રિપોર્ટ@ગાંધીનગર: ખેતરમાંથી ગૌવંશનું કતલખાનું ઝડપાયું અને 75 કિલો ગૌ માંસ જપ્ત કરાયું

જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ છે.
 
રિપોર્ટ@ગાંધીનગર: ખેતરમાંથી ગૌવંશનું કતલખાનું ઝડપાયું અને 75 કિલો ગૌ માંસ જપ્ત કરાયું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર બનાવો સામે આવતા હોય છે. દહેગામના કમાલબંધ વાસણા ગામના બે પશુપાલકોની સોમવારે ચાર ભેંસોની ચોરી કરી તેની નજીકમાં આવેલી ધોળાસર કેનાલ પાસે કતલ કરી માંસ લઈ જઈ તેના હાડકા કેનાલ પાસે નાંખી આરોપીઓ નાસી છૂટવાના બનાવના થોડા કલાક બાદ દહેગામ પોલીસે બહિયલ ગામે આવેલા એક ખેતરમાં ચાલતા ગૌવંશના કતલખાનાનો પર્દાફાશ કરી 75 કિલો ગૌ માંસ, ઈલેક્ટ્રીક વજન કાંટો, બે લોડીંગ રિક્ષા,લાકડાના ટબ્બા તેમજ છરા જેવી વસ્તુઓ કબજે કરી એક ઈસમની ધરપકડ કરી હતી જ્યારે આ ગુનામાં સામેલ અન્ય એક આરોપી પોલીસને જોઈ નાસી છૂટ્યો હોવાથી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે આ બનાવથી સમગ્ર પંથકના જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ છે.

દહેગામના કમાલબંધ વાસણાની સીમમાં આવેલા એક ખેતરમાંથી સોમવારે બે પશુપાલકોની ચાર ભેંસોની ચોરી કરી તેની નજીકમાં આવેલી ધોળાસર કેનાલ પાસે કતલ કરી દેવાયા બાદ તેના હાડકા અને હોજરી સહિતના અવશેષો ફેંકી દઈ માંસ લઈ કસાઈઓ નાસી છૂટયા હોવાનો બન્યો હતો તેવા સમયમાં જ દહેગામ પોલીસે બહિયલ ગામની સીમમાં આવેલા એક ખેતરમાં ગેરકાયદેસર ચાલતા ગૌવંશના કતલખાનાને ઝડપ્યું હતું. દહેગામના પીઆઈ બી.બી.ગોયલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એન.કે. ભરવાડ સ્ટાફના ભદ્રેશકુમાર, કિર્તનકુમાર, સોહિલસિંહ,વિજયસિંહ, ખોડાજી, સચિનકુમાર સહિતની ટીમે બાતમીના આધારે બહિયલ ગામની સીમમાં ગુજરાત કાંટાની પાછળ આવેલા એક ખેતરની ઓરડી પાસે રેડ કરી હતી.

જ્યાં પોલીસને દૂરથી જોઈ એક શખ્સ નાસી છૂટ્યો હતો જ્યારે એક શખ્સ ઝડપાઈ ગયો હતો પોલીસે સ્થળ પર જોયું તો ત્યાંથી 75 કિલો ગૌ માંસ, ઈલેક્ટ્રીક વજન કાંટો, છરા,લાકડાના ટબ્બા તેમજ બે લોડીંગ રિક્ષા પણ મળી આવતા પોલીસે કુલ રૂપિયા 1,62,520 નો મુદ્દામાલ કબજે કરી નજીકમાં કતલ કરવા માટે નજીકમાં બાંધવામાં આવેલા પાંચ નંગ વાછરડાને જીવિત હાલતમાં બચાવી લઈ દહેગામના પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા, પોલીસે ઝડપે માંસ ગૌ માંસ છે કે કેમ? તેની ખરાઈ કરાવવા એફએસએલની ગૌ માંસ પરીક્ષણ વાન અને પશુચિકિત્સકને સ્થળ વિઝીટ માટે બોલાવતા ઝડપાયેલું માંસ ગૌ માંસ હોવાનું જણાયું હતું. આથી પોલીસે જરૂરી કાર્યવાહી બાદ ઝડપાયેલા માંસના જથ્થાને જેસીબીની મદદથી ખાડો ખોદાવી દાટી દીધો હતો.

આ બનાવમાં પોલીસે સ્થળ પરથી ઝડપાયેલા નફીસ જાઉદ્દીન ઉર્ફે જાવો ગુલામનબી જાદવની ધરપકડ કરી નાસી છૂટેલો ઈસમ તેનો પિતા જાઉદ્દીન ઉર્ફે જાવુ ગુલામનબી જાદવ હોવાનું જાણવા મળતા પોલીસે બંને વિરુદ્ધ પશુ પ્રત્યે ઘાતકીપણાની કલમ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી નાસી છૂટેલા ઈસમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે આ અંગેની વધુ તપાસ બહિયલ આઉટ પોસ્ટના પીએસઆઈ બી.એન.પ્રજાપતિ ચલાવી રહ્યા છે બીજી તરફ આ બનાવથી જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ છે.