રિપોર્ટ@અમદાવાદ: યુવકને લોન આપ્યા વગર જ હપ્તા લેવાના કેસમાં બેંકના સંચાલકો-એજન્ટો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

 વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી
 
છેતરપિંડી@મહીકા: વાંકાનેરના મહીકા ગામના યુવાન પાસેથી ટ્રક ખરીદીને પૈસા પણ ન આપતા યુવકે ફરિયાદ નોધાવી

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક 

વેજલપુરના મધ્યમવર્ગીય પરિવારને કલર મર્ચન્ટ બેંકના સંચાલકો તથા એજન્ટોએ મળીને લોન આપવાના બહાને તેની પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા. લોન નહીં આપી હોવા છતાં તેની પાસેથી હપતાની વસૂલાત કરી તેનું ઘર સીલ કરવાની ધમકી આપી હતી. જેને પગલે પરમાર પરિવારે વેજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

કલર મર્ચન્ટ બેંકના હોદ્દેદારો અને એજન્ટો વિરુદ્ધ કુલ આઠ ફરિયાદ નોંધાઇ છે.

વેજલપુર સહવાસ એપાર્ટમેન્ટમાં રહેતો કુલદીપ અર્જીનસિંહ પરમાર અને તેનો ભાઇ પકવાના ચાર રસ્તા નજીક સીટ કરવા ફિટિંગ કરવાનું કામ કરે છે. તેમને 2013માં થોડા પૈસાની જરૂર હોવાથી લોન માટે પ્રયાસ શરૂ કર્યા હતા. ત્યારે જ કુલદીપના શેઠ લાલભાઇએ કલર મર્ચન્ટ બેંકના એજન્ટ હિરેન સોમપુરા અને પવન સોમપુરા સાથે સંપર્ક કરાવ્યો હતા.

પવન અને હિરેન કુલદીપ અને તેના ભાઇ સંદીપને બેંકના મુખ્ય એજન્ટ ચિંતન શાહની ભુયંગદેવ ખાતેની ઓફિસ લઇ ગયા હતા. જ્યાં લોન માટે મકાન મોર્ગેજની પ્રક્રિયા કરવામાં આવી હતી. લોન માટે કડી નાગરિક બેંકમાં સંદીપનું એકાઉન્ટ ખોલાવવામાં આવ્યું હતું અને જેની પાસબુક તથા ચેકબુક ચિંતને પોતાની પાસે જ રાખી હતી. પિતા અર્જુનસિંહની એસબીઆઇની પાસબુક તથા ચેકબુક પણ ચિંતને લઇ લીધી હતા. રૂપિયા આઠ લાખની લોન મંજૂર થઇ હોવાની જાણ કરવામાં આવી હતી, પરંતુ લોન નહીં મળી હોવા છતાં બેંકમાંથી લોનના હપતા માટે માગણી કરવામાં આવી હતી.

આ બાબતે કુલદીપ અને સંદીપે એજન્ટ ચિંતનને જાણ કરી હતી. જેને પગલે તેણે મેનેજર અતુલ શાહને વાત કરવાની ચર્ચા કરી હતી. ત્યારબાદ ટુકડે ટુકડે પરમાર બંધુઓને 5.50 લાખ અપાયા હતા. જેના હપતા પેટે 13,700 રૂપિયા ભરવાનો થતો હતો. વર્ષ 2017-18માં આર્થિક સંકડામણને કારણે હપતા નહીં ભરાતા બેંકમાંથી દબાણ કરાયું હતું. લોન પૂરી કરવા ટોપઓપ પેટે 8 લાખની લોન કરાવી અને કમિશન અને હપતા કાપીને 4.50 લાખ પરમાર બંધુઓને આપ્યા હતા. ત્યારબાદ પણ બેંકમાંથી ઉઘરાણી ચાલુ રાખી સુરેશ નામના માણસે મકાન સીલ કરવાની ધમકી આપતાં પરિવારે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ઇન્સ્પેક્ટર કિરીટ રાજવીએ વધુ તપાસ શરૂ કરી છે.

આરોપીઓની યાદી

1) કલર મર્ચન્ટ બેંક સેટેલાઇટના બ્રાંચ મેનેજર અતુલ શાહ

2) એજન્ટ ચિંતન શાહ

3) સબ એજન્ટ હિરેન સોમપુરા

4) સબ એજન્ટ પવન સોમપુરા

5) ચિંતન શાહનો માણસ સુરેશભાઇ