રિપોર્ટ@ગુજરાત: સાંઈ એન્ટરપ્રાઇઝ નામની ઓઇલ બનાવતી મિલમાં અચાનક ભીષણ આગ ભભૂકી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં આગ લાગવાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આગ લાગવાના ભયાનક બનાવો સામે આવતા હોય છે. ઓલપાડના સરસ ગામે મિલમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં ઓઇલ ભરેલાં ડ્રમ બ્લાસ્ટ થતાં આખી મિલ આગની લપેટમાં આવી ગઈ હતી. દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. સાંઈ એન્ટરપ્રાઇઝ નામની ઓઇલ બનાવતી મિલમાં ભીષણ આગ લાગતાં જોતજોતાંમાં આખી મિલ આગની લપેટમાં હાલ આવી ગઈ છે. દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેથી લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટના અંગે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. હાલ મોરા ભાગળ ફાયરના ત્રણ ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યા છે.
ફાયર ફાઈટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. જોકે ઓઇલ ભરેલાં ડ્રમને લઈ મિલમાં બ્લાસ્ટ થઈ રહ્યા છે. ચાર કલાકની સતત જહેમત બાદ થોડા અંશે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે. જોકે ફાયર વિભાગ સતત આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવી રહ્યો છે. હાલ આ ઘટનાને પગલે હાજર લોકોમાં ભયનો માહોલ છવાયો છે. ઉલ્લેખનીય છે કે મિલની બાજુમાં જ ઝીંગા માછલીનું ગોડાઉન પણ આવેલું છે.
ફાયર ઓફિસર ગિરશ સેલરે આ અંગે જણાવ્યું હતું કે બાયો ડીઝલની મિલમાં આગ લાગવાનો કોલ મળ્યો હતો, જેથી તાત્કાલિક અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ એટલી ભીષણ છે કે ત્રણ કલાકથી સતત આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ ચાલુ છે છતાં હજુ સુધી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો નથી. અમારી ત્રણ ટીમ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂ લેવાના પ્રયાસો ચાલુ જ છે. બાયો ડીઝલની મિલ હોવાથી આગે ટૂંક જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ઓલપાડ સર્કલ ઓફિસર મયંક વસાવાએ જણાવ્યું હતું કે આજે સરસ ગામે બપોરે અચાનક મિલમાં આગ લાગી હતી, જેથી પાંચ જેટલા ફાયર ફાઈટરોને જાણ કરવામાં આવી છે. જોકે કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર વિભાગ દ્વારા સતત આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે.