના વીડિયો પણ સામે આવ્યા હતા. ત્યાર બાદ અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક, ધારાસભ્ય કૌશિક જૈન અને કુલપતિ નીરજા ગુપ્તા SVP હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને મળ્યા હતા.

16 માર્ચની રાત્રે ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલના એ બ્લોકમાં ઘટના બની અને ત્યાર પછી શું શું થયું અને બીજા દિવસે એટલે કે 17 માર્ચે ગૃહ રાજ્યમંત્રીથી લઈને રાજ્ય પોલીસવડા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ કેસમાં શું શું કર્યું એ અંગેની એક એક પળનો ઘટનાક્રમ...

16 માર્ચની રાતનો ઘટનાક્રમ

 • 10.30-હોસ્ટેલના A બ્લોકમાં 20-25 માણસનું ટોળું આવ્યું
 • 10.51- પોલીસ કંટ્રોલરૂમમાં મેસેજ મળ્યો
 • 10.56- PCR વાન ઘટનાસ્થળે પહોંચી
 • 11.26 - ગુજરાત યુનિવર્સિટી પીઆઈ પહોંચ્યા

17 માર્ચનો સવારનો ઘટનાક્રમ

 • 5.30- અસદ્દુદ્દીન ઓવૈસીએ ટ્વીટ કર્યું.
 • 9.30- ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ 10 વાગ્યે બેઠક બોલાવી.
 • 9.57-IBના વડા આર.બી બ્રહ્મભટ્ટ સર્કિટ હાઉસ પહોંચ્યા.
 • 9.58-રાજ્યના DGP અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સર્કિટ હાઉસ પહોંચ્યા.
 • 10.00-પોલીસ કમિશનર જી.એસ.મલિક અને ક્રાઇમ બ્રાન્ચ JCP નીરજ બડગુજર સર્કિટ હાઉસ પહોંચ્યા.
 • 10.25-ઝોન 1ના ઇન્ચાર્જ ડીસીપી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે પહોંચી.
 • 10.30- સાયબર ક્રાઇમ DCP અજિત રાજિયન સર્કિટ હાઉસ પહોંચ્યા.
 • 11.00- ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક પૂર્ણ થઈ.
 • 11.20-પોલીસ કમિશનર જીએસ મલિક, ક્રાઈમ બ્રાન્ચ જેસીપી નીરજ બડબુજર, સાયબર ક્રાઇમ ડીસીપી અજિત રાજિયન, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાએ ઘટનાસ્થળની મુલાકાત લીધી.
 • 11.22-રૂમ નંબર 23ની પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી.
 • 11.25- પોલીસ કમિશનર અને ઇન્ચાર્જ ડીસીપીએ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પાસેથી હોસ્ટેલ અંગેની માહિતી મેળવી.
 • 11.32-પોલીસ કમિશનર દ્વારા સિક્યોરિટી ગાર્ડની પૂછપરછ કરવામાં આવી.

આ મામલે પોલીસની 9 ટીમ તપાસમાં
મીડિયા સાથેની વાતચીતમાં પોલીસ કમિશનર જી. એસ. માલિકે જણાવ્યું હતું કે મોડીરાત્રે 10.51 વાગ્યે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન થયો હતો અને 10.56ને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. 20થી 25 લોકોનું ટોળું યુનિવર્સિટીની હોસ્ટેલમાં A બ્લોકમાં પહોંચ્યું હતું. રમજાન મહિનો હતો, જેથી કેટલાક વિદ્યાર્થીઓ નમાઝ પઢી રહ્યા હતા. કેટલાક લોકોનું ટોળું આવી કહેવા લાગ્યું, તમારે અહીં નમાઝ પઢવી જોઈએ નહીં, મસ્જિદમાં નમાઝ પડવી જોઈએ. ત્યાર બાદ તેમણે બોલાચાલી અને ઝપાઝપી કરી હતી. રૂમમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. મોડીરાત્રે ગુજરાત યુનિવર્સિટી પોલીસ દ્વારા 20થી 25 લોકોનાં ટોળાં વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ડીસીપી અને ચાર ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. ટોળામાં હુમલો કરનારી એક વ્યક્તિની ઓળખ થઈ ચૂકી છે. સાંજ સુધીમાં પોલીસ દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવશે. પોલીસ દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે. અલગ-અલગ નવ ટીમ દ્વારા આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. મોડી સાંજ સુધીમાં સમગ્ર ઘટના બાબતે વિગત બહાર આવશે.


ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ નમાઝ કરતા હતા, એ દરમિયાન કેટલાક યુવકો ત્યાં આવ્યા હતા, જેથી બંને જૂથ વચ્ચે ઘર્ષણ થતાં મામલો ઉગ્ર બન્યો હતો. બહારથી આવેલા યુવકોએ વિદેશી વિદ્યાર્થીઓને માર્યા હતા. એ મામલે અમે તાત્કાલિક ફરિયાદ નોંધાવી છે. માત્ર નમાઝનો જ વિવાદ નહોતો. પહેલેથી બન્ને ગ્રુપની વચ્ચે આ ચાલતું હતું. એ તપાસનો વિષય છે, વિદેશી વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાં નમાઝ કરવી કે નહીં એ મુદ્દે અમે વિદેશી વિદ્યાર્થીઓનું કલ્ચરલ ઓરિયેન્ટેશન(જે-તે દેશની સંસ્કૃતિ અનુકૂળ વલણ) કરીશું તેમજ સુરક્ષા વધે એવી વ્યવસ્થા કરીશું. પોલીસ પાસે તમામ વીડિયો પહોંચી ગયા છે. આ આખો પોલીસ તપાસનો વિષય છે.


દરિયાપુરના ભાજપના ધારાસભ્ય કૌશિક જૈન પણ ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલ ખાતે પહોંચ્યા હતા. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જે લોકો દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ કમિશનર દ્વારા આ જગ્યાની મુલાકાત લેવામાં આવી હતી. જે પણ લોકો હશે તેમની સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે.


હાલમાં પોલીસ કમિશનર જી. એસ. મલિક, ક્રાઈમ બ્રાન્ચ જેસીપી નીરજ બડબુજર, સાઇબર ક્રાઇમ ડીસીપી અજિત રાજિયાન, ગુજરાત યુનિવર્સિટી કુલપતિ નીરજા ગુપ્તા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી છે. આ સાથે જ રૂમ નંબર 23માં પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી છે. પોલીસ કમિશનર અને ઇન્ચાર્જ ડીસીપીએ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પાસેથી હોસ્ટેલ અંગેની માહિતી મેળવી છે. પોલીસ કમિશનર દ્વારા સિક્યોરિટી ગાર્ડની પણ પૂછપરછ કરવામાં આવી છે.


આ મામલે હર્ષ સંઘવીએ શાહીબાગ સર્કિટ હાઉસમાં બેઠક બોલાવી હતી, જેમાં IBના વડા આર.બી. બ્રહ્મભટ્ટ, રાજ્યના DGP, અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિક, ક્રાઇમ JCP નીરજ બડગુજર, સાયબર ક્રાઇમના DCP અજિત રાજિયાન સહિતના સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. બેઠક બાદ હર્ષ સંઘવી સહિતના બેઠકમાં હાજર અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે, સાથે જ ક્રાઈમ બ્રાન્ચ અને ઇન્ચાર્જ ઝોન 1 ડીસીપી દ્વારા સમગ્ર હોસ્ટેલમાં તપાસ કરવામાં આવી રહી છે.


ગઈકાલે રાતે ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં A બ્લોકમાં વિદેશી વિદ્યાર્થીઓને માર મારવાની ઘટના સામે આવી છે. હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ નમાઝ કરી રહ્યા હતા, એ દરમિયાન માર મારવામાં આવ્યો હોવાની વિગત મળી છે. અજાણ્યા લોકોનું ટોળું હોસ્ટેલની પ્રિમાઈસીસમાં ઘૂસ્યું હતું, જેમાં ટોળામાંથી કેટલાક લોકોએ પથ્થરમારો પણ કર્યો હતો અને હોસ્ટેલની અંદરના રૂમમાં તોડફોડ પણ કરી હતી. આ સાથે જ હોસ્ટેલમાં પાર્ક કરેલા વિદ્યાર્થીઓનાં વાહનોમાં પણ લોકટોળા દ્વારા તોડફોડ કરવામાં આવી હતી.


આ ઘટનામાં 3 વિદ્યાર્થીને ઈજા પહોંચતાં SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઘટના સમયે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, ઉઝબેકિસ્તાન અને આફ્રિકાના વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં હાજર હતા. આ મામલે હર્ષ સંઘવીએ શાહીબાગ સર્કિટ હાઉસમાં બેઠક બોલાવી છે. DGP અને પોલીસ કમિશનરને પણ આ અંગે તપાસના આદેશ આપ્યા છે.

અમને કોઈ સલામત જગ્યાએ ખસેડવામાં આવેઃ મોહમ્મદ વારીસ
અફઘાનિસ્તાનના મોહમ્મદ વારીસ નામના વિદ્યાર્થીએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે અમે રમઝાનના કારણે હોસ્ટેલ કેમ્પસમાં જ નમાઝ કરી રહ્યા હતા. ત્યારે કેટલાક લોકો આવ્યા અને જય શ્રીરામના નારા સાથે અમને કહેવા લાગ્યા કે તમે અહીં કેવી રીતે નમાઝ કરો છો? તમને પરમિશન કોણે આપી? ત્યાર બાદ અમારી નમાઝ ચાલી રહી હતી એ દરમિયાન 200 લોકોનું ટોળું આવ્યું હતું અને જય શ્રીરામ બોલતાં-બોલતાં પથ્થર ફેંકવા લાગ્યા હતા. આ ટોળાએ અમારી નમાઝ બંધ કરાવી અમને માર્યા હતા. હોસ્ટેલના રૂમમાં ઘૂસીને પણ તોડફોડ કરી હતી. અમારા લેપટોપ, વાહન, એસી સહિતની સામગ્રીમાં તોડફોડ કરી છે. અમે વિદેશી વિદ્યાર્થીઓ છે, એટલે અમે કંઈ કરી શકીએ એમ નથી. અમારી યુનિવર્સિટીને વિનંતી છે કે અમને કોઈ સેફ જગ્યાએ ખસેડવામાં આવે.


તો અન્ય નોમાન નામના વિદ્યાર્થીઓ જણાવ્યું હતું કે હું ગઈકાલે રાત્રે બહાર હતો, ત્યારે મારા ફોન પર ફોન આવ્યો કે હોસ્ટેલમાં ઝઘડો થયો છે, જેથી હું ફટાફટ હોસ્ટેલ પહોંચ્યો, ત્યારે રૂમમાં જઈને જોયું તો મારો એકલાનો નહીં, પરંતુ બધાના રૂમમાં તોડફોડ થઈ ચૂકી હતી. 200 લોકોનું ટોળું હોસ્ટેલ બહાર ઊભું હતું, જે પથ્થર ફેંકી મારામારી કરી રહ્યું હતું. મારા ઘણા બધા સામાનમાં નુકસાન થયું છે. અમે અહીં પાંચ વર્ષથી નમાઝ કરીએ છીએ, પરંતુ કાલે પહેલી વખત ઝગડો થયો છે.