રિપોર્ટ@અમદાવાદ: એલ. ડી કોલેજની હોસ્ટેલમાં એક વિદ્યાર્થીએ આપઘાત કર્યો, દારૂ અને ડ્રગ્સ આવતું

ડ્રગ્સ તથા દારૂ પણ હોસ્ટેલમાં આવતું હતું.
 
રિપોર્ટ@અમદાવાદ: એલ. ડી કોલેજની હોસ્ટેલમાં એક વિદ્યાર્થીએ આપઘાત કર્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં આત્મહત્યાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આત્મહત્યાના બનાવો સામે આવતા હોય છે.  એલ. ડી કોલેજની હોસ્ટેલમાં એક વિદ્યાર્થીનો મૃતદેહ મળ્યો હતો. હાથે તથા ગળાના ભાગે બ્લેડ મારી આત્મહત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. મૃતકના પરિવારજનો અમદાવાદ પહોંચ્યા છે. એલ. ડી કોલેજમાં જ મૃતકના પરિવારજનો ધરણાં પર બેઠા છે. મૃતકના પિતાનું કહેવું છે કે, મારો દીકરો આત્મહત્યા કરી શકે નહીં. એલ.ડી.ની હોસ્ટેલમાં ગેરકાયદે વિદ્યાર્થીઓ રહેતા હતા અને CCTV નહોતા. ડ્રગ્સ તથા દારૂ પણ હોસ્ટેલમાં આવતું હતું.


ગઈકાલે મંગળવારે સવારે એલ.ડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલના D બ્લોકના ત્રીજા માટેથી ખંડેર રૂમમાંથી ઉર્વિશ ચૂહિયા નામના વિદ્યાર્થીનો લોહીથી લથપથ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.ઉર્વિશ એલ.ડી એન્જિનિયરિંગ કોલેજમાં કેમિકલ એન્જિનિયરિંગના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હતો. બ્લડ વડે ગળા તથા હાથના ભાગે ઘા મારીને ઉર્વિશે આત્મહત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. આ ઉપરાંત 1 જુલાઈએ પરીક્ષા દરમિયાન ઉર્વિશ પાસેથી મોબાઇલ મળી આવ્યો હતો, જેથી કોપી કેસ કરવામાં આવ્યો હતો.  કોપી કેસ અંગે લાગી આવતાં ઉર્વિશે આત્મહત્યા કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ઉર્વિશના પરિવારજનો માંડવીથી અમદાવાદ પહોંચ્યા છે અને અત્યારે ઉર્વિશનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. પરિવારનો આક્ષેપ છે કે, તેમના દીકરાએ આત્મહત્યા કરી નથી.


ઉર્વિશના પિતા કમલેશ ચૂહિયાએ જણાવ્યું હતું કે, એલડી કોલેજની હોસ્ટેલમાં ક્યાંય સીસીટીવી લગાવવામાં આવ્યા નથી. રજીસ્ટરમાં પણ આવનાર લોકોની સહી લેવામાં આવી રહી નથી. આવારા છોકરાઓ હોસ્ટેલમાં આવે છે અને ગેરકાયદે રહે છે.હોસ્ટેલમાં દારૂ અને ડ્રગ્સ પણ આવે છે. મારો દીકરો આત્મહત્યા કરી જ ના શકે. મારો દીકરો પહેલાથી જ મેરીટમાં આવતો હતો. મા-બાપે તેને કેવી રીતે ભણાવ્યું છે, તે જાણતો હતો. મારા દીકરો કોપી કરતા પકડાયો છે તેવું કહેવામાં આવ્યું હતું, પરંતુ તે કોપી કરી જ ના શકે. તેણે અમને કહ્યું હતું કે, તેના કંપાસમાં મોબાઈલ રહી ગયો હતો અને જ્યારે પરીક્ષા દરમિયાન ચેકિંગ આવ્યું ત્યારે મોબાઇલ મળી આવ્યો હતો.


મારો દીકરો કોપી કરતો ઝડપાયો તો મને જાણ કેમ ના કરી. મને મેનેજમેન્ટ પર પણ વિશ્વાસ નથી.મેં મારો 21 વર્ષનો દીકરો ખોયો છે, જે લોકો જવાબદાર છે, તેમના સામે પગલા લેવામાં આવે. જ્યાં સુધી પગલા લેવામાં નહીં, આવે ત્યાં સુધી અમે મૃતદેહ નહીં સ્વીકારીએ. એલ.ડી કોલેજની હોસ્ટેલના સંચાલક અને પ્રિન્સિપાલ આ મામલે જવાબદાર છે. જેથી તેમની સામે પગલાં લેવામાં આવે.બનાવના આગલા દિવસે જ મારા દીકરાએ રાત્રે 8:30 વાગે મારી સાથે વાત કરી હતી ત્યારે બધું શાંત હતું.તે રિવરફ્રન્ટ પર ફરવા જઉં છું તેમ કહીને ગયો હતો અને બીજા દિવસે ગળામાં તથા હાથના ભાગે બ્લેડ મારેલો એનો મૃતદેહ મળી આવ્યો છે આવું તે જાતે કરી શકે નહીં.


9મી જુલાઈએ એલ.ડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં રહેતા 20 વર્ષના વિદ્યાર્થીનો કોલેજના ખંડેર રૂમમાંથી મૃતદેહ મળી આવ્યો છે. મૃતક વિદ્યાર્થીના ગળા અને હાથ પર બ્લેડ માર્યાનાં નિશાન છે. પ્રાથમિક તપાસમાં મૃતકે આપઘાત કર્યાનું જાણવા મળ્યું છે. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. બનાવ અંગે ગુજરાત યુનિવર્સિટી પોલીસે તપાસ શરૂ કરી છે.


એલ.ડી એન્જિનિયરિંગ કોલેજમાં કેમિકલ એન્જિનિયરિંગના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા ઉર્વીન નામના વિદ્યાર્થીનો હોસ્ટેલના ત્રીજા માળે 435 નંબરના રૂમમાંથી મૃતદેહ મળ્યો હતો. મૃતક વિદ્યાર્થીના હાથમાં અને ગળાના ભાગે બ્લેડ માર્યાનાં નિશાન હતાં. જે રૂમમાંથી મૃતદેહ મળી આવ્યો છે તે રૂમ ખંડેર હાલતમાં હતો. મૃતકનો મિત્ર સવારે રૂમ તરફ આવ્યો અને રૂમ બંધ જોયો ત્યારે શંકા ગઈ. આથી રૂમમાં તપાસ કરતા વિદ્યાર્થીનો લોહીથી લથપથ હાલતમાં મૃતદેહ પડ્યો હતો. જેથી પોલીસને જાણ કરવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટી પોલીસે બનાવના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.