રિપોર્ટ@ગુજરાત: કચ્છના રણમાં મીઠું પકવવાની જમીન કબજે લેવા બાબતે 2 જૂથો વચ્ચે અથડામણ

એક જૂથે બીજા જૂથ ઉપર બંદૂક વડે ફાયરિંગ કર્યું
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં મારા-મારીના ગુનાઓ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી મારા-મારીનો બનાવ સામે આવતો હોય છે. કચ્છના રણમાં મીઠું પકવવાની જમીન કબજે લેવા બાબતે ગોળીબાર થયો હતો. ફોર્ચ્યુનર, બોલેરો સહિત 5 ગાંડીઓ ભરીને આવેલા એક જૂથે સામે તરફ ઊભા અન્ય એક જૂથ પર ધડાધડ ફાયરિંગ કર્યું હતું. જેમાં એક વ્યક્તિને માથામાં ગોળી વાગતા ઘટનાસ્થળે જ ઢળી પડ્યો, જ્યારે અન્ય ત્રણને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગોળી માર્યા બાદ હોસ્પિટલમાં લઈ જવાતા ઈજાગ્રસ્તને ગાડીથી કચડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ધડાધડ ફાયરિંગના દૃશ્યોએ ફિલ્મ રામલીલાની યાદ અપાવી દીધી હતી. આ ઘટના બાદ સમગ્ર કચ્છ જિલ્લામાં ખોફનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે પોલીસે પણ ફરિયાદ અને વીડિયોના આધારે વધુ તપાસ હાથ ધરી છે. કચ્છના રણમાં અસંખ્ય એકરોમાં મીઠાનું ઉત્પાદન પ્રતિવર્ષ વધી રહ્યું છે. રણની સૂકી ધરા નમક ઉત્પાદકો માટે ફળદ્રુપ સાબિત થાય છે. જેને લઈ રણમાં આવેલા અભયારણ્ય વિસ્તારમાં પણ નમક એકમોનો પગપેસારો જગજાહેર છે, અને તે વિશેની ફરિયાદો સમયાંતરે ઊઠતી રહે છે. આ વચ્ચે રણમાં મીઠા માટે જમીન કબજે લેવા મામલે ગત સોમવારે બે જૂથ આમને-સામને આવી જતાં એક જૂથે બીજા જૂથ ઉપર બંદૂક વડે ફાયરિંગ કર્યું હતું.

જેમાં 4 લોકો ઘાયલ થયા હતા, તે પૈકી દિનેશ કોલીને માથાના ભાગે ગોળી વાગતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ તેનું આજે સવારે મોત થયું છે. હવે સામખિયાળી પોલીસ દફ્તરે 17 જેટલા આરોપીઓ સામે નોંધાયેલી હત્યાના પ્રયાસ સહિતની કલમો તળેની ફરિયાદમાં હત્યાની કલમનો ઉમેરો થઈ શકે છે. બીજી તરફ બનાવના આરોપીઓ હજુ ફરાર છે.ભચાઉના શિકારપુર નજીક રણમાં જ્યાં ઘુડખર અભ્યારણ વિસ્તારમાં આવેલા છે, તે વિસ્તારમાં મીઠાના જૂના કારખાના પર કબજો જમાવવા બાબતે હિંસક ધીંગાણામાં ત્રણ લોકો પર આરોપીઓએ બોલેરો ગાડી ચડાવી હત્યા નિપજાવવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ પોલીસ ફરિયાદમાં નોંધાયું હતું.