રિપોર્ટ@સુરત: શ્રીપદ એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલા પાર્કિંગની મીટર પેટીમાં શોર્ટસર્કિટના કારણે આગ ભભૂકી

આગ પર કાબુમાં લેવા પ્રયાસ હાથ ધર્યા હતા.
 
 રિપોર્ટ@સુરત: શ્રીપદ એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલા પાર્કિંગની મીટર પેટીમાં શોર્ટસર્કિટના કારણે આગ ભભૂકી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં આગ લાગવાના બનાવો ખુબજ વધી ગયા છે.  રોજ કોઈને કોઈ જગ્યાએથી ભયાનક આગના બનાવો સામે આવતા હોય છે.  સતત વ્યસ્ત રહેતા ચૌટાબજારના ખપાટીયા ચકલા સુભાષ ચોક પાસે ભટ્ટ હોસ્પિટલ નજીક આવેલા શ્રીપદ એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલા પાર્કિંગની મીટર પેટીમાં શોર્ટસર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી. ધુમાડાને કારણે આસપાસના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતા નવસારી બજાર, મુગલીસરા અને ઘાંચી શેરી ફાયર સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.

ફાયરના અધિકારીએ જણાવ્યું કે, ફાયર કંટ્રોલ રૂમમાં સાંજે 5:02 વાગ્યે કોલ મળ્યો હતો અને ફાયરની ટીમ ઘટના સ્થળે 5:10 વાગ્યે પહોંચી ગઈ હતી. પરંતુ રસ્તાની વચ્ચે પાર્ક કરેલા વાહનોના કારણે ફાયરબ્રિગેડને આગના સ્થળે પહોંચવામાં 5 મિનિટ વધારે લાગી હતી. ફાયરના જવાનો ગાડીમાંથી નીચે ઉતરી 4થી 5 વાહનો ખસેડ્યા હતા અને રસ્તો ખુલ્લો કરી એપાર્ટમેન્ટ સુધી પહોંચી આગ પર કાબુમાં લેવા પ્રયાસ હાથ ધર્યા હતા.

1 કલાક અને 20 મિનિટની જહેમત બાદ ફાયરબ્રિગેડે આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. આગની ઘટનામાં મીટરપેટી અને વાયરીંગ બળીને ખાખ થઈ ગયું હતું અને 30 જેટલા મીટરો આગમાં બળી ગયા હતા તેમજ નજીકમાં પાર્ક કરેલી એક મોપેડ અને એક બાઈક પણ આગની લપેટમાં આવી ગઈ હતી. જોકે, બે વાહનોમાં થોડુ નુકસાન થયું હતું. મીટર પેટીમાં આગ લાગી હોવાની જાણ થતાની સાથે એપાર્ટમેન્ટના રહીશો સમયસર નીચે ઉતરી બહાર દોડી ગયા હતા.