રિપોર્ટ@ગુજરાત: દરિયામાંથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી ફિશિંગ બોટને 2 બુટલેગરો સાથે LCBની ટીમે ઝડપી

દમણથી ફિશિંગ બોટમાં 131 પેટી દારૂનો જથ્થો ભરી કોડીનારના મૂળ દ્વારકાના બે બુટલેગરો નીકળેલા હતા.
 
રિપોર્ટ@ગુજરાત: દરિયામાંથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી ફિશિંગ બોટને 2 બુટલેગરો સાથે LCBની ટીમે ઝડપી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

થર્ટી ફસ્ટની પૂર્વ સંઘ્યાએ વેરાવળના દરિયામાંથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી ફિશિંગ બોટને 2 બુટલેગરો સાથે ગીર સોમનાથ LCBની ટીમે ઝડપી લીધેલ છે. દમણમાંથી દારૂનો જથ્થો ભરીને ફિશિંગ બોટ ચોરવાડ ઉતારવા જતી હોવાનું સામે આવ્યું છે. બોટમાંથી 131 પેટી કિંમત રૂ.5.25 લાખનો દારૂનો જથ્થો, બોટ, બે એન્જિન મળી કુલ રૂ.12 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનારને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી.

થર્ટી ફર્સ્ટ પૂર્વે દરિયાઈ માર્ગે વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવાના કીમિયાનો ગીર સોમનાથ એલસીબીએ પર્દાફાશ કર્યો છે. જે અંગે જાણવા મળેલ વિગત મુજબ સંઘ પ્રદેશ દમણમાંથી એક ફિશિંગ બોટ વિદેશી દારૂનો જથ્થો ભરીને ગીર સોમનાથના દરિયામાં આવી રહી હોવા અંગે પોલીસને બાતમી મળી હતી. જેને લઇ ગઇકાલે (30 ડિસેમ્બર) બપોરે એલસીબી PI એ.બી.જાડેજા સ્ટાફ સાથે બે ખાનગી ફિશિંગ બોટમાં સવાર થઈને દરિયામાં તપાસ અર્થે ગયા હતા. દરમિયાન વેરાવળના દરિયામાં દોઢક કિ.મી દૂર એક શંકાસ્પદ ફિશિંગ બોટ જોવા મળતા તેને ઘેરીને તેમાં તપાસ કરાવતા જુદા જુદા મોટી સંખ્યામાં બોક્સો જોવા મળેલાં હતાં. જેમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હતો. આથી ફિશિંગ બોટને વેરાવળ બંદર લાવીને તમામ જથ્થો ઉતારાવી વાહનો મારફત મરીન પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી ગણતરી હાથ ધરી હતી.

આ અંગે એલસીબી PI એ.બી.જાડેજાએ જણાવ્યું કે, મૂળ દ્વારકાની ફિશિંગ બોટ દમણથી દારૂ ભરીને નજીકના ચોરવાડ ખાતે ડિલિવરી કરવા જતી હતી. બોટમાંથી રૂ.5.25 લાખની કિંમતનો 131 પેટી દારૂના જથ્થા સાથે મૂળ દ્વારકાના આરીફ ગફુર ભેંસલિયા, ઈન્દ્રીશ અલરખા મુસાની નામના બે બુટલેગરોને ઝડપી લેવામાં આવ્યા છે. બોટમાં બે એન્જિન અને મોબાઈલો મળી કુલ રૂ.12 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

અત્રે નોંધનીય છે કે, થર્ટી ફસ્ટને લઈ છેલ્લા થોડા દિવસોથી વેરાવળ શહેરમાં પણ છૂપી રીતે રેમ્બો, પપ્પુ, ગિરિયો નામના બુટલેગરો જવાબદાર અમુક પોલીસની મીઠી નજર હેઠળ દારૂનો છૂટો છૂટો જથ્થો નાંખી રહ્યા હોવાની છડેચોક ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે આ બાબતે ઉચ્ચ પોલીસ અધિકારીઓ તપાસ કરાવશે તો રોચક હકીકતો સામે આવે તેવી ચર્ચાઓ લોકોમાં થઈ રહી છે.

થર્ટી ફસ્ટને લઈ દારૂ ઘુસાડવા સક્રિય બનેલા બુટલેગરોએ દમણથી ફિશિંગ બોટમાં દારૂ ભરાવીને ત્રણ દિવસ પૂર્વે નીકળ્યા બાદ ગઈકાલે (30 ડિસેમ્બર) 10 પેટી જેટલો દારૂનો જથ્થો કોડીનાર પંથકના દરિયાકાંઠે ઉતારેલ જે પોલીસે ઝડપી લીધો હતો. જેની માહિતીને લઈ એલસીબીનો સ્ટાફ સક્રિય થતા મોટો જથ્થો આવ્યો હોવાની બાતમી મળી હતી. જેને લઈ એલસીબી પીઆઈ એ.બી.જાડેજાએ ખુદ સ્ટાફ સાથે દરિયામાં જઈ શોધખોળ હાથ ધરીને દરિયાઈ માર્ગે દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. જો કે, બુટલેગરો દ્વારા દરિયામાં પણ પોલીસને ચકમો આપવા પૂરી તૈયારીઓ કરી હતી. જેમાં બોટમાં ડીઝલ ભરેલા ચારેક કેરબા અને મોટા હોર્સ પાવરનાં એક્સ્ટ્રા બે એન્જિન પણ રાખેલાં હતાં. જેથી દરિયામાં પોલીસ જોવા મળે તો પુરઝડપે બોટ હંકારીને નાસી જવાય તેવી તૈયારીઓ સાથે સવાર થયા હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે.